પાકિસ્તાન સામેની મેચમાં આ ભારતીય બેટ્સમેન ગેમ ચેન્જર બની શકે: વસીમ અકરમની આગાહી

પાકિસ્તાનના (Pakistan) માજી કેપ્ટન વસીમ અકરમે (Wasim Akram) આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં (ICC T-20 World Cup) સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) ભારત (India) માટે સંભવિત ગેમ ચેન્જર ગણાવતા કહ્યું હતું કે પાવરપ્લે પછીની ઓવરોમાં તેની 360 ડિગ્રી શોટ્સ રમવાની કાબેલિયત તેને એક વિશેષ ખેલાડી બનાવે છે. ભારત અને પાકિસ્તાન (India-Pak) રવિવારે એકબીજા સામે રમીને ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ માજી ઓલરાઉન્ડરે કહ્યું હતું કે આઇસીસી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનનો નિરાશાજનક રેકોર્ડની આગામી મેચ પર કોઇ અસર નહીં પડે.

અકરમે એક ભારતીય ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સૂર્યકુમાર યાદવ ભારતનો ગેમ ચેન્જર ખેલાડી હશે. તે 6 ઓવર પછી મેચનું પાસુ પલટાવી નાંખશે. મેં તેના શોટ્સ જોયા છે. તે 2012થી 2014 દરમિયાન મારી સાથે કોલકાતા નાઇટ રાઇડર્સમાં (KKR) હતો અને તેનામાં ઘણો સુધારો થયો છે. તે ઘણો પ્રભાવક ખેલાડી બની ગયો છે. સુરક્ષિત શોટ્સ રમે છે અને અટકતો નથી. અકરમને લાગે છે કે બીસીસીઆઇએ (BCCI) છેલ્લા દશકામાં ડોમેસ્ટિક ક્રિકેટમાં કરેલા ફેરફારે ટીમને સૂર્યકુમાર જેવા ખેલાડી આપ્યા છે.

કોહલી સાથેની બાબરની તુલના માટે અકરમે કહ્યું વિરાટ તો વિરાટ છે.

પાકિસ્તાની ટીમના માજી કેપ્ટન વસીમ અકરમે બાબર આઝમની (Babar Azam) ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથેની તુલના અંગે કહ્યું હતું કે વિરાટ તો વિરાટ છે. દુનિયાના મહાન ખેલાડીઓમાંથી તે એક છે. બાબરે તો હજુ કેપ્ટનશિપ શરૂ કરી છે. પણ તે સારો ખેલાડી છે. તે કેપ્ટનશીપના ગુણ શીખી રહ્યો છે. આ એવી યાત્રા છે જેમાં બાબર અંતે એવી ઉંચાઇને સ્પર્શશે કે જે કોહલી પહેલાથી મેળવી ચુક્યો છે.

ભારત માટે હાર્દિક પ્રભાવશાળી ખેલાડી : અજિંકેય રહાણે

ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણેએ શુક્રવારે કહ્યું હતું કે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલના ટી-20 વર્લ્ડકપમાં ભારત માટે એક પ્રભાવશાળી ખેલાડી બનશે. ફિટેનેસ બાબતે હાર્દિકની બોલિંગ કરવા બાબતે સર્જાયેલી અનિશ્ચિતતા બાબતે તેણે ટીમને હાર્દિકનું સમર્થન કરવાની વિનંતી કરી હતી. રહાણેએ એક ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે આપણે તેનું સમર્થન કરવાની જરૂર છે. જ્યારે કોઇ ખેલાડી ઇજામાંથી પાછો ફરે છે તો આપણાને એ ખબર નથી હોતી કે તે કેવી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે.

તેણે કેટલાક પ્રભાવક પ્રદર્શનથી આ ફોર્મેટમાં ટીમને ઘણી મેચ જીતાડી છે. તેની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેથી તેનું સમર્થન કરવાની જરૂર છે. રહાણેએ સાથે જ તેની આઇપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને ભારત માટે ગેમ ચેન્જર ગણાવ્યો હતો. રહાણેએ કહ્યું હતું કે તે એક એવો બેટ્સમેન છે જે તરત જ રમતનું પાસું પોતાની ટીમ તરફ ફેરવી નાખે છે.

Related Posts