Comments

નુકસાનમાં નફો થયાની ખુશી એટલે…

કુદરત અને કુદરતી બાબતો સાથે છેડછાડ કરવાનો મનુષ્યનો શોખ કદાચ માનવસંસ્કૃતિના ઈતિહાસ જેટલો જ પુરાણો હશે. કેમ કે, સભ્ય અને સુસંસ્કૃત દેખાવાની લ્હાયમાં તે પ્રકૃતિનું સાન્નિધ્ય છોડીને કૃત્રિમ જીવનશૈલી તરફ વળતો ગયો. કુદરતનો અંશ બનીને રહેવાને બદલે કુદરતને તે પોતાને તાબે કરતો થયો. આ લાલસામાં તે અનેક વનસ્પતિ અને પશુઓની પ્રજાતિનો સોથ વાળતો ગયો.  વિપુલ પ્રમાણ ધરાવતી અનેક પ્રજાતિઓનું સાવ નિકંદન કાઢી નાંખવું અને પછી તેના સંવર્ધન માટે પ્રયાસો કરતાં રહેવું  એ માણસજાતની તાસીર રહી છે. કોઈ પણ દેશ કે પ્રજા જેમ વધુ વિકસિત, એમ આ બાબતનું પ્રમાણ વધુ. ગેંડાને પણ આ બાબત લાગુ પડે છે.

એક સમયે ભારતીય ઉપખંડના સમગ્ર ઉત્તર હિસ્સામાં ગેંડા જોવા મળતા હતા. તેમનો શિકાર કરતા રહીને વીસમી સદીના આરમ્ભે એની સંખ્યા સાવ બસો જેટલી જ રહી. આમ, ગેંડાની પ્રજાતિ લગભગ લુપ્ત   થવાને આરે આવીને ઊભી રહી ગઈ. એ પછી પર્યાવરણપ્રેમીઓએ તેને લુપ્ત થતાં અટકાવવાના વિવિધ પ્રયાસ આરમ્ભ્યા, જેને પરિણામે ગેંડાની સંખ્યા આજે રાજીપો વ્યક્ત થઈ શકે એટલે પહોંચી છે. આસામનો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એક શિંગડાવાળા ગેંડા સૌથી વધુ સંખ્યા ધરાવે છે. મજબૂતીનું પ્રતીક મનાતો ગેંડો પોતાની ઓછી સંખ્યાને કારણે સૌથી જોખમગ્રસ્ત પ્રજાતિ ગણાય છે. તેના આવાસ લુપ્ત થવાને કારણે તેમજ વિપુલ માત્રામાં શિકાર થવાને લઈને એની સંખ્યામાં ઝડપભેર ઘટાડો નોંધાતો રહ્યો છે. એવે વખતે એક આનંદદાયક સમાચાર જાણવા મળે ત્યારે ખુશી થાય એ સ્વાભાવિક છે.

આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં માર્ચ, ૨૦૨૨ માં થયેલી એક શિંગડાવાળા ગેંડાની વસતિગણતરીમાં પ્રોત્સાહક પરિણામ જોવા મળ્યું. ચારેક વર્ષ અગાઉ, ૨૦૧૮ માં કરવામાં આવેલી વસતિગણતરીની સરખામણીએ આ વખતે આ પ્રજાતિમાં ૨૦૦ નો વધારો નોંધાયો છે અને કુલ સંખ્યા ૨૬૧૩ ની થઈ છે. આ પૈકી પુખ્ત વયના ૭૫૦  નરની સામે ૯૦૩ માદા છે. ૧૭૦ ગેંડાના લિંગની ઓળખ થઈ શકી નથી.

આ ઉપરાંત ૧૧૬ અર્ધપુખ્ત નર, ૧૪૬ અર્ધપુખ્ત માદા, ૨૭૯ ગેંડા એકથી ત્રણ વર્ષની વયના અને ૧૪૬ વર્ષથી નાના હોવાનું પાર્કના નિદેશક જતીન્દ્ર શર્માએ જણાવ્યું. શિકારની સંખ્યામાં ઘટાડો થયો હોવાના કારણે પણ સંખ્યામાં વૃદ્ધિ થઈ હોવાનું તેમણે કહ્યું. આ અગાઉ આ સ્થળે આવેલાં પૂર તેમ જ અન્ય કારણોસર ગેંડાની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છએક મહિના પહેલાં બનેલી એક ઘટના વિશેષ નોંધપાત્ર છે. વિશ્વ ગેંડા દિન તરીકે ઉજવાતા ૨૨ સપ્ટેમ્બરના દિવસે ગયે વરસે અહીં વનવિભાગ દ્વારા ગેંડાનાં આશરે પચીસસો જેટલાં શિંગડાંને બાળી નાખવામાં આવ્યાં.

એ સુવિદિત છે કે જગતભરમાં ગેંડાનાં શિંગડાંની પ્રચંડ માંગ છે અને ગેંડાના શિકાર પાછળનું મુખ્ય કારણ પણ એ જ છે. મુખ્યત્વે વાજીકરણ તેમજ અન્ય ઔષધિય ઉપયોગ માટે વપરાતાં ગેંડાનાં શિંગડાં બહોળા પ્રમાણમાં વપરાય છે. તેની કિંમત પણ ખૂબ ઊંચી હોય છે, કેમ કે, પ્રત્યેક સ્થળે ગેંડાના શિકાર પર પ્રતિબંધ છે. એકત્ર કરાયેલાં શિંગડાંને બાળીને આસામ વન વિભાગ  એ પુરવાર કરવા માંગતો હતો કે ગેંડાના શિંગડાનો ઔષધિય ઉપયોગ નકરી કપોળકલ્પના છે. આ પગલું ખરેખર પ્રશંસનીય કહી શકાય એવું હતું.

કાઝીરંગામાં પૂરનો ખતરો ઘણો છે. ૨૦૧૮ થી આજ સુધીમાં આશરે ચારસો ગેંડાનું મૃત્યુ તેને કારણે થયું હોવાનું નોંધાયું છે. આ વિસ્તારમાં ગેંડાના મૃત્યુનું બીજું કારણ માર્ગ અકસ્માતો છે. આ કારણ જરા વિચિત્ર લાગે એવું છે. થાય છે એવું કે પાણીનું સ્તર વધવા માંડે એટલે ગેંડા કાર્બી આન્ગલોન્ગના પર્વતો તરફ સ્થળાંતર કરે છે, કેમ કે, એ વિસ્તાર ઊંચાઈવાળો હોવાથી ત્યાં પૂરથી બચી શકાય છે. પણ આ વિસ્તારમાંથી એક મહત્ત્વનો ધોરી માર્ગ પસાર થાય છે, જે રાષ્ટ્રીય ઉદ્યાનની દક્ષિણ તરફની સીમારેખા બની રહે છે. આ ધોરી માર્ગ આસામને રાષ્ટ્રના અન્ય ભાગ સાથે જોડે છે. આ ધોરી માર્ગ અને કાઝીરંગાની આસપાસ થતો વિકાસ તેમ જ અન્ય બાંધકામ ગેંડાને પર્વતો ઓળંગવામાં અવરોધરૂપ બની રહે છે અને તેમનો ભોગ લેવાય છે. 

આ મુદ્દે નક્કર પગલાં વિચારવામાં આવ્યાં અને તેનો અમલ સફળતાપૂર્વક કરી શકાયો એ આનંદની વાત છે. શિકારીઓ પર નજર રાખવા અને તેમનો સામનો કરવા માટેની નીતિ વધુ સઘન બનાવાઈ છે અને એ અનુસાર કામ પણ થઈ રહ્યું છે. પૂરથી બચવા માટે માટીનાં ઊંચાં પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યાં છે, જેની પર ગેંડા આશરો લઈ શકે છે અને તેમને ખોરાક પૂરો પાડી શકાય છે. ગેંડો તૃણાહારી પ્રાણી છે અને અનેક પ્રકારની વનસ્પતિનું તે ભક્ષણ કરે છે. આથી તેના આહાર અને ઉત્સર્ગ સાથે અનેક જીવપ્રણાલીઓ સંકળાયેલી હોય છે.

આ કારણે કુદરતના પોષણ ચક્રની તે અતિ મહત્ત્વની કડી સમાન છે.  ‘સેન્ટર ફોર વાઈલ્ડલાઈફ રિહેબીલીટેશન ઍન્ડ કન્ઝર્વેશન’ (સી.ડબલ્યુ.આર.સી.) અને તેની સાથે સંકળાયેલાં અનેક સંગઠનોએ વિવિધ પ્રાણીઓના સંવર્ધનની કામગીરી ઉપાડેલી છે. ગેંડાની વધેલી સંખ્યાને સિદ્ધિ માની, એનાથી સંતોષ પામીને બેસી જવાની જરૂર નથી, કેમ કે, એ કામગીરીમાં શિથિલતા આવે કે શિકારીઓ તત્પર જ બેઠેલા હશે. આ પ્રયાસો અને આ નીતિ કાયમી ધોરણે આવી ને આવી ચુસ્ત રહે એ આવશ્યક છે. એમ થાય તો જ આ પ્રયાસો સફળ થયેલા લેખાશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top