Entertainment

શું જુબિન નૌટિયાલે ગુપચુપ કર્યા લગ્ન? બાળપણની પ્રેમિકા સાથે સિક્રેટ લગ્નના સમાચાર વાયરલ

ફિલ્મ કબીર સિંગના પ્રખ્યાત સોંગ તુજે કિતના ચાહે ઔર હમથી દિલના તાર ઝણઝણાવનારા બોલિવુડના લોકપ્રિય ગાયક જુબિન નૌટિયાલને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે, જેને કારણે તેમના ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જુબિને તાજેતરમાં જ પોતાના હોમટાઉન ઉત્તરાખંડમાં ખૂબ જ ખાનગી અને સાદગીભર્યા સમારોહમાં લગ્ન કરી લીધા છે. ખાસ વાત એ છે કે તેમની જીવનસાથી કોઈ સેલિબ્રિટી નહીં પરંતુ તેમની બાળપણની મિત્ર હોવાનું જણાવાઈ રહ્યું છે. મળતા અહેવાલ મુજબ, આ લગ્ન સમારોહ ઉત્તરાખંડની મનોહર પહાડીઓ વચ્ચે યોજાયો હતો, જ્યાં કુદરતી સુંદરતા વચ્ચે પરંપરાગત રીત-રિવાજો સાથે લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી. આ પ્રસંગને સંપૂર્ણપણે પ્રાઇવેટ રાખવામાં આવ્યો હતો, જેમાં માત્ર પરિવારના સભ્યો અને ખૂબ નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. કોઈ મોટી પાર્ટી, સેલિબ્રિટી ગેસ્ટ અથવા મીડિયાની હાજરી વગર જુબિને શાંતિપૂર્ણ અને સરળ રીતે સાત ફેરા લીધા હતા.

જુબિન નૌટિયાલ હંમેશા પોતાની પર્સનલ લાઇફને લાઇમલાઈટથી દૂર રાખતા આવ્યા છે. તેમના લગ્નમાં પણ આ જ સ્વભાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે. અત્યાર સુધી તેમણે પોતાના લગ્ન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી અને તેમની પત્નીનું નામ પણ જાહેર કરવામાં આવ્યું નથી. જેના કારણે સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ચર્ચાઓ વધી રહી છે. ઘણા ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે જુબિન ક્યારે પોતાની લાઇફ પાર્ટનરનો પરિચય કરાવશે અને લગ્નની તસવીરો શેર કરશે. જુબિન નૌટિયાલની સંગીતની સફર પણ એટલી જ પ્રેરણાદાયક રહી છે. ઉત્તરાખંડના દેહરાદૂન શહેરમાં જન્મેલા જુબિને પોતાના મધુર અવાજથી ખૂબ ઓછા સમયમાં બોલિવુડમાં ખાસ સ્થાન બનાવી લીધું છે. તેઓ અત્યાર સુધીમાં 200થી વધુ ગીતો ગાઈ ચૂક્યા છે અને તેમના ગીતો કરોડો લોકોના દિલમાં વસેલા છે. તેમની કારકિર્દીનો મોટો ટર્નિંગ પોઇન્ટ વર્ષ 2011માં આવ્યો હતો, જ્યારે તેમણે લોકપ્રિય રિયાલિટી શો ‘એક્સ ફેક્ટર ઇન્ડિયા’માં ભાગ લીધો હતો. આ શોથી તેમને ઓળખ મળી અને સંગીત જગતમાં પ્રવેશ માટે રસ્તો ખુલ્યો. વર્ષ 2014માં તેમણે ફિલ્મ ‘સોનાલી કેબલ’ના ગીત ‘એક મુલાકાત’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ ‘મેહરબાની’, ‘ઝિંદગી કુછ તો બતા’, કાબિલ હૂં જેવા ગીતો દ્વારા તેમણે પોતાની અલગ ઓળખ ઉભી કરી.

જુબિનના અવાજમાં એક ખાસ જાદુ છે, એક અહેસાસ છે, જે શ્રોતાઓને સીધા દિલ પર સ્પર્શે છે. તેમની ગાયકીમાં રોમાન્સ, દુ:ખ અને લાગણીનું અનોખું સંયોજન જોવા મળે છે, જેના કારણે તેઓ યુવા પેઢીમાં ખાસ લોકપ્રિય છે. હાલમાં તેમના લગ્ન અંગે સત્તાવાર પુષ્ટિ ન હોવા છતાં, આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જો આ વાત સાચી સાબિત થાય છે, તો તે તેમના જીવનનો એક મહત્વપૂર્ણ નવો અધ્યાય બની શકે છે. હવે દરેકની નજર જુબિનના સત્તાવાર નિવેદન અને લગ્નની પ્રથમ ઝલક પર ટકેલી છે

Most Popular

To Top