Business

ક્રિપ્ટોકરન્સી ક્રેશ: બિટકોઈનનો ભાવ 65,000 ડોલરથી ઘટીને 8,200 ડોલર થઈ ગયો, રોકાણકારોના જીવ અદ્ધર થયા

આજે ન્યૂયોર્કમાં (New york) ઉઘડતા બજારે ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency crash) ક્રેશ થઈ ગઈ હતી. ન્યૂયોર્કના બાઈનાન્સ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ (Bainanc cryptocurrency exchange) ખૂલ્યું તે સાથે જ વિશ્વની સૌથી હાઈ પ્રાઈસ ક્રિપ્ટોકરન્સી બિટકોઈનના (Bitcoin) ભાવમાં 90 ટકાનું ગાબડું પડી ગયું હતું. બિટકોઈનનો ભાવ 65,000 ડોલરથી ઘટીને 8,200 ડોલર પર પહોંચી ગયો હતો, જેના પગલે વિશ્વભરના રોકાણકારોમાં દોડધામ મચી ગઈ હતી.

બિટકોઈનના ભાવમાં 90 ટકાનું ગાબડાથી એક્સચેન્જમાં પણ દોડધામ મચી ગઈ હતી. એકાએક આ શું થઈ ગયું તે કોઈને સમજાતું નહોતું. થોડી મિનિટો સુધી એક્સચેન્જમાં અફડાતફડી મચી ગઈ હતી. કોઈને સૂઝ પડતી નહોતી કે બિટકોઈનના ભાવમાં આટલો જંગી ઘટાડો કેવી રીતે થઈ ગયો?

કોઈ તકનીકી ખામીના લીધે બિટકોઈનના ભાવ તૂટ્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું. દરમિયાન ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ દ્વારા બિટકોઈનના ભાવમાં કડાકા માટે એક બગને જવાબદાર ગણાવ્યો છે. આ બગ એક ઈન્સ્ટીટ્યૂશનલ કસ્ટમરના ટ્રેડિંગ અલ્ગોરિધમમાં મળી આવ્યો હતો.

આ ઘટના બાદ બાઈનાન્સના પ્રવક્તાએ પોતાનું અધિકૃત નિવેદન જાહેર કરવું પડ્યું હતું. તેણે કહ્યું કે, કંપની હજુ પણ આ સમગ્ર મામલાને સમજી શકી નથી. અધિકારીઓ ક્યાં ખામી થઈ તે શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ ટ્રેડરે હવે બગની સમસ્યાને દૂર કરી છે. એવું લાગે છે કે સમસ્યાનું નિવારણ થઈ ગયું છે.

નોંધનીય છે કે, આ અગાઉ ગુરૂવારે બિટકોઈનની કિંમત 67,000 ડોલરના નવા રેકોર્ડ સ્તર પર પહોંચી હતી. તેણે એપ્રિલનો રેકોર્ડ તોડ્યો હતો. એપ્રિલમાં તે 65,000 ડોલર સુધી પહોંચી હતી. અમેરિકામાં સૌથી પહેલાં બિટકોઈન ETFA ટ્રેડિંગ કર્યા બાદ તેની કિંમતમાં ઉછાળો આવ્યો હતો.

વિશ્વભરમાં બિટકોઈનમાં રોકાણકારોની સંખ્યા કરોડોમાં છે. બિટકોઈનની કિંમતમાં 90 ટકા ઘટાડાના પગલે રોકાણકારોમાં ભય વ્યાપી ગયો હતો. રાતોરાત પાયમાલ થવાની નોબત આવી હતી. જોકે, આ તકનીકી ખામી હોવાનું બહાર આવતા રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top