સુપરમુન કયારે ઉદ્‌ભવે છે?

આપણી સૂર્યમાળાના મોટા કદના ઉપગ્રહોમાં પૃથ્વીના ઉપગ્રહો ચંદ્રનો, ગુરુ ગ્રહના ચાર ઉપગ્રહો ગેનીમેડે, કેલીસ્ટો, IO અને યુરોપાનો, શનિના ઉપગ્રહો ટાઇટન, રહીઆ, લેપેટસ, ડાયોન અને ટેધીસનો તથા યુરેનસના ઉપગ્રહો ટીટેનીઆ, અમ્બ્રીઅલ અને એરીઅલનો તથા પ્લુટોના ઉપગ્રહ શેરોનનો સમાવેશ થાય છે.

ગુરુ ગ્રહના મોટા કદના ચાર ઉપગ્રહો ગેનીમેડે, કેલીસ્ટો, IO અને યુરોપા છે
આપણી સૂર્યમાળામાં ગુરુ ગ્રહનો ઉપગ્રહ ગેનીમેડે ૫૨૬૨ કિ.મી. વ્યાસ ધરાવે છે. તે ગુરુ ગ્રહનો સૌથી મોટા કદનો ઉપગ્રહ છે. આ ઉપગ્રહની શોધ વિજ્ઞાની ગેલેલીઓએ ઇ.સ. ૧૬૧૦ માં કરી હતી. ગુરૂ ગ્રહનો બીજો મોટા કદનો ઉપગ્રહ કેલીસ્ટો છે. તેનો વ્યાસ ૪૮૨૧ કિ.મી. છે. આ કેલીસ્ટોને જુપીટર IV પણ કહેવામાં આવે છે. તે ગુરૂ ગ્રહનો ગેનીમેડે પછી કદમાં બીજા નંબરનો ઉપગ્રહ છે. સામૂહિક રીતે તે ગુરૂ ગ્રહના મોટા કદના ઉપગ્રહો ગેનીમેડે અને ટાઇટન પછી ગુરૂ ગ્રહનો ત્રીજા નંબરનો ઉપગ્રહ છે. તેને ૭મી જાન્યુઆરી વર્ષ ૧૬૧૦ ના રોજ વિજ્ઞાની ગેલેલીઓએ તેને શોધ્યો હતો. ગુરુ ગ્રહનો મોટા કદનો એક ઓર ઉપગ્રહ ‘IO’ છે. તેનો વ્યાસ ૩૬૪૩ કિ.મી. છે. આમ તેનું કદ આપણા ચંદ્ર કરતાં વધારે છે. યાદ કરીએ કે આપણા ચંદ્રનો વ્યાસ ૩૪૭૪ કિ.મી. છે. ગેલેલીઓએ આ ઉપગ્રહને બીજા ત્રણ ઉપગ્રહો ગેનીમેડે, કેલીસ્ટો અને યુરોપા સાથે શોધી કાઢયા હતા.

ગુરુ ગ્રહનો એક ઓર ઉપગ્રહ યુરોપા છે. તેનો વ્યાસ ૩૧૨૨ કિ.મી. છે. વિજ્ઞાનીઓ આ ઉપગ્રહ પર કોઇક પ્રકારની જીવસૃષ્ટિ હોવાની શકયતા જુએ છે. યુરોપાની સપાટી બરફના પડ નીચે ઢંકાયેલી છે. વિજ્ઞાનીઓ માને છે કે બરફના આ પડની નીચે પાણીથી ભરપૂર સમુદ્ર છે. મે,૨૦૧૮ માં વિજ્ઞાનીઓએ આ ઉપગ્રહમાંથી પાણીની વરાળ નીકળતી જોઇ હતી, જે આ ઉપગ્રહ પર કોઇક પ્રકારની જીવસૃષ્ટિ હોવાના આસાર આપે છે.

પૃથ્વી ઉપગ્રહ ચંદ્ર પર મોન્સ હયુજીન્સ પર્વત છે, જે માઉન્ટ એવરેસ્ટ કરતાં અડધી ઊંચાઇ ધરાવે છે
આપણી પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. તેનો વ્યાસ ૩૪૭૪ કિ.મી. છે. ચંદ્ર પર ‘મોન્સ હયુજીન્સ’ પર્વત રહેલો છે. તે ૪૭૦૦ મીટર ઊંચાઇ ધરાવે છે. માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઇ ૮૮૪૮ મીટર છે. ચંદ્ર પૃથ્વીથી સરેરાશ ૩,૮૫,૦૦૦ કિ.મી.નું અંતર નિભાવીને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. ચંદ્રની ખડક સ્વરૂપ સપાટી પર અસંખ્ય ગર્ત રચાયેલા છે. ચંદ્ર તેની પૃથ્વીની આસપાસની એક પ્રદક્ષિણા ૨૭ દિવસ ૭ કલાક ૧૨ મિનિટમાં પૂરી કરે છે. આટલો જ સમય ચંદ્રને પોતાની કાલ્પનિક ધરીની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી કરવામાં લાગે છે. આ કારણે ચંદ્રની એક જ સપાટી આપણી પૃથ્વીની સામે રહે છે. ચંદ્રની બાકીની અડધી સપાટી જેને ખોટી રીતે ‘ડાર્ક સાઇડ’ કહેવામાં આવે છે, તે સપાટી પણ હકીકતમાં તો ચંદ્રની આપણને દ્રશ્યમાન બાજુ જેટલો સૂર્યપ્રકાશ મેળવે છે તેટલો જ પ્રકાશ મેળવે છે પણ તે બાજુ આપણી પૃથ્વી સામે આવતી નથી.

 ૧૯૫૯માં રશિયાએ ચંદ્ર તરફ ‘લ્યુના ૩’ અવકાશયાન મોકલ્યું હતું તે અવકાશયાન દ્વારા જયારે ચંદ્રની તે બીજી બાજુના પણ ફોટાઓ પૃથ્વી પર મોકલ્યા હતા ત્યારે આપણને જાણવા મળ્યું હતું કે ચંદ્રની  તે અદ્રશ્યમાન બાજુ પણ દ્રશ્યમાન બાજુ જેટલી જ પ્રકાશિત છે! આનું કારણ એ છે કે ચંદ્રને પોતાની કાલ્પનિક ધરીની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરવા જેટલો સમય લાગે છે તેટલો જ સમય તેને પૃથ્વીની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરતા લાગે છે. આ પ્રકારના પરિભ્રમણને ‘સીન્ક્રોનસ’ પરિભ્રમણ કહેવામાં આવે છે. આને કારણે ચંદ્રની ફકત એક જ સપાટી આપણા પૃથ્વીવાસીઓની સામે આવે છે. આ પરિસ્થિતિને ચંદ્ર અને પૃથ્વી એકબીજા સાથે ‘ટાઇડીલી લોકડ’ થયા છે એમ કહેવામાં આવે છે. હકીકતમાં તો આપણી પૃથ્વીથી નિરંતર રીતે અદ્રશ્યમાન રહેતી તે બાજુ પણ તેટલી જ દેદીપ્યમાન છે જેટલી દેદીપ્યમાન તેની આ નિરંતર રીતે દ્રશ્યમાન રહેતી બાજુ છે.

સુપરમુન કયારે ઉદ્‌ભવે છે?
‘સુપરમુન’ ત્યારે ઉદ્‌ભવે છે કે જયારે પૂર્ણ ચંદ્ર પૃથ્વીની આસપાસની તેની લંબગોળાકાર પરિભ્રમણ કક્ષામાં પૃથ્વીથી તેના સૌથી નજીકના બિંદુ (પેરીજી) આગળ હોય. આ પરિસ્થિતિ ચંદ્રને તે તેની પરિભ્રમણ કક્ષાના સૌથી દૂરના બિંદુ (એપોજી) આગળ હોય તેના કરતાં 14 % વધારે મોટો અને ૩૦ % વધારે પ્રકાશિત બતાવે છે. આ ચંદ્રને ‘સુપર મુન’ કહે છે. પ્રસંગોપાત બે પૂર્ણ ચંદ્ર એક જ મહિના દરમ્યાન પણ ઉદભવી શકે.

શનિ ગ્રહનો ઉપગ્રહ ટાઇટન આપણી સૂર્યમાળામાં બીજા નંબરનો મોટા કદનો ઉપગ્રહ છે
શનિ ગ્રહનો ઉપગ્રહ ટાઇટન ૫૧૫૦ કિ.મી.નો વ્યાસ ધરાવે છે. આમ આ ઉપગ્રહ આપણી સૂર્યમાળામાં ગુરુના ઉપગ્રહની ગેનીમેડે પછી બીજા નંબરનો સૌથી મોટા કદનો ઉપગ્રહ છે. તે સૂર્યમાળામાં એક એવો ઉપગ્રહ છે, જેને પોતાનું ખાસ કરીને નાઇટ્રોજનનું વાતાવરણ છે. આમ આ ઉપગ્રહ પૃથ્વીના ઉપગ્રહ ચંદ્ર કરતાં મોટો છે તે બુધ ગ્રહ કરતાં મોટું કદ ધરાવે છે. યાદ કરીએ કે બુધ ગ્રહનો વ્યાસ ૪૮૭૯ કિ.મી. છે.

ઓબેરોન એ યુરેનસનો સૌથી મોટા કદનો દળદાર ઉપગ્રહ છે
યુરેનસનો ઉપગ્રહ ઓબેરોન કે જેને ‘યુરેનસ IV’ સાંકેતિક નામ આપવામાં આવેલું છે, તે યુરેનસ ગ્રહનો સૌથી બાહ્ય અને મોટા કદનો ઉપગ્રહ છે. ૧૭૮૭ માં વિજ્ઞાની વિલિયમ હર્ષેલે તેની શોધ કરેલી. તે યુરેનસનો બીજા નંબરનો સૌથી મોટા કદનો અને દળદાર ઉપગ્રહ છે. તેની પરિભ્રમણ કક્ષા યુરેનસ ગ્રહના મેગ્નેટોસ્ફીયર (ચુંબકીય ગોલક)ની બહાર રહેલી છે. તેનો વ્યાસ ૧૫૨૩ કિ.મી. છે. એ સંભવ છે કે આ ઉપગ્રહની રચના યુરેનસ ગ્રહના નિર્માણ વખતે તેની આસપાસ જે ‘એક્રીશન ડીસ્ક’ રચાયેલી હતી, તેમાંથી થઇ હતી. આ ઉપગ્રહ પોતાના બંધારણમાં સંભવિત રીતે સરખા જથ્થામાં બરફ અને ખડક સ્વરૂપ દ્રવ્ય ધરાવે છે. સંભવિત રીતે આ ઉપગ્રહના ખડક સ્વરૂપ કેન્દ્રિય ભાગની આસપાસ તેની બાહ્ય સપાટી બરફ દ્રવ્યની બનેલી છે.

