સુરત: સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં જમીનની અંદર કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં મેટ્રો રેલ લાઇનની ટનલ બનાવવામાં આવી રહી છે. જેમાં કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશનની અંડરગ્રાઉન્ડ ટનલની અપ અને ડાઉન સ્ટ્રીમની બંને ટનલો બ્રેક થ્રુ થઈ ચુકી છે.
તેમજ સુરત રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધીની ટનલનું કામ હાલ ચાલી રહ્યું છે. જેમાં એક લાઈનનું કામ જુલાઈ અંત સુધીમાં થઈ જશે, જ્યારે બીજી લાઈનની ટનલનું કામ આ વર્ષના અંત સુધીમાં એટલે કે, ડિસેમ્બર 2025 સુધીમાં થઈ જશે તેમ જાણવામાં આવ્યું છે.
મેટ્રોના અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં જે રૂટ પર એલીવેટેડ કામ ચાલી રહ્યું છે ત્યાં ધીરે ધીરે હવે ટ્રેક નાંખવાના કામો પણ શરૂ કરી દેવાયા છે. જેમાં હાલ અલથાણ ગામ અને અલથાણ ટેનામેન્ટના રૂટ પર 750 મીટરમાં ટ્રેક નાંખી દેવામાં આવ્યા છે. તેમજ સરથાણા વાયડક્ટ પાસે ટ્રેક નાંખવા માટેની પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે, જેથી ટૂંક સમયમાં અહી પણ ટ્રેક નાંખવામાં આવશે.
મેટ્રોના એક્વેરીયમ અને મોડલ સ્ટેશનો પર ઈડબલ્યુએસ આવાસો માટે ટેન્ડર બહાર પાડી દેવાયા
સુરત શહેરમાં સાકાર થઈ રહેલા મેટ્રો પ્રોજેક્ટના સ્ટેશન પર એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે વિચારણા થઈ રહી છે. ગત ડિસેમ્બર માસમાં સંકલન બેઠક થઈ હતી, તેમાં આ માટેની ચર્ચા કરવામાં આવી હતી. જે તે સમયે થયેલી મીટિંગમાં સુરતના બે મેટ્રો સ્ટેશન પર આવાસ બનાવવા તથા પાલિકા પાસે પાર્કિંગ તથા અન્ય જગ્યાની માંગણી કરવા માટે સૂચવવામાં આવ્યું હતું.
જે અંતર્ગત હવે મેટ્રોના એક્વેરીયમ સ્ટેશન તેમજ મોડલ ટાઉન સ્ટેશન પર ઈડબલ્યુએસ આવાસ બનાવવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોવાનું જાણવામાં આવ્યું છે. આ આવાસ 7-7 માળના હશે અને એક સ્ટેશન પર 168 આવાસ સાકાર કરવાની વિચારણા છે તેમ જાણવામાં આવ્યું છે.
