Charchapatra

હોળી ચકલા પાસે નગારા વગાડવાની પરંપરા

પહેલાનાં સમયમાં સુરતમાં હોળીના તહેવારની ઉજવણી રંગપાંચમ સુધી ચાલતી હતી. શેરીના ચાર રસ્તાને ચકલો કહેવાતો. એ ચકલા પર હોળી પ્રગટાવવામાં આવે. જે હોળી ચકલા તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળી પ્રગટાવામાં આવે છે તે ચકલા પાસે નાના બાળકો નગારા વગાડતા હતા. બાળકોનું ટોળું ચામડાના નગારા વગાડે ત્યાંરે આખું વાતાવરણ ગુંજી ઉઠતું. હોળી પહેલા ફાટેલા નગારા મઢાવવા અને નવા નગારા ખરીદવા ડબગરવાડમાં ભારે ભીડ જોવા મળતી. બાળકો હોળીમાં નગારા વગાડવા ઉત્સુક રહેતા.

હોળીના અઠવાડિયા પહેલા બાળકો શેરીમાં નગારા વગાડવાની પ્રેક્ટિસ કરતા. આજે પણ મહિધરપુરામાં ઘીસની પરંપરા જીવંત છે. જે અલગ પરંપરા છે. જ્યારે હોળી ચકલા પાસે નગારા વગાડવાની પરંપરા વિસરાઈ ગઈ છે. ખત્રી જ્ઞાતિમાં હોળી પછી નાના બાળકોનું ‘ઘીમ’ કરવાની ધાર્મિક પરંપરા હજુ પણ ચાલુ છે, જેમાં બાળકના મોસાળ પક્ષમાંથી ભાણેજને એક નાનું નગારુ આપવાની પ્રથા આજે પણ યથાવત છે. પણ આજના મોબાઈલ યુગમાં બાળકોમાં નગારા વગાડવાનો ક્રેઝ રહ્યો નથી.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સ્ત્રી- પુરુષ એકબીજાના પૂરક છે
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શનિવારની લોકપ્રિય પૂર્તિ સન્નારી માં ડો.ધર્મેશ કાપડિયા દ્વારા “સ્ત્રી, સશક્તિકરણ અને પુરુષ સમોવડી”અંગે ખૂબ જ વિચાર પ્રેરક લેખ લખ્યો છે. સાચે જ સ્ત્રી સશક્તિકરણ એ પુરુષ સાથેની લડાઈ નથી. નારીવાદી વિચારસરણીના લોકો સ્ત્રી સશક્તિકરણ અંગે એવું વિચારે છે કે પુરુષ આત્માને જેમ જીવવું હોય તેમ જીવવાની સ્વતંત્રતા છે, સ્ત્રી આત્મા પણ એ ઝંખે છે. પરંતુ આ વાત બિલકુલ આભાસી છે. પૃથ્વી પર સંપૂર્ણ સ્વતંત્રતાથી કોઈ જીવી ન શકે તે પછી પુરુષ આત્મા હોય કે સ્ત્રી આત્મા, આપણે સૌ સંબંધોથી, ફરજોથી, નિયમોથી ,કાયદાઓથી બંધાયેલા છે. 

સ્ત્રી સશક્તિકરણ અને પુરુષ સમોવડી આ બંને વિભાવના પુરુષો સાથે સરખામણી કે પુરુષો સાથે હરીફાઈ ના અર્થમાં આજે લેવાય જે યોગ્ય નથી પરંતુ સ્ત્રી અને પુરુષ બંનેમાં લાક્ષણિકતા ફેર છે, સ્વભાવ ફેર, શારીરિક ફેર છે, તે સમજીને બંને એકમેકની અધૂરપને પૂર્ણ કરી સમાજ વ્યવસ્થાને ભારતીય કુટુંબ પરંપરાને મજબૂત બનાવવા તટસ્થ રહી પ્રયત્ન કરવા જોઈએ. સન્નારી પૂર્તિના સંપાદક અને ધર્મેશ કાપડિયા બંનેને અભિનંદન સ્ત્રી સશક્તિકરણનાં મુદ્દાને ખૂબ જ યોગ્ય દિશામાં વિચારણામાં લઈ જવા બદલ.
વાલોડ   – સંધ્યા ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top