ભગવાનને મળવા

એક શ્રીમંત વેપારી હતા.પૈસાનું અભિમાન બહુ અને અંધશ્રદ્ધાળુ પણ બહુ…તેમને સસ્ત એમ જ વિચાર આવે કે મારા સુખ અને સાહ્યબીને કોઈની નજર લાગી જશે.અને એટલે તેઓ રોજ મંદિરે જાય, એક નહી પણ ઘરમાં સાત સભ્ય એટલે બધા માટે એક એમ ગણીને સાત નારિયેળ રોજ વધેરે અને ભગવાનની પાસે વધુને વધુ સુખ સાહ્યબી માંગતા રહે.

ભગવાનને મળવા

રોજ મંદિરે જવું અને નારિયેળ વધેરવા અને પ્રભુ પાસે સતત માંગવું એ શેઠનો રોજનો નિયમ હતો.એક દિવસ વેપારી શેઠ ડ્રાઈવર પાસેથી લઈને એક એક નારિયેળ વધેરતાં હતા.ત્યારે પૂજારીજીએ પાસે આવીને પૂછ્યું કે, ‘શેઠજી, તમે રોજ અહીં આવીને નારિયેળ વધેરો છો શું તમને ખબર છે કે આપને વૈદિક પૂજામાં આ નારિયેળ વધેરીએ છીએ તેનું પ્રતિકાત્મક મહત્વ શું છે??’

શેઠજીએ કહ્યું, ‘હું તો ભગવાનને પ્રસન્ન કરવા અને મને અને મારા કુટુંબને કોઈની ખરાબ નજર ન લાગે માટે નારિયેળ ધરાવું છું.’ પૂજારીજી બોલ્યા, ‘શેઠજી, જેમ આપને નારિયેળ વધેરવા પહેલા તેની ઉપરના છોતરા કાઢી નાખીએ છીએ ….આ છોતરાં આપણી ઢગલાબંધ ઈચ્છાઓના પ્રતિક છે.

એટલે સૌથી પહેલા મનમાંથી બધી ઈચ્છાઓ કાઢી નાખવી પડે. પછી આપણે ઉપરના કોચલાને તોડીએ તેમ આપણે પોતાના અભિમાનને તોડવું પડે.ઉપરના કોચલાને તોડીએ એટલે નારિયેળનું પાણી તરત બહાર વહી જાય.તેમ આપણે અભિમાનને તોડ્યા બાદ તરત આપણા મનના નકારાત્મક વિચારોને બહાર કાઢવા જરૂરી છે.

અને પછી અંદરના સફેદ કોપરાને પ્રસાદરૂપે ધરાવવામાં આવે છે અને આ સફેદ કોપરાની જેમ આપણું મન અને હદય શુદ્ધ બને છે અને તે શુદ્ધ આત્મા સાથે આપણે ઇશ્વરના દર્શન કરીએ ત્યારે આપણે ઈશ્વરને મળવાને લાયક થઈએ છીએ.શેઠજી માત્ર નારિયેળ વધેરવાથી ઈશ્વર નહિ મળે.જાતને પણ સુધારવી પડશે.’

આટલું બોલી પુજારી ચાલ્યા ગયા.પણ શ્રીમન વેપારી શેઠ વિચારવા લાગ્યા કે ‘આટલું આપ્યું છે પ્રભુએ છતાં હજી વધુને વધુ મેળવવાની મારી ઈચ્છાઓનો અંત જ નથી.મને મારા વેપાર અને પૈસાનું અભિમાન પણ છે.મારા મનમાં અમારી સાહ્યબી જોઇને લોકોની નજર લાગી જશે તેવા નકારાત્મક વિચારો પણ છે.મારું અંતરમન શુદ્ધ નથી.તો હું ગમે તેટલા નારિયેળ વધેરું કે ભલે રોજ મંદિરે આવું હું ઈશ્વરને મળવાને લાયક નથી.’ તે ક્ષણે જ શેઠજીએ ઈશ્વરને મળવાને લાયક બનવાનો નિર્ણય કર્યો.

યાદ રાખો, પૂજામાં અને મંદિરમાં નારિયેળ વધેરવાની પ્રક્રિયા સમજાવે છે કે મનની ઈચ્છાઓ, અભિમાન અને નકારાત્મકતાને છોડ્યા વિના ઈશ્વરને મળવાને લાયક બની શકાતું નથી.   

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts