Columns

ઇન્દ્રિય વળી જાય છે

સમસ્યા: મારી ઉંમર 38 વર્ષની છે. મારે 3 બાળકો છે. છેલ્લા 3-4 વર્ષથી ઇન્દ્રિય પ્રવેશ પહેલાં જ ઢીલી થઇ જાય છે. હસ્તમૈથુનમાં પણ થોડી જ વારમાં વીર્ય નીકળે તે પહેલાં જ ઇન્દ્રિયમાં ઢીલાશ આવી જાય છે. આનું કારણ શું હોઇ શકે?
ઉકેલ:
આમ થવાના બે કારણ હોઇ શકે છે. એક તો માનસિક તાણ અથવા ઇન્દ્રિયનું “ફ્રેક્ચર” આવી શિથિલતા લોહીના દબાણમાં થતા ઘટાડાને કારણે અનુભવાય છે. આમાં ડોપલર સહિતના તમામ પરીક્ષણો સામાન્ય જણાય છે પરંતુ પેશન્ટનો ઇતિહાસ જણાવે છે કે પ્રવેશનો પ્રયત્ન કરતી વખતે ઇન્દ્રિય વળી જાય છે અથવા શિથિલ થઇ જાય છે. જેથી પ્રવેશ અશક્ય બને છે. આના માટે આપે નિષ્ણાત ડોક્ટરની પાસે તપાસ કરાવવી પડે કારણ કે આ ખૂબ જ ભાગ્યે જોવા મળતી તકલીફ છે. પહેલાં માત્ર ઓપરેશન એ જ એક રસ્તો હતો. આજની તારીખમાં યોગ્ય નિદાન બાદ દવાથી પણ નપુંસકતા મટી શકે છે અને વ્યક્તિ નવજુવાનની જેમ જાતીય જીવન ફરીથી માણી શકે છે.

મને સેક્સના વિચારો ખૂબ જ આવે છે
સમસ્યા: મારી ઉંમર 26 વર્ષની છે. ટૂંક સમયમાં મારા લગ્ન થવાના છે પરંતુ મને લાગે છે કે હું વધારે પડતો સેક્સ ધરાવું છું. મને સેક્સના વિચારો ખૂબ જ આવે છે. મને તેનાથી મનમાં ક્ષોભ પણ થાય છે. તો વધારે પડતો સેકસ કોને કહેવાય?
ઉકેલ:
જાતીય વિજ્ઞાન અને તેમાંય આ વિષય ઉપર વિશેષ વૈજ્ઞાનિક સંશોધન થયેલ નથી. અલગ અલગ દેશો અને લોકો પોતપોતાની રીતે કામુક્તાને મૂલવતા હોય છે અને વ્યક્તિને હાઇપરસેકસ્યુલ ક્યારે માનવી તે અંગે મતભેદ ડોક્ટરોમાં પણ પ્રવર્તે છે પરંતુ મોટાભાગે જે વ્યક્તિઓની જાતીય ઇચ્છા કોઇ રીતે સંતોષી ન શકાય એટલી પ્રબળ હોય, તેને કારણે તેના રોજિંદા કામકાજમાં અવરોધ ઉત્પન્ન થતો હોય, જેમને માટે સેકસ એ પૂર્ણપણે બિનવ્યક્તિલક્ષી (ઇમ્પર્સનલ) વસ્તુ હોય તથા જેઓ જાતીય પરાકાષ્ઠાના અસંખ્ય અનુભવો ઉપરાછાપરી લીધા બાદ પણ સરવાળે અસંતૃષ્ટ રહી જતી હોય તેવી વ્યક્તિને હાઇપરસેક્સ્યુલ ગણવામાં આવે છે. આવી પ્રકૃતિવાળા પુરુષોને ‘સેટીરિયાસિસ ડોનજુઆનિઝમ’ હોવાનું મનાય છે અને આવી સ્ત્રીઓ ‘નિમ્ફોમેનિયાક’ તરીકે ઓળખાય છે પરંતુ જો બધી વૈજ્ઞાનિક ભાષા બાજુમાં મૂકી અને તમને સાદી ભાષામાં સમજાવવું હોય તો કાંઇક આ રીતે કહેવાય. તમે ભરપૂર જમીને અડધો કલાક પહેલાં જ ઊભા થયા હો અને પાછી જમવાની ઇચ્છા કાયમ થાય તો તેને બીમારી કહેવાય. તે જ રીતે સંતોષજનક સેકસ ભોગવ્યા બાદ હંમેશાં તરત જ વારંવાર સેકસની ઇચ્છાને હાઇપરસેકસ્યુલ ગણવું જોઇએ. હકીકતમાં આ વધારે પડતી કામુકતા માટે ડોક્ટરી તપાસ જરૂરી થઇ જાય છે કારણ કે ઘણી વાર મેનિયા, સ્ફ્રીઝોફેનિયા, ફન્ટલલોબ બ્રેઇન ટ્યુમર અથવા એપીલેપ્સીઝ નામની બીમારીઓ પણ કામુક્તાને અમર્યાદ, અસંગત બનાવી દે છે.