નેપ્ચ્યુન ગ્રહનો ટ્રીટોન ઉપગ્રહ આપણા બ્રહ્માંડના નીચામાં નીચા તાપમાનથી ફકત ૩૭ અંશ સેલ્સીઅસ દૂર છે. આપણી સૂર્યમાળાના આઠમા ગ્રહ નેપ્ચ્યુનનો ઉપગ્રહ ટ્રીટોન ૨૭૦૭ કિ.મી. વ્યાસ ધરાવે છે. નેપ્ચ્યુન ગ્રહના કુલ ૧૪ ઉપગ્રહો છે. આ ટ્રીટોન એક બરફ આચ્છાદિત ઉપગ્રહ છે. તેનું કદ આપણા ચંદ્રના ચાર પંચમાંશ ભાગ જેટલું છે. આ ઉપગ્રહનું તાપમાન ઋણ ૨૩૫ અંશ સેલ્સીઅસ છે, જે આપણા બ્રહ્માંડના નીચામાં નીચા તાપમાનથી ફકત ૩૭ અંશ સેલ્સીઅસ દૂર છે!

વિજ્ઞાનીઓને નેપ્ચ્યુન ગ્રહ પર મોટું મસ ડાર્ક સ્પોટ જોવા મળ્યું

નેપ્ચ્યુન ગ્રહ પરનું હવામાન તોફાની છે. આ ગ્રહની સપાટી પર પ્રતિ કલાક ૨૦૦૦ કિ.મી. ની ઝડપે ‘હરીકેન’ વાવાઝોડું ફૂંકાય છે. નેપ્ચ્યુન ગ્રહ જે દિશામાં પરિભ્રમણ કરતો હોય તેના કરતાં વિરુધ્ધ દિશામાં આ ‘હરીકેન’ વંટોળ ‘મિથેન આઇસ’નાં વાદળાંઓ વીંઝોળે છે. નેપ્ચ્યુન ગ્રહ પર કંઇ કેટલીયે વંટોળ પ્રણાલીઓ કાર્યરત છે. તેમાંનો એક વંટોળ આપણી પૃથ્વી જેવડું કદ ધરાવે છે. આ વંટોળને ‘ગ્રેટ ડાર્ક સ્પોટ’ કહેવામાં આવે છે. નેપ્ચ્યુન ગ્રહ પરનું આ ‘ગ્રેટ ડાર્ક સ્પોટ’ એ પરિભ્રમણ કરતી વંટોળ પ્રણાલી છે. નેપ્ચ્યુન ગ્રહ પરની આ વંટોળ પ્રણાલી એ ગુરુ ગ્રહની ‘ગ્રેટ રેડ સ્પોટ’ વંટોળ પ્રણાલી સાથે સામ્યતા ધરાવે છે.

આ ‘ગ્રેટ ડાર્ક સ્પોટ’ની નજીક પવનોની ઝડપ પ્રતિ કલાક ૨૪૦૦ કિ.મી. છે! નેપ્ચ્યુન ગ્રહ પર ફૂંકાતા આ પવનો સૂર્યમાળાના કોઇ પણ ગ્રહ પર ફૂંકાતા પવનો કરતાં વધારે ઝંઝાવાતી જણાયા છે. નેપ્ચ્યુન ગ્રહ પરના આ ‘ગ્રેટ ડાર્ક સ્પોટ’ને નાસાના ‘વોયેજર-૨’ અવકાશયાન દ્વારા શોધવામાં આવ્યું હતું. જો કે આ ધાબુ કાયમી ધોરણે નિશ્ચિત સમયાંતરે ફૂંકાતું નથી. અગાઉ ૨જી નવેમ્બર ૧૯૯૪ માં ફૂંકાયા પછી હબલ ટેલિસ્કોપ દ્વારા આ ધાબાને બીજી વાર જોવામાં આવ્યું નથી. તેને બદલે વિજ્ઞાનીઓને ત્યાં બીજો એક વંટોળ ફૂંકાતો જોવા મળ્યો છે. તે વંટોળને ‘ધ સ્કૂટર’ નામ આપવામાં આવ્યું છે. તે વંટોળ આ ‘ગ્રેટ ડાર્ક સ્પોટ’ની વધારે દક્ષિણે રહેલું સફેદ વાદળાંઓનું જૂથ છે.

Most Popular

To Top