Gujarat Election - 2022

આદિવાસીઓનો આ મુદ્દે જે વિશ્વાસ જીતશે તે ધરમપુરની બેઠક પર ચૂંટણીમાં વિજયી થશે

ધરમપુર વિધાનસભા 178 નંબરની અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. ઉમરગામથી અંબાજી સુધીના ટ્રાઈબલ બેલ્ટમાં ધરમપુરની વિધાનસભા બેઠક આ વખતે એપી સેન્ટર તરીકે જાણીતી બની છે. અહીં થયેલા આદિવાસી આંદોલનને કારણે આખા આદિવાસી સમાજમાં આ વિસ્તાર આદિવાસીઓનો અવાજ થઈને ગુંજ્યો છે. ધરમપુર વિધાનસભા બેઠક ઉપર આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે મુખ્ય મુકાબલો છે. આમ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ મુખ્ય કટોકટ ટક્કર છે.

પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કમલેશભાઈ પટેલ પણ આદિવાસીઓમાં સારી પકડ ધરાવે છે. તેથી આપ પાર્ટીને સ્પર્ધામાં નથી તેવું કહેવું ધરમપુર બેઠક ઉપર યોગ્ય નહીં ગણાય. પરંતુ જે પ્રકારે ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ પટેલ તેમજ કોંગ્રેસના ઉમેદવાર માજી સાંસદ કિશનભાઈ પટેલે આ ચૂંટણી જીતવા માટે કોઈ કસર બાકી નથી રાખી તે જોતા વિધાનસભાની આ ચૂંટણી ખૂબ રસાકસીવાળી બની ગઈ છે.

ધરમપુર વિધાનસભામાં વલસાડના 41 ગામ તથા ધરમપુરના 108 ગામનો સમાવેશ થયો છે. ધરમપુર વિધાનસભા બેઠક ઉપર 2,51,084 મતદારો નોંધાયેલા છે. જે પૈકી પુરુષ મતદારોની સંખ્યા 1,25,269 તેમજ સ્ત્રી મતદારોની સંખ્યા 1,25,815 છે. આ બેઠક ઉપર નવ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ, કોંગ્રેસ, આપ તથા ત્રણ અપક્ષ તેમજ બીએસપી, બીટીપી,સીપીઆઈ નો સમાવેશ થાય છે. ધરમપુર વિધાનસભા બેઠક ભાજપ જાળવી રાખશે કે કોંગ્રેસ ફરી છીનવી લેશે. આપ આ બેઠક પર કેવો દેખાવ કરશે તે તો હવે મતદાન અને મતગણતરી બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ ધરમપુર બેઠકની ચૂંટણી ખૂબ રસાકસીભરી છે એ વાત ચોક્કસ છે.

ધરમપુર વિધાનસભા બેઠક વિશે
ધરમપુર વિધાનસભા બેઠકથી 2012માં સિમાંકનમાં ફેરફાર બાદ વાંસદા બેઠક અલગ કરવામાં આવી. આ પહેલા વાંસદા-ધરમપુર બેઠક એક હતી. ધરમપુર વિધાનસભામાં વાંસદાનો કેટલોક ભાગ આવતો હતો. પરંતુ નવા સિમાંકન બાદ હવે ધરમપુરની અલગ વિધાનસભા બેઠક બની છે. હવે સમીકરણો બદલાઇ ગયા છે. પહેલા અહીં 1962ની પહેલી ચૂંટણીમાં પીએસપી(પ્રજા સોશ્યલીસ્ટ પાર્ટી)ના ઉમેદવાર રામુભાઇ જાદવ જીત્યા હતા. ત્યારે બાદ 1967માં કોંગ્રેસના બી.કે.પટેલ જીત્યા હતા. જાકે 1972 તથા 1975ની ચૂંટણી ઇન્ડીયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર રામુભાઇ જાદવ જીત્યા હતા. ઇંદીરા કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા. 1980માં કોંગ્રેસ(આઇ)ના શંકરભાઇ પટેલ જીત્યા ત્યાર બાદ 1995માં ભાજપના મણીભાઇ ચૌધરી પહેલી વખત ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ સાંસદ બનતા તેમના ભાઇ હીરાભાઇ ચૌધરી પેટા ચૂંટણી જીત્યા બાદ 1998માં ફરી આ બેઠક પર જીત્યા હતા. 2002માં કિસનભાઇ પટેલે આ બેઠક ભાજપ પાસે આંચકી લઇ કોંગ્રેસને જીત અપાવી હતી. ત્યાર બાદ કોંગ્રેસના છનાભાઇ ચૌધરી 2007માં આ બેઠક પર જીત્યા હતા. તેમજ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ઇશ્વરભાઇ પટેલનો વિજય થયો હતો. ભાજપના અરવિંદભાઈ પટેલનો 2017ની ચૂંટણીમાં વિજય થયો હતો.

રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ મુખ્ય મુદ્દો
પાર-તાપી-નર્મદા રિવર લીંક પ્રોજેક્ટનો વિરોધનો મુદ્દો અહીં સૌથી પ્રભાવી મુદ્દો આ ચૂંટણીમાં જોવા મળે છે. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી નેતાઓએ આ મુદ્દાને લઈને રેલીઓ કાઢીને વિરોધ દર્શાવ્યો હતો. આ આંદોલન આખા આદિવાસી પટ્ટામાં ચાલ્યું હતું. આ આંદોલનમાં કમલેશભાઈ પટેલ તેમજ કલ્પેશભાઈ પટેલ પણ સામેલ હતા. જોકે ભાજપના આગેવાનોએ આવી કોઈ યોજના અહીં નહીં આવે તેવું વારંવાર આશ્વાસન આપીને કોઈ આદિવાસીની જમીન નહીં જાય તેવું જણાવ્યું હતું. પરંતુ આ મુદ્દો હજી અહીં મુખ્ય મુદ્દો છે. આ ઉપરાંત પીવાના પાણી અને મોંઘવારી તેમજ રોજગારી જેવા મુદ્દાપણ ચૂંટણીમાં ચર્ચામાં છે.

Most Popular

To Top