Editorial

વધતા જતા સાયબર અપરાધો જોતા પ્રજાએ વધુ જાગૃત અને સતર્ક બનવાની જરૂર છે

હાલ થોડા દિવસ પહેલા મુંબઇમાં એક ભારતીય મૂળની વિદેશથી આવેલી અભિનેત્રીએ તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરવા માટે હોસ્પિટલોની શોધખોળ ઇન્ટરનેટ પર કરી. તેને એક વેબસાઇટ વાજબી લાગી અને તેના પર આપવામાં  આવેલા ફોન નંબર પર તેણે પૂછપરછ કરતા તેને જવાબ આપવામાં આવ્યો કે તમારી માતાને હોસ્પિટલમાં દાખલ કરવા માટે પ્રવેશ ફી તરીકે પાંચ રૂપિયા અમે આપેલી લિંકનો ઉપયોગ કરીને ઓનલાનઇ ટ્રાન્સફર કરો! પેલી અભિનેત્રીએ  આ સૂચના પ્રમાણે કર્યું અને તેને જણાયું કે તેના પાંચને બદલે પાંચ હજાર રૂપિયા ખેંચાઇ ગયા હતા.

ગભરાઇને તેણે નેટબેંકિંગ વડે પોતાના બેંક ખાતાઓ ચેક કર્યા તો તેને જાણવા મળ્યું કે તેના ત્રણ બેંક ખાતાઓમાંથી કુલ બે લાખ કરતા  વધુ રકમ ઉપડી ગઇ હતી! તે બેંકમાં પહોંચી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પહોંચી. સદભાગ્યે મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ખૂબ ચપળતા બતાવી અને થોડા સમયમાં યુપીઆઇ સત્તાવાળાઓની મદદથી આ રકમ  પાછી મેળવી લીધી. આ તો એક બનાવ છે, આવા અનેક બનાવો આપણા દેશમાં બનવા માંડ્યા છે અને વર્ષે દહાડે લાખો લોકો એક યા બીજા પ્રકારના સાયબર અપરાધનો ભોગ બને છે.

આપણા દેશમાં સાયબર ગુનાખોરીનું પ્રમાણ કેટલી હદે વધ્યું છે તેનો અંદાજ સરકાર દ્વારા હાલમાં સંસદમાં આપવામાં આવેલી એક માહિતી પરથી મળી શકે છે. દેશમાં ૨૦૧૯થી લઇને ગયા મહિના સુધી સાયબર સુરક્ષાને લગતા જંગી  ૩૬.૨૯ લાખ બનાવો બન્યા છે અને સરકારે આવા અપરાધો રોકવા માટે સંખ્યાબંધ પગલાઓ લીધા છે એમ કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રાએ સંસદમાં હાલમાં મંગળવારે જણાવ્યું હતું. ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ  ટીમ(સીઇઆરટી-ઇન)ને આપવામાં આવેલી માહિતી અને તેના દ્વારા ટ્રેક કરવામાં આવેલી ઘટનાઓ મુજબ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨(જૂન સુધી)માં કુલ ૩૯૪૪૯૯, ૧૧૫૮૨૦૮, ૧૪૦૨૮૦૯ અને ૬૭૪૦૨૧ બનાવો સાયબર  સુરક્ષાને લગતા બન્યા છે એ મુજબ લોકસભામાં એક લેખિત પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ કહ્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે સાયબર સુરક્ષા સામેના ખતરાઓ અને સાયબર હુમલાઓ અટકાવવા માટે સરકારે સંખ્યાબંધ પગલાઓ  લીધા છે અને તેમાં છેલ્લામાં છેલ્લા સાયબર ખતરાઓ સામેના એલર્ટ્સ જારી કરવા અને માર્ગદર્શિકાઓ નિયમિત ધોરણે જારી કરવાની બાબતનો સમાવેશ થાય છે. સરકાર એક ઓટોમેટેડ સાયબર થ્રેટ એક્સચેન્જ પ્લેટફોર્મ ચલાવી રહી  છે જે સક્રિયપણે વિવિધ સેકટરોમાંના સંગઠનો પાસેથી ખતરાઓ અંગેની માહિતીઓ, તેમણે લીધેલા પગલાઓની વિગતો વગેરે મેળવે છે અને તેનું વિશ્લેષણ કરે છે.

તમામ સરકારી વેબસાઇટો અને એપ્લિકેશનોનું ઓડિટ તેમના હોસ્ટિંગ  પહેલા કરવામાં આવે છે. સરકાર ૯૭ સિક્યુરિટી ઓડિટીંગ સંગઠનોને પણ આ બાબતે પોતાની સાથે લીધા છે જેઓ સાયબર સુરક્ષા અંગે અને ઓડિટ કરવા અંગે સરકારને મદદ કરે છે. દેશમાં સાયબર અથવા ઇન્ટરનેટ ગુનાખોરીનું  પ્રમાણ કેટલી હદે વધ્યું છે તે સરકારે પુરા પાડેલા આંકડાઓ પરથી સમજી શકાય છે. સાયબર અપરાધો રોકવા સરકારે અનેક પગલાઓ લીધા છે. પોલીસમાં સાયબર ક્રાઇમ માટેનો જુદો વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે અને લોકોને  સાયબર છેતરપિંડીથી બચવા માટે સમયે સમયે માર્ગદર્શન પણ વિવિધ સત્તાવાળાઓ તરફથી આપવામાં આવે છે છતાં સાયબર અપરાધીઓ બેરોકટોક અપરાધો કરતા રહે છે અને લોકો ભોગ બનતા રહે છે તે હકીકત છે.

 આપણા દેશમાં સાયબર ગુનાઓનું પ્રમાણ આટલું બધું વધવાનું કારણ એ છે કે ઇન્ટરનેટનો ફેલાવો વધ્યો, તેનો ઉપયોગ કરનારા લોકોનું પ્રમાણ વધ્યું, ઓનલાઇન પેમેન્ટ જેવી પધ્ધતિઓ દ્વારા નાણાની ચુકવણી અને આપ-લે કરવાનું  પ્રમાણ વધ્યું, પરંતુ તે સાથે લોકોમાં ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ અંગે કે સાયબર સ્પેસ પર થતી છેતરપિંડીઓ અંગે માહિતી અને સતર્કતા વધી નથી. ઓનલાઇન પેમેન્ટ કરતા કે કાર્ડ્સનો ઉપયોગ કરતા ઘણા બધા લોકો પુરતી આવડત  કે સજ્જતા ધરાવતા નથી અને આને કારણે સાયબર ગુનાખોરો ફાવી જાય છે.

સાયબર ફ્રોડ અનેક પ્રકારના થાય છે. તમને જંગી ઇનામ લાગ્યું છે એવો મેસેજ કે કોલ કરીને તમને કોઇ લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે, તમારા  બેંક ખાતાની માહિતી માગવામાં આવે અને થોડી વારમાં તો તમારું બેંક ખાતું સફાચટ થઇ જાય