Columns

જે પટેલો વિદેશમાં જવા માટે બદનામ છે તે જ પટેલોએ વિશ્વમાં સર્જયા છે ઘણા રેકોર્ડ

આપણે બધા વારંવાર પટેલ જ્ઞાતિના લોકો અમેરિકા જવા માટે ગાંડપણની હદ વટાવી છૂટે એટલી ઘેલછા ધરાવે છે એવું કહીને પટેલ જ્ઞાતિના લોકોની હાંસી ઉડાડીએ છીએ પણ શું એ સમયે આપણને એવો વિચાર આવે છે કે ભારતને આઝાદી પ્રાપ્ત થઈ ત્યાર બાદ આપણા સૌ પ્રથમ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર પટેલ જ્ઞાતિના ‘લોખંડી પુરુષ’તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ગુજરાતના એક સમયના ચીફ મિનિસ્ટર ચીમનભાઈ અને આનંદીબહેન પટેલ હતાં. ગુજરાતના માજી મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ પણ હતા.

જાણીતા રાજકારણી મિસ્ટર અહેમદ પણ પટેલ જ્ઞાતિના હતા અને જાણીતા ભારતીય રાજકારણી પશા પટેલ તેમ જ પ્રફુલ્લ પટેલ હતા. ગુજરાતનો મહાન ક્રિકેટર જશુ પટેલ હતો. મહાન લેખક પન્નાલાલ પટેલ હતા. જાણીતી અભિનેત્રી અમીષા પટેલ છે. બ્રિટિશ ઍક્ટર દેવ અને નિક્કી, તેઓ બન્ને પણ પટેલ જ્ઞાતિના છે. અમેરિકામાં વસતા દરેક 10 ભારતીયોમાં 1 ભારતીય પટેલ જ્ઞાતિનો છે. પટેલ એ ભારતીયોની અત્યંત સામાન્ય અટક છે. એનો અર્થ ગામનો વડો એવો થાય છે. એ એક સ્ટેટસ દર્શાવે છે. ઈસ્લામધર્મી તેમ જ પારસીઓમાં પણ પટેલ અટક પ્રચલિત છે. આજે પાંચ લાખથી વધુ પટેલ કોમની વ્યક્તિઓ વિશ્વના જુદા જુદા દેશોમાં વસવાટ કરે છે.

વર્ષ 1990માં અમેરિકામાં 39,740 લોકો કાયમ ધોરણે રહેતા હતા. 10 વર્ષમાં એટલે કે 2000માં એમની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ અને એમની અમેરિકાની વસતિ 1,45,066 થઈ ગઈ. ત્યાર બાદ 22 વર્ષ પછી તો એમાં હજુ પણ અનેક ગણો વધારો થયો છે. અમેરિકાની લગભગ 37% જેટલી મોટેલ તેમ જ હોટેલના માલિકો પટેલો જ છે. પટેલો ત્યાંનાં સેંકડો ગૅસ સ્ટેશનો, કન્વિનિયન્સ સ્ટોર, લીકર સ્ટોર અને હવે તો હૉસ્પિટલો તેમ જ શાળાઓના માલિકો છે. તેઓ ઍગ્રિકલ્ચરિસ્ટ છે, ફાર્મિસ્ટ છે, બિઝનેસમેન છે અને સાથે સાથે કમ્પ્યુટર પ્રોફેશનલ પણ છે. એમના થકી અમેરિકાએ ખૂબ જ પ્રગતિ કરી છે. એમણે અનેક અમેરિકનો માટે નોકરીઓ ઉપલબ્ધ કરી છે. આ સર્વે કારણોસર જ અમેરિકન ઈમિગ્રેશન લૉયર્સ ઍસોસિયેશને થોડાં વર્ષો પહેલાં અમેરિકામાં વસતા પટેલોનું બહુમાન કર્યું હતું.

એ વાત સાચી છે કે અમેરિકામાં પ્રવેશવા માટે, ત્યાં કાયમ રહેવા માટે થોડા ઘણા પટેલો ખોટું આચરે છે. જીવનનું જોખમ ખેડે છે. લખલૂટ પૈસા પણ વેરે છે પણ એ સર્વે સારું-ખોટું કાર્ય તેઓ ફક્ત એ ‘તક અને છત’ના દેશમાં, જ્યાં પ્રવેશી તેઓ એ દેશને ખૂબ જ ઉપયોગી થઈ પડે છે, એમાં દાખલ થવા અને ત્યાં કાયમ રહેવા માટે કરે છે. આથી પટેલ અટક ધરાવનાર વ્યક્તિની હાંસી ઉડાડવી, તેઓ તો અમેરિકાના ઘેલા છે એવું કહીને એમની ઠેકડી ઉડાડવી એ યોગ્ય નથી.  ક્રિસ્ટોફર કોલંબસે 1492માં અનાયાસે અમેરિકા ખંડની શોધ કરી અને ત્યાર બાદ પહેલા યુરોપ પછી ઈંગ્લૅન્ડ અને ધીરે ધીરે વિશ્વના બધા જ દેશોના લોકો એ નવા શોધાયેલા દેશ પ્રત્યે આકર્ષાયા. આથી ત્યાં જઈને વસેલા લોકોએ અમેરિકામાં પ્રવેશવા ઉપર એક પછી એક નિયંત્રણો લાદ્યાં.

