ક્યારેક 5 હાર બાદ પણ બન્યું હતું ચેમ્પિયન ,શું હાર્દિક પંડ્યા બની શકશે રોહિત શર્મા જેવા સફળ કેપ્ટન?
IPL 2026માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI) હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. સિઝનની શરૂઆત જીત સાથે કર્યા પછી ટીમે સતત ચાર મેચમાં હારનો સામનો કર્યો છે, જેના કારણે ટીમ પોઈન્ટ્સ ટેબલમાં નીચે સરકી ગઈ છે અને ચાહકોમાં ચિંતા વધી છે.
તાજેતરમાં પંજાબ કિંગ્સ સામેની હાર બાદ ટીમનો માહોલ પણ દબાણભર્યો દેખાયો હતો. ડગઆઉટમાં રોહિત શર્માનો નિરાશ ચહેરો, મેદાનમાં કેપ્ટન હાર્દિક પંડ્યાની હતાશા અને બોલિંગમાં જસપ્રીત બુમરાહની અસરકારક કામગીરીનો અભાવ સ્પષ્ટ દેખાયો હતો. ટીમની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગમાં કમજોરી દેખાઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સે ડિસેમ્બર 2023માં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા ત્યારે મોટી અપેક્ષાઓ હતી. કારણ કે હાર્દિકે ગુજરાત ટાઇટન્સને પોતાની કેપ્ટનશીપ હેઠળ એક વખત ચેમ્પિયન અને બીજી વખત ફાઈનલ સુધી પહોંચાડ્યું હતું. પરંતુ હાલની પરિસ્થિતિમાં ટીમ અપેક્ષાઓ પર ખરી ઊતરી શકી નથી.
મુંબઈ ઇન્ડિયન્સનો ઈતિહાસ જોઈએ તો ટીમ પહેલા પણ ખરાબ શરૂઆત પછી કમબેક કરી ચૂકી છે. એક વખત ટીમે શરૂઆતની પાંચ મેચ હાર્યા પછી પણ સિઝન જીતી હતી, જેના કારણે હજુ પણ ચાહકોને આશા છે કે ટીમ ફરી મજબૂત વાપસી કરી શકે છે. હાલના સિઝનમાં સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા જેવા મુખ્ય બેટ્સમેન સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે બોલિંગમાં બુમરાહને પણ પૂરતો સાથ મળતો નથી. અન્ય બોલરો પણ અસરકારક દેખાઈ રહ્યા નથી, જેના કારણે વિરોધી ટીમો સરળતાથી મોટા સ્કોર બનાવી રહી છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ સ્વીકાર્યું છે કે ટીમને હવે કઠોર નિર્ણયો લેવા પડશે અને દરેક ખેલાડીએ પોતાની જવાબદારી સમજવી પડશે. સતત હાર બાદ ટીમ મેનેજમેન્ટ પર પણ દબાણ વધ્યું છે.
બીજી તરફ, રોહિત શર્માની ગેરહાજરી પણ ટીમ માટે મોટો ફેક્ટર બની રહી છે. હેમસ્ટ્રિંગ ઈજાના કારણે તેઓ કેટલાક મહત્વપૂર્ણ મેચમાંથી બહાર રહ્યા હતા, જેના કારણે ટીમની બેટિંગ લાઇન-અપ અને નેતૃત્વ બંને અસરગ્રસ્ત બન્યા હતા.
હવે મોટો સવાલ એ ઉભો થયો છે કે શું હાર્દિક પંડ્યા રોહિત શર્મા જેવી સફળતા મુંબઈ ઇન્ડિયન્સને અપાવી શકશે? કે પછી ટીમ ફરી એકવાર નેતૃત્વમાં ફેરફાર અંગે વિચારશે? હાલની પરિસ્થિતિમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે આવનારી મેચો “કરો કે મરો” જેવી બની ગઈ છે.