મારા ફિયાન્સને સેક્સનું બિલકુલ જ્ઞાન નથી
સમસ્યા: મારી ઉંમર 21 વર્ષની છે . થોડાક દિવસ પહેલાં એકાંતમાં અમે સેક્સ માણેલ. પરંતુ કોઇ જ ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરેલ ન હતો. બીજા દિવસે ઇમર્જન્સી ગર્ભનિરોધક ગોળી લીધી હતી પરંતુ હવે અમને ખબર પડી કે અમે સેક્સ માણેલ જ ન હતો. મને અને મારા ફિયાન્સને સેક્સનું બિલકુલ જ્ઞાન નથી. હવે મને ડર લાગે છે કે આ ગોળી લેવાથી ભવિષ્યમાં મને માતા બનવામાં કોઇ મુશ્કેલી તો નહીં આવે ને?
ઉકેલ:
આ ગર્ભનિરોધક ગોળીઓ ઇમર્જન્સી માટેની જ છે ચોકલેટ નથી. આ દવાથી ઘણી બધી આડઅસર પણ થઇ શકે છે માટે તમારા ડોક્ટરની સલાહ વગર ભવિષ્યમાં ક્યારેય ના લેતા. અત્યારે માસિક આવે તેની રાહ જુઓ. એક વાર માસિક રેગ્યુલર થઇ જશે પછી ચિંતા કરવા જેવી નથી તમે ચોક્કસ ભવિષ્યમાં માતા બની શકો છો.

શીઘ્ર સ્ખલન માટે હવે કોઇએ વધારે પીડાવાની જરૂર નથી
સમસ્યા: મારી ઉંમર 52 વર્ષની છે. લગ્નજીવનને આશરે 27 વર્ષ થયેલ છે. મને શરૂઆતથી જ શીઘ્ર સ્ખલનની તકલીફ છે. શરૂઆતમાં તો થોડોક સમય મળતો હતો પરંતુ ધીરે ધીરે આ તકલીફ ખૂબ જ વધી ગઇ છે. હવે તો સ્પર્શ કરતા જ પ્રવેશ પહેલાં જ સ્ખલન થઇ જાય છે. આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા પણ થાય છે. ખૂબ જ દવાઓ કરાવી ચૂક્યો છું પણ કોઇ જ ફાયદો થયેલ નથી. છેલ્લે તો દેશી વાયગ્રાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ આ દવા લેતા શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયેલ, છાતી ભારે લાગેલ અને આંખો પણ લાલ થઇ ગયેલ એટલે મેં આ દવા ફેંકી દીધેલ છે.
ઉકેલ:
ઘણી વાર યોગ્ય નિદાન અને સારવારના અભાવને કારણે પણ વ્યક્તિએ નાની બીમારીઓ માટે વર્ષો સુધી પરેશાન થવું પડે છે. જે એક કમનસીબી છે. શીઘ્ર સ્ખલનની સારવાર જો યોગ્ય અને સચોટ નિદાન બાદ કરવામાં આવે તો તે ગમે તેટલી ગંભીર કેમ ના હોય, આનો ઇલાજ શક્ય છે. તમારી તકલીફ આટલા વર્ષોથી ધીરે ધીરે વધેલ છે માટે મોટાભાગે આપની તકલીફનું કારણ શારીરિક હોવાનું લાગે છે. માનસિક નહીં. જેથી સ્ત્રી ઉપર હોય તે આસન, સ્ટોપ-સ્ટાર્ટ, સ્કીવઝ પધ્ધતિ વગેરે વધુ ઉપયોગી નહીં નિવડે. એક વાત ચોક્કસ છે, શીઘ્ર સ્ખલન માટે હવે કોઇએ વધારે પીડાવાની જરૂર નથી.