સૌ પ્રથમ એવું ઠરાવવામાં આવ્યું કે અમેરિકામાં પ્રવેશવું હોય તો એ વ્યક્તિ પાસે ઓછામાં ઓછા 15 ડોલર હોવા જોઈએ. પછી અમેરિકામાં પ્રવેશતી વ્યક્તિ ઉપર અડધો ડોલરનો મુંડન વેરો નાખવામાં આવ્યો. ત્યાર બાદ એવું ઠરાવવામાં આવ્યું કે ગુનેગારો, વેશ્યાઓ, રોગિષ્ટ, ભિખારી આવા લોકોને અમેરિકામાં પ્રવેશ ન આપવો. કેલિફોર્નિયામાં સોનું જડ્યું અને ચીનમાંથી લોકો સોનાની ખાણોમાં કામ કરવા ધસી આવ્યા. એમને ખાળવા ધ ચાઈનીસ એક્સક્લુઝન એક્ટ ઘડવામાં આવ્યો. જાપનીસ લોકો ખૂબ સસ્તા દરે મજૂરી કરવા અમેરિકા જવા લાગ્યા એટલે અમેરિકાએ જાપાનની સરકારે જોડે જેન્ટલમેન્ટ એગ્રીમેન્ટ કર્યા. એવું ઠરાવવામાં આવ્યું કે જે જાપનીસ મજૂરી કરવા અમેરિકા જવા ઈચ્છતા હોય એમને જાપાનની સરકારે પાસપોર્ટ જ આપવા નહીં. આમ એક પછી એક પ્રવેશનિષેધના નિયમો અને કાયદાઓ ઘડવામાં આવ્યા. આખરે 1952માં ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ ઘડવામાં આવ્યો.

ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ 1952 હેઠળ જો તમારે અમેરિકામાં કાયમ રહેવા જવું હોય તો ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના રહે. ઈમિગ્રન્ટ વિઝા અંગત કૌટુંબિક સંબંધોના કારણે તેમ જ નોકરીના આધારે મળી શકે. વર્ષમાં કેટલી સંખ્યામાં એ મળી શકે એ નક્કી કરવામાં આવ્યું. કોટાના આવા બંધનોના કારણે પરદેશીઓને અમેરિકામાં કાયમ રહેવા માટે ઈમિગ્રન્ટ વિઝા મેળવવા વર્ષોની વાટ પડવા લાગી. અત્યારના તો એવી પરિસ્થિતિ છે કે જો કોઈ અમેરિકન સિટિઝન એના ભારતીય ભાઈબહેનને અમેરિકા કાયમ માટે બોલાવવા ઈચ્છે તો એ માટે જે ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવાનું રહે છે એની હેઠળ વિઝા મળતા 15-20-25 યા એથી પણ વધુ સમય લાગશે.

અમેરિકામાં ટૂંક સમય માટે જવું હોય તો જુદા જુદા પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના રહે. એમાં પણ હવે ખૂબ જ વાટ જોવી પડે છે. આમ અમેરિકામાં પ્રવેશવા માટે, ટૂંક સમય માટે કે કાયમ રહેવા માટે, જે વિઝા પ્રાપ્ત કરવાના હોય એ માટે ખૂબ લાંબી વાટ જોવી પડે છે. લોકો એથી ખરું ખોટું કરીને અમેરિકામાં જલ્દી પ્રવેશ મેળવવાના પ્રયત્ન કરે છે. જુઠ્ઠું બોલીને B-1/B-2 વિઝા મેળવે છે અને પછી ત્યાં જ રહી જાય છે. વિદ્યાર્થી તરીકે જાય છે અને ભણી રહ્યા બાદ પાછા નથી આવતા. બનાવટી લગ્ન કરે છે, બનાવટી નોકરીઓ ઊભી કરે છે. અનેક કેનેડામાંથી બરફમાં ચાલીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. મેક્સિકોની બોર્ડરમાંથી ભોંયરાઓ ખોદીને અમેરિકામાં પ્રવેશે છે. આવું કરતાં અનેકો એમના જીવ પણ ખોય છે.  અમેરિકા જો જવું હોય તો તમારે કાયદેસર જ જવું જોઈએ. ભલે એમ કરતાં ખૂબ રાહ જોવી પડે પણ ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશવાનો કોઈ જ અર્થ નથી. એમ કરતાં તમને એ દેશની પ્રગતિ કે સુખસંપત્તિનો લાભ પ્રાપ્ત નહીં થાય.

Most Popular

To Top