લગ્ન અને એ પછી…

તમે જો‘F-1’ એટલે કે સ્ટુડન્ટ,‘H-1B’ એટલે કે સ્પેશ્યાલિટી ઓક્યુપેશન વર્કર,‘L-1’ એટલે કે આંતર કંપની ટ્રાન્સફરી મેનેજર, એક્ઝિક્યુટીવ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ આવી નોન-ઈમિગ્રન્ટ વિઝા ધરાવતી અને અમેરિકામાં અભ્યાસ યા નોકરી યા બિઝનેસ કરતી વ્યક્તિ જોડે લગ્ન કરો તો તમારા એ અમેરિકામાં રહેતાં પતિ યા પત્ની સાથે તેઓ જેટલો સમય અમેરિકામાં રહેવાના હોય એટલો સમય, એમની સાથે રહેવા માટે ડિપેન્ડન્ટ નોન-ઈમિગ્રન્ટ F-2, H-4 યા L-2 વિઝા મેળવી શકો છો. આ વિઝા મેળવવા માટે  તમારે લાંબો સમય વાટ જોવાની નથી રહેતી. અરજીપત્રક ભરી, ઈન્ટરવ્યૂનો સમય મેળવી, તમારી લાયકાત દેખાડીને તમે ડિપેન્ડન્ટ નોન-ઈમિગ્રન્ટ વિઝા તુરંત જ મેળવી શકો છો.

જો કોઈ અમેરિકન સિટિઝનને તમે છેલ્લાં બે વર્ષની અંદર એક વાર પણ રૂબરૂ મળ્યા હો અને તમે બન્ને અમેરિકામાં લગ્ન કરવા ઈચ્છતા હો તો એ અમેરિકન સિટિઝન તમારા લાભ માટે ‘K-1’ સંજ્ઞા ધરાવતા ફિયાન્સે વિઝા માટે પિટિશન દાખલ કરી શકે છે. છ-બાર મહિનામાં એ પિટિશન અપ્રુવ થાય કે પછી તમે  તમારા દેશમાં આવેલ કોન્સ્યુલેટમાં અરજી કરીને તમે અમેરિકન સિટિઝનને રૂબરૂ મળ્યા હતા અને હવે ચોક્કસ કારણોસર એની જોડે અમેરિકામાં જ લગ્ન કરવા ઈચ્છો છો, તમે બેઉ લગ્ન કરવાને કાયદેસર લાયક છો આવું દેખાડીને તમે નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના K-1 સંજ્ઞા ધરાવતા ફિયાન્સે વિઝા મેળવી શકો છો. એ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા બાદ 90 દિવસની અંદર એ અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરો ત્યાર બાદ અમેરિકન સિટિઝન તમારા લાભ માટે ‘ઈમિજિયેટ રીલેટીવ કેટેગરી’ હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે.  એ મંજૂર થાય ત્યાં સુધી તમે અમેરિકામાં રહી શકો છો. મંજૂર થતા ‘સ્ટેટસ એડજસ્ટ’કરીને નોન-ઈમિગ્રન્ટમાંથી ઈમિજિયેટ સ્ટેટસ મેળવી શકો છો. પછી ગ્રીનકાર્ડ મેળવીને અમેરિકામાં કાયમ રહી શકો છો.

અમેરિકન સિટિઝન જોડે જો તમે લગ્ન કરો તો તેઓ તમારા લાભ માટે ‘ઈમિજેટ રીલેટીવ કેટેગરી’ હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. એને પ્રોસેસ થઈને અપ્રુવ થતાં છ-બાર મહિના લાગે છે. પછી તમે તમારા દેશમાં આવેલ કોન્સ્યુલેટમાં અરજી કરીને ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશી શકો છો. ત્યાં પ્રવેશ્યા બાદ ગ્રીનકાર્ડ મેળવી શકો છો. જો તમે ગ્રીનકાર્ડધારક જોડે લગ્ન કરો તો તેઓ તમારા લાભ માટે‘ફેમિલી સેકન્ડ (A) પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. ભારતીયો માટે દાખલ કરાતા આવા પિટિશનો હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મેળવતા બે થી ત્રણ વર્ષ કે એથી થોડો વધુ સમય લાગે છે કારણ કે આ પિટિશનો હેઠળ અપાતા વિઝા વાર્ષિક કોટાના બંધનોથી સીમિત હોય છે. પિટિશન અપ્રુવ થાય અને તમારા વિઝા કરન્ટ થાય એટલે તમારે તમારા દેશમાં આવેલ કોન્સ્યુલેટમાંથી ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના રહે છે. એ મળ્યા પછી અમેરિકામાં પ્રવેશો એટલે તમને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે.

જો અમેરિકન સિટિઝન જોડે કે ગ્રીનકાર્ડધારક જોડે તમારા લગ્નને બે વર્ષથી ઓછો સમય થયો હોય તો તમને જે ગ્રીનકાર્ડ આપવામાં આવે છે એ બે વર્ષનું  કંડિશનલ હોય છે. 21 મહિના પછી તમારે તમારા અમેરિકન સિટિઝન યા ગ્રીનકાર્ડધારક પતિ કે પત્ની સાથે સંયુક્ત અરજી કરીને એ ગ્રીનકાર્ડ કાયમનું કરાવવાનું રહે છે. એ વખતે તમારે દેખાડી આપવાનું રહે છે કે, તમે ગ્રીનકાર્ડ મળ્યા બાદ પતિપત્ની તરીકે સાથે રહ્યાં છો અને તમારા લગ્ન છૂટાછેડામાં નથી પરિણમ્યા. અમુક સંજોગોમાં જો તમારા અમેરિકન પતિ યા પત્ની એ સંયુક્ત અરજીમાં જોડાવાની ના પાડે તો તમે એકલા પણ એ અરજી કરી શકો છો. અમુક સંજોગોમાં તમે અમેરિકન સિટિઝનને  રૂબરૂ ન મળ્યા હો તો પણ ફિયાન્સે વિઝા મેળવી શકો છો. તમારા લાભ માટે અમેરિકન સિટિઝન યા ગ્રીનકાર્ડધારકે પિટિશન દાખલ કર્યું હોય અને એ મંજૂર થયું હોય પણ તમને વિઝા મળે એ પહેલાં એનું મૃત્યુ થાય તો તમે અરજી કરીને ગ્રીનકાર્ડ મેળવી શકો છો.

જો લગ્ન કરીને અમેરિકા જાવ અને તમારા પતિ યા પત્ની કે સાસુ-સસરા તમારો પાસપોર્ટ અને ગ્રીનકાર્ડ લઈ લે, તમારું ગ્રીનકાર્ડ કાયમનું કરવા જે સંયુક્ત અરજી કરવાની હોય એમાં જોડાવાની ના પાડે, તમને મારઝૂડ કરે, નોકરી કરાવે અને બધો પગાર પોતે લઈ લે, ત્રાસ આપે, ભારતમાં રહેતા તમારા પિયરિયાઓ જોડે સંપર્ક રાખવા ન દે તો તમારે મુંઝાવવાની જરૂર નથી. પાસપોર્ટ કે ગ્રીનકાર્ડ અરજી કરતાં ડુપ્લિકેટ મળી શકે છે. ગ્રીનકાર્ડ કાયમનું કરવાની અરજી એકલા પણ કરી શકાય છે. તમારી મારઝૂડ થતી હોય, અત્યાચાર ગુજારવામાં આવતો હોય તો  જો તમે અમેરિકાની પોલીસને એની જાણ કરશો, ફકત એક જ ફોન કરશો, તો તેઓ આવીને તમારા ઉપર જે વ્યક્તિ અત્યાચાર કરતી હોય એની ધરપકડ કરશે. તમારા પતિ જો તમારી સામે છૂટાછેડાનું પિટિશન દાખલ કરે તો તમે તમારા વતીથી લડવા માટે કોર્ટ તમને એટર્ની આપે એવી માંગણી કરી શકો છો. તમારી સામે જો છૂટાછેડાનો કેસ કરવામાં આવ્યો હોય તો તમે ભરણપોષણ અને અલાયદા ઘરની માગણી કરી શકો છો. અમેરિકામાં રહેતી વ્યક્તિ જોડે લગ્ન કરવા એ સારી વાત છે પણ જો તમને તમારા અમેરિકન પતિ યા પત્ની કોઈ પણ બાબતમાં હેરાન કરતા હોય તો અમેરિકાના કાયદાઓ તમારું રક્ષણ કરશે.

Most Popular

To Top