Columns

ક્યાં પ્રકારના એક્સિડન્ટમાં વીમા કંપની ‘એક્સિડન્ટ બેનિફિટ્સ’ આપી શકે? સુરતનો આ કિસ્સો જાણવા જેવો

LIC ની કેટલીક જીવનવીમા પોલીસીઓ વીમેદારનું અકસ્માતમાં અવસાન થાય તો અમુક ચોકકસ ૨કમનો વધારાનો કલેમ મળવાપાત્ર થાય એટલે કે Accidental Benefit વાળી હોય છે પરંતુ આવી પોલીસીના કિસ્સાઓમાં પણ વીમેદારનું થયેલું અવસાન કુદરતી રીતે થયેલ હતું કે અકસ્માતથી થયેલ હતું તે LIC અને વીમેદારના વારસો વચ્ચે વિવાદનું મોટું કારણ બને છે. સુરતના આવા જ એક કેસમાં વીમેદારને ચાલતા ચાલતા ઠોકર વાગવાથી પડી જતા માથામાં ઇજા થયેલી અને બેભાન થઇ ગયેલા અને ત્યાર બાદ બેભાન અવસ્થામાં જ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન પામેલા. જે અવસાન અકસ્માતથી થયેલ ન હોવાનું જણાવી Accidental Benefit ની ૨કમ મૃતકના વારસોને ચૂકવવાનો ઇન્કાર કરનાર LICને કલેમ ચૂકવવાનું જણાવતો સુરત જિલ્લા ગ્રાહક ફોરમે કરેલ હુકમ મહદઅંશે ગુજરાત રાજય કમિશને પણ મંજૂર રાખી વીમેદારનું મૃત્યુ અકસ્માતથી થયેલ ગણાય એમ ઠરાવેલ છે. આમ આ કેસમાં પોસ્ટ-મોર્ટમ રીપોર્ટમાં ગુજરનાર હાઇપરટેન્શન/ડાયાબિટીસથી ચકકર આવીને અને બ્રેઇન હેમરેજ થવાને કારણે ગુજરી ગયેલ હોવાનું જણાવેલ હોવા છતાં PM રિપોર્ટને અવગણીને ગ્રાહક અદાલતે ફરિયાદીનું મૃત્યુ Accidental Death હોવાનું ઠરાવી Accidental Claim ની ૨કમ ચૂકવણી પાત્ર હોવાનું ઠરાવ્યું છે.

બેલાબેન અજયકુમાર જરીવાળા (ફરિયાદી નં.1) અને ધીરેન અજયકુમાર જરીવાળા (ફરિયાદી નં.(2)) (રહે: બેગમપુરા, સુરત) (ફરિયાદીઓ) ના  એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફ્ત LIC અને તેના સીનિયર ડિવિઝનલ મેનેજર વિરૂદ્ધ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કરેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી નં.1 ના પતિ અને ફરિયાદી નં.2 ના પિતા ગુજ. અજયકુમાર નટવરલાલ જરીવાળાએ સામાવાળા પાસેથી કુલ 7  જીવન વીમા પોલીસીઓ લીધેલી. જે પોલીસી અકસ્માત બેનિફિટ સહિતની હતી. તા. 29/04/2006 ના રોજ ફરિયાદી નં.1 ના પતિ અને ફરિયાદી નં.(2) ના પિતા અજયકુમાર નટવરલાલ જરીવાળા અકસ્માતનો ભોગ બનેલા. અજયકુમાર જરીવાળા પોતાના કારખાના તરફ ચાલતા જતા હતા ત્યારે ઠોકર વાગતા પડી ગયેલા અને માથામાં ઇજા થવાથી બેભાન થઇ ગયેલા. જેથી તેઓને ડો. જિતેન્દ્ર વ્યાસને બતાવેલા, તેઓની સૂચના મુજબ ડો. ડુમસવાળાની હોસ્પિટલમાં દાખલ કરેલા અને સીટી સ્કેન કરાવેલ. સીટી સ્કેનનો રીપોર્ટ આવતા તરત જ મહાવીર જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલા, જયાં સારવાર દરમ્યાન અજયકુમાર તા. 03/05/2006 ના રોજ 12.00  કલાકે બેભાનાવસ્થામાં જ ગુજરી ગયેલા.

આ બાબતની જાણ સામાવાળાઓને કરવામાં આવેલી અને જીવનવીમાની રકમ મેળવવા ફરિયાદીઓએ જરૂરી તમામ દસ્તાવેજી પુરાવા સાથે સામાવાળા સમક્ષ ક્લેમ કરેલો. સામાવાળા LICએ એક્સિડન્ટ ક્લેમ સિવાયની જીવનવીમાની અન્ય ૨કમ ચૂકવી આપેલી પરંતુ એક્સિડન્ટ ક્લેમની રકમ ચૂકવેલી નહીં. સામાવાળાઓએ તા. 03/05/2006 ના રોજ પત્ર લખી એક્સિડન્ટ ક્લેમ નામંજૂર કરેલો અને જણાવેલું કે ગુજરનાર અજયકુમારનું મૃત્યુ કુદરતી મૃત્યુ છે, અકસ્માતની રીતે થયેલ નથી. તેથી અકસ્માત વીમાનો લાભ મળે નહીં જેથી ફરિયાદીઓએ ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવી પડેલી. LICના એડવોકેટની દલીલ મુજબ PM રીપોર્ટ મુજબ ગુજરનારને સબ આર્કનોઇડ હેમરેજ થયેલું તથા હાઇપર ટેન્શન/ડાયાબિટીસના કારણે ચકકર આવી જવાથી પડી જવાથી ગુજરનારનું મૃત્યુ થયેલ છે. જે સંજોગોમાં ગુજરનારનું મૃત્યુ અકસ્માતથી થયેલ ગણાય નહીં.

ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇએ દલીલોમાં જણાવ્યું હતું કે, તા.29/04/2006 ના રોજ ગુજરનાર અજયકુમાર પોતાના કારખાના તરફ ચાલતા જતા હતા, ત્યારે ઠોકર વાગતાં પડી ગયેલા અને તેથી ઇજા થતાં મૃત્યુ થયેલ છે. તેમ જ ફરિયાદીના ભાઇ પંકજકુમાર નટવરલાલ જરીવાળાએ પોલીસ સમક્ષ આપેલ નિવેદનમાં જણાવેલ છે કે, બનાવના દિવસે તેમના ભાઇ અજયભાઇ અચાનક પડી જતાં ફર્શ પરની ટાઇલ્સ તેમના માથામાં પાછળના ભાગે વાગતા મૂઢમાર વાગેલ અને તેઓ બેભાન થઇ ગયેલા. ગુજરનારને હાઇપર ટેન્શન/ડાયાબિટીસના કારણે ચકકર આવી જવાથી પડી જવાથી ગુજરનારનું મૃત્યુ થયેલ હોવાનું જણાવતો PM રિપોર્ટ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. વીમા પોલીસીની શરત 10(B) મુજબ જયારે ગુજ૨ના૨ને શારીરિક ઇજા થયેલ છે અને તે શારીરિક ઇજાઓ બાહ્ય પરિબળથી થયેલ છે. તેથી ગુજ૨ના૨નું મૃત્યુ અકસ્માતે થયેલ હોવાનું ગણી શકાય. જેથી ગુજરનારના મૃત્યુ બદલ તેમના કાયદેસરના વારસો પોલીસી અન્વયેની Accident Benefit ની ૨કમ મેળવવા હકકદાર બને છે.

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના તત્કાલીન પ્રમુખ એ.આર.પટેલ અને સભ્ય હર્ષદભાઇ જોષી અને મેઘાબેન જોષીએ એડવોકેટ શ્રેયસ દેસાઇની દલીલો સાથે સંમત થઇ વીમેદારનું મૃત્યુ અકસ્માતથી થયેલ હોવાનું ઠરાવી વીમેદારની વિધવા અને પુત્ર Accidental benefit ની તમામ 7 જીવન વીમા પોલીસી અન્વયેની Accidental benefit ની ૨કમ રૂ.15.5 લાખ મેળવવા હકદાર હોય એવું ઠરાવતો ચુકાદો આપ્યો હતો.  નારાજ LICએ મજકૂર હુકમ વિરૂદ્વ ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગુજરાત રાજય અમદાવાદ સમક્ષ અપીલ કરી વીમેદારનું મૃત્યુ અકસ્માતથી ન થયેલ હોવાનું જણાવી અને Accidental benefit ની કોઇ ૨કમ ચૂકવણી પાત્ર ન થતી હોવાનું જણાવી ફોરમનો ચુકાદો રદ કરવાની દાદ માંગી હતી. સ્ટેટ કમિશન સમક્ષ ફરિયાદીઓ તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇ/વી.એન.પંચોલીએ રજૂઆત કરી હતી અને સુરત ફોરમનો ચુકાદો વ્યાજબી અને ન્યાયી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત રાજય કમિશનની ન્યાયિક સભ્ય આઇ.ડી.પટેલની બેન્ચે આપેલા ચુકાદામાં ઠરાવ્યું હતું કે, સુરત ફોરમે ગુજરનારનું મૃત્યુ અકસ્માત થયેલ હોવાનું જે તારણ કાઢેલ છે તે કાયદેસર યોગ્ય અને ન્યાયી છે. જો કે સ્ટેટ કમિશને પોલીસીની શરતોનો હવાલો આપી જણાવ્યું હતું કે, મૃતકના વારસો Accidental benefit તરીકે વધુમાં વધુ રૂ.5,00,000/- મેળવવા હકદાર છે. એમ જણાવી રૂ. 5,00,000/- તા. 03/05/2006 થી ચૂકવણીની તારીખ સુધીનો(એટલે કે લગભગ 16 વર્ષ) 9% ના વ્યાજ સહિત મૃતકની વિધવા અને પુત્રને ચૂકવી આપવાનો LICને હુકમ આપ્યો છે. આમ, આ કેસમાં, પોસ્ટ-મોર્ટમ રિપોર્ટમાં ગુજરનાર હાઇપરટેન્શન/ડાયાબિટીસથી ચકકર આવીને અને બ્રેઇન હેમરેજ થવાને કારણે ગુજરી ગયેલ હોવાનું જણાવેલ હોવા છતાં PM રીપોર્ટને અવગણીને ગ્રાહક અદાલતે ફરિયાદીનું મૃત્યુ Accidental Death હોવાનું ઠરાવી Accidental Claim ની રકમ ચૂકવણીપાત્ર હોવાનું ઠરાવ્યું છે.

Most Popular

To Top