કૃત્રિમ ડોનર વીર્યથી બાળક ચોકકસ રહી શકે છે
સમસ્યા: મારી સમસ્યા એ છે કે હું હસ્તમૈથુન કરું છું ત્યારે સ્ખલન બાદ વીર્યના ફક્ત 5-6 ટીપાં જ નીકળે છે. તો શું આનાથી મારા લગ્નજીવનમાં કોઇ તકલીફ થઇ શકે ખરી? વીર્યનું પ્રમાણ કેટલું હોવું જોઇએ? હું દર બે દિવસે હસ્તમૈથુન કરું છું.
ઉકેલ:
સામાન્ય રીતે એક વારના સ્ખલનમાં 2 ML વીર્યસ્ત્રાવ અર્થાત એક ચમચી વીર્યસ્ત્રાવને નોર્મલ ગણવામાં આવે છે પરંતુ આ સ્ત્રાવનો મુખત્વે આધાર હસ્તમૈથુન અથવા સમાગમ વચ્ચેના સમયગાળા ઉપર નિર્ધારિત હોય છે. એકાદ કલાક પછી જ આ ક્રિયા ફરી કરવામાં આવે તો એ વખતે સ્ત્રાવ ખૂબ જ ઓછો હોય છે પરંતુ તે જ વ્યક્તિ અઠવાડિયા પછી ફરી આ ક્રિયા કરે તો સ્ત્રાવનું પ્રમાણ વધારે હોય છે. ઘણી વાર પ્રાયમરી ટેસ્ટિક્યુલર ફેલ્યરમાં પણ વીર્યસ્ત્રાવ 2-4 ટીપાં જ થતો હોય છે. તો કેટલીક વાર સેક્સના વિચારથી શરૂઆતમાં જે રંગવિહીન ચીકણો સ્ત્રાવ થાય છે તેને જ વીર્યસ્ત્રાવ સમજવાની ભૂલ થતી હોય છે.
આમ થવા પાછળનું કારણ જાણવા માટે તમારે વીર્ય અને હોર્મોન્સની તપાસ કરાવવી પડે. સાથે સાથે યોગ્ય અને વ્યવસ્થિત હિસ્ટરીથી ચોક્કસ નિદાન થઇ શકે છે. જો અંડકોષ (ટેસ્ટીસ)નો વિકાસ ના થયેલ હોય તો બાળક થવાની શકયતા ઘટી જાય છે પરંતુ હા તમે સમાગમ ચોક્કસ કરી શકો છો કારણ કે હોર્મોન્સ બહારથી આપી શકાય છે, વીર્ય નહીં. જો આમ હોય તો કૃત્રિમ ડોનર વીર્યથી બાળક ચોકકસ રહી શકે છે.

મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોઈડ થાય?
સમસ્યા: મારા બે લગ્ન થયેલ છે. બન્ને પત્ની મુખમૈથુન કરે છે. એમને કોઇ જ જાતીય તકલીફ નથી પરંતુ બન્ને પત્નીઓને થાઇરોઇડની તકલીફ ઊભી થયેલ છે. તો શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોઈડ થાય કે નહીં?
ઉકેલ:
થાઇરોઈડ મોટાભાગે વારસાગત અને સ્ત્રીઓમાં જોવા મળતી બીમારી છે. આપણા દેશમાં ઘણી વાર આયોડિનની ઊણપને કારણે પણ થાઇરોઈડની તકલીફ જોવા મળતી હોય છે. બાકી મુખમૈથુનથી ક્યારેય થાઇરોઈડ જેવી બીમારી થતી નથી. હા, પરંતુ આપણા દેશમાં મુખમૈથુનથી કાનૂની સજા જરૂર થઇ છે કારણ કે કાયદા પ્રમાણે આ પ્રતિબંધિત ક્રિયા છે.

રોજ સેક્સ કરવાથી વજન વધી જાય?
સમસ્યા: મારી ઉંમર 26 વર્ષની છે. મારા લગ્નને 3 વર્ષ થયેલ છે. અમે અઠવાડિયામાં 4 થી 5 વાર સંબંધ રાખીએ છીએ. અમને બન્નેને ખૂબ જ સંતોષ છે પરંતુ મને લાગે છે આમ કરવાથી મારું વજન વધી ગયું છે. આ બે વર્ષમાં મારું વજન લગભગ 8 કિલો વધી ગયું છે. શું રોજ સેક્સ કરવાથી વજન વધી જાય?
ઉકેલ:
ના, આ એક આપના મનનો ખોટો વહેમ છે, જે દૂર કરવાની જરૂર છે. ઊલટું નિયમિત રીતે, એકટીવ સેક્સ માણવાથી વજન ઓછું થાય છે. આ વાત વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે. જો આપ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરતાં હો તો શક્ય છે. આપનું વજન વધી ગયેલ હોય. અમુક સ્ત્રીઓ જે ગર્ભનિરોધક ગોળીનું સેવન કરે છે તેમનામાં આડઅસર રૂપે ઘણી વાર વજન વધી ગયેલ જોવા મળતું હોય છે.
જો આમ હોય તો આપ આ ગોળીઓનું સેવન બંધ કરી દો અને ગર્ભનિરોધક તરીકે નિરોધનો પ્રયોગ કરો. જીવનમાં કસરત અગત્યની છે માટે દિવસમાં અડધો-પોણો કલાક ચાલવાનું રાખો. શક્ય હોય તો યોગ-પ્રાણાયમ કરો. આમ કરવાથી વજન તો ઘટશે તેમ જ માનસિક અને શારીરિક સ્ફુર્તિ પણ આપનામાં રહેશે.

Most Popular

To Top