Education

વિદ્યાર્થીઓના અભ્યાસને બ્રેક નહીં: રાજ્ય સરકારે જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવાનો લીધો નિર્ણય

નવા જ્ઞાન સહાયકોની ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી જૂના સહાયકો યથાવત્ રહેશે કાર્યરત

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અછત વચ્ચે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય


(પ્રતિનિધિ) વડોદરા, તા. 10

નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ ગઈ હોવા છતાં રાજ્યની અનેક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની નવી નિમણૂક ન થતાં શિક્ષણ કાર્ય પર અસર પડવાની સ્થિતિ સર્જાઈ હતી. વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન પડે અને શિક્ષણ કાર્ય નિયમિત રીતે ચાલુ રહે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈ અગાઉ કાર્યરત જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવાનો આદેશ કર્યો છે.

ગુજરાતની સરકારી તેમજ બિનસરકારી અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા વર્ષ 2023-24થી જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવામાં આવી હતી. શિક્ષણ વિભાગની જોગવાઈ મુજબ જ્ઞાન સહાયકોની નિમણૂક મહત્તમ 11 મહિનાના કરાર આધારિત કરવામાં આવે છે અને શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતાં તેમનો કરાર આપોઆપ સમાપ્ત થયેલો ગણાય છે.

આ જોગવાઈના કારણે શૈક્ષણિક વર્ષ 2025-26 પૂર્ણ થતાં રાજ્યભરના તમામ જ્ઞાન સહાયકોની સેવા સમાપ્ત થઈ ગઈ હતી. બીજી તરફ શૈક્ષણિક વર્ષ 2026-27ની શરૂઆત થઈ ગઈ હોવા છતાં નવી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ન હોવાથી અનેક શાળાઓમાં શિક્ષકોની અછત સર્જાઈ હતી. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અને શિક્ષણ કાર્યને અસર થવાની શક્યતા ઊભી થઈ હતી.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કમિશનર ઓફ સ્કૂલ્સની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર પાઠવી મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. પરિપત્ર મુજબ જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી પૂર્ણ ન થાય અથવા નવા જ્ઞાન સહાયકોની નિમણૂક ન થાય ત્યાં સુધી વર્ષ 2025-26 દરમિયાન કાર્યરત તમામ જ્ઞાન સહાયકોના કરાર આગામી શૈક્ષણિક વર્ષ માટે રિન્યૂ કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી રાજ્યની સેંકડો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મોટી રાહત મળશે. સાથે જ શિક્ષકોની અછત વચ્ચે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ખોરવાયા વગર નિયમિત રીતે ચાલુ રાખવામાં મદદ મળશે. શિક્ષણ જગતમાં આ નિર્ણયને વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલ સમયોચિત પગલું ગણાવવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top