જીભના કર્યા જઠર ભોગવે

જઠર અને જીભ બંને અવયવો પાચનતંત્રના છે છતાં કેટલીક વાર જેમ એક જ પક્ષના કોઇ બે પ્રધાનોને ખાસ જામતું નથી એમ આ બંને અવયવોને પણ ખાસ જામતું નથી. ખોરાકની મુખ્ય યાત્રા જીભથી માંડીને જઠર સુધીની હોય છે એટલે જ કહ્યું છે કે… બસ આપણે તો જવું હતું, જીભથી જઠર સુધી…. આમ છતાં આ બંનેમાં અમુક ગુણ સરખા છે. જેમ કે જઠરમાં જઠરાગ્નિ ઉત્પન્ન થાય છે એવી રીતે અમુકની જીભ પર પણ અગ્નિ ઉત્પન્ન થાય છે જે  સળગાવવાનું કામ કરે છે. જઠરમાં ખોરાક વલોવાય છે. એ જ રીતે જીભ પર શબ્દો વલોવાય છે. જઠરમાં જેટલો ખોરાક પચે છે તેમાંથી શરીરને પોષક તત્ત્વો મળે છે એ જ રીતે જીભ જેટલા શબ્દોને પચાવી શકે છે તેમાંથી મનને પોષક તત્ત્વો મળે છે. જઠરમાં નહીં પચેલો ખોરાક બહાર નીકળી જાય છે એ જ રીતે માણસને નહીં પચેલા શબ્દો જીભ વાટે બહાર નીકળી જાય છે. જીભમાં હાડકાં હોતાં નથી અને જઠરમાં પણ હાડકાં હોતાં નથી છતાં જઠરનું ભવિષ્ય જીભના હાથમાં છે.

 જો કે જઠરનું જ નહીં આખા શરીરનું ભવિષ્ય જીભના હાથમાં છે. જીભ વિશે એક જાણીતી વાત છે કે એક વાર દાંત અને જીભ વચ્ચે ઝઘડો થઈ ગયો ત્યારે દાંતે કહ્યું, ‘અલી જીભડી, છાનીમાની રહેજે હોં. અમે બત્રીસ ભાઈઓ છીએ. જરાય આડીઅવળી થઈ તો કચડી નાંખીશું.’ ત્યારે જીભે કહ્યું,  ‘તમે ભલે બત્રીસ રહ્યા પણ હું એકલી બધાને ભારે પડીશ. જો હું જરાક આડાઅવળું બોલીશ તો તમે બત્રીસે બત્રીસ એક સાથે બહાર નીકળી જશો માટે છાનામાના રહો.’ આમ જઠરમાં ખોટો ખોરાક જાય તો હાડકાં નબળાં પડે અને જીભમાંથી ખોટા શબ્દો બહાર નીકળે તો હાડકાં ભંગાવી નાખે. આ રીતે પાચનતંત્રના ડખામાં કંકાલતંત્રનો કડૂસલો બોલી જાય.

જેમ એક જ પાર્ટીના બે મિનિસ્ટરો  બાખડે ત્યારે સહન પાર્ટીએ જ કરવું પડે. સરવાળે નુકસાન તો પાર્ટીને જ થાય. એ જ રીતે જીવ અને જઠર બંને એક જ પાર્ટીનાં (પાચનતંત્રનાં) અવયવો હોવા છતાં તે બંને બાખડે છે ત્યારે નુકસાન પાર્ટીને (શરીરને) થાય છે. જીભ બે કામ કરે છે એક તો બોલવાનું અને બીજું સ્વાદ પારખવાનું. જીભ જેમ વિવિધ સ્વાદ પારખી શકે છે તેમ વિવિધ સ્વાદવાળું બોલી પણ શકે છે. જેનો સ્વાદ સામેવાળો ચાખી શકે છે. જીભને સ્વાદિષ્ટ ચીજો ખૂબ પસંદ પડે છે જ્યારે જઠરને સુપાચ્ય ચીજો વધુ પસંદ પડે છે. સ્વાદિષ્ટ ચીજો મોટાભાગે સુપાચ્ય હોતી નથી. તેથી જીભ સ્વાદના ધોરણે શ્રેષ્ઠ માનીને જે પદાર્થોને જઠરમાં મોકલે છે તે ત્યાં અરાજકતા ફેલાવે છે. આમ સ્વાદ જીભ માણે  છે અને સજા જઠર પામે છે. પેલી કહેવત છે ને ‘માલ ખાય મદારી અને વળ ખાય વાંદરો’ એવો ખેલ રચાય છે.

જઠર વિશે વિજ્ઞાન કહે છે કે જઠર ફુગ્ગાની જેમ ફૂલી શકે છે જ્યારે જીભ આખેઆખા માણસને ફુલાવી શકે છે. જઠર ખાલી હોય ત્યારે તેમાં માંડ પચાસ મિલિ પાણી હોય છે તો વળી અમુક સ્વાદિષ્ટ પદાર્થો જોઈને જીભ પર પાણી આવી જાય છે. ઘરમાં વધુ પડતો ખોરાક આપવામાં આવે તો તેનું ભારણ આખા શરીર પર અસર કરે છે અને જીભ વધુ પડતું બોલે તો તેની અસર પણ આખા શરીર પર પડે છે. જો એમ પૂછવામાં આવે કે સૌથી લાંબી જીભ કયા પ્રાણીની હોય છે તો જવાબ મળે ‘માણસની’ કારણ કે માણસ બોલી શકે છે એટલે તો અમુક લોકો વિશે કહેવાય છે કે તેની જીભ આખા ગામને આંટો ફરે એવડી છે.

ઘણી વાર હરેશ અને હર્ષા, બાબુ અને બબીતા, રમેશ અને રમીલા એમ પતિ-પત્ની બંનેની રાશિ એક હોવા છતાં બંને એકબીજાથી ત્રાસી ગયાં હોય છે. બંનેના સ્વભાવ અલગ-અલગ હોય છે તેથી કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી જેવો માહોલ હોય છે. આવી જ પરિસ્થિતિ જીવનને જઠર વચ્ચે હોય છે. બંનેની રાશિ એક છે પણ મેચિંગ થતું નથી, સીધું નહીં તો કોન્ટ્રાસ્ટ મેચિંગ પણ થતું નથી. જીભને સ્વાદ સાથે સંબંધ છે જ્યારે જઠરને પાચન સાથે સંબંધ છે. જીભ વિવિધ પ્રકારના સ્વાદ માણીને જે કોઈ ચીજોને જઠરમાં મોકલે છે તે ચીજો જઠરમાં ઉપદ્રવ મચાવે છે. જઠર બિચારું તેને થાળે પાડવામાં જ થાકી જાય છે.

જઠર જ્યારે કસોટીમાંથી પસાર થઈ રહ્યું હોય છે ત્યારે જીભ આનંદ કરતી હોય છે, વાતો કરતી હોય છે અને નવો સ્વાદ શોધતી હોય છે. જેમ પતિએ ઓવરટાઈમ કરી કરીને ભેગી કરેલી કમાણીને ઉડાઉ પત્ની ઉડાવી દે છે અને છેવટે પતિને બરબાદ કરી દે છે એ જ રીતે સ્વાદસ્નેહી જીભે મોકલાવેલી વિવિધ ચીજો જઠરને બરબાદ કરી દે છે. જઠર બિચારું ઘણી વાર પોકારી પોકારીને કહે છે કે જીભ મેડમ હું જઠર છું, ગટર નથી માટે જોઈવિચારીને જમો પણ જીભ જઠરની વાતને એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખે છે. આમ જીભના કર્યા જઠર ભોગવે છે.

વિવિધ પ્રાણીઓ વિશે કહેવાય છે કે મગર પોતાની જીભ બહાર કાઢી શકતો નથી જ્યારે કાચિંડાની જીભ તેના શરીરની લંબાઈ કરતાં પણ મોટી હોય છે તો સાપની જીભને બે ફાંટા હોય છે જ્યારે માણસની જીભને અનેક ફાંટા હોય છે પણ તે જોઈ શકાતા નથી. જિરાફની જીભ ઉપર કાંટા હોય છે  એ જ રીતે કેટલાક માણસોની જીભ પર પણ કાંટા હોય છે જે બીજાને વાગે છે. જઠરની ખૂબી એ છે કે તેમાં એસિડ ઉત્પન્ન થાય છે. એસિડ ચામડીને બાળી નાખે છે પણ તે જઠરની ચામડીને બાળી શકતો નથી. જઠરમાં ઉત્પન્ન થયેલો એસિડ ઉર્ધ્વગતિ કરીને આખા દેશને દઝાડે છે એ જ રીતે જીભ પર પણ એસિડ ઉત્પન્ન થાય છે પણ તેનું સ્વરૂપ જુદું છે. તે પોતાને અને બીજાને એમ બંનેને દઝાડે છે.

જીભ જેતે સ્વાદને અન્ય સામે વ્યક્ત કરી શકે છે. જઠર પાસે અભિવ્યક્તિનું માધ્યમ નથી એટલે તે જૂના જમાનાની વહુઓની જેમ દરેક તકલીફો મૂંગા મોઢે સહન કરતું રહે છે. આમ છતાં સહન ન થાય ત્યારે તે ભેદી અવાજ કરે છે પણ બળવો કરી શકતું નથી. આમ સદીઓથી જઠર પર જુલ્મ થતો આવ્યો છે. જઠરે કોઈ પણ ભોગે પોતાના ફાળે આવેલી પાચનક્રિયાની ફરજ પૂર્ણ કરવી પડે છે. પોતાને ન ફાવતી અને ભાવતી ચીજનો જીભ ઇનકાર કરી શકે છે, જઠર પાસે આવો વિકલ્પ નથી. જેમ આપણા ઘેર ગમતા- અણગમતા અતિથિ આવી ચડે તો એમને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી એ જ રીતે જઠરમાં પણ જીભ વાટે જે કંઈ આવે તે સ્વીકાર્યા વિના છૂટકો નથી.

Most Popular

To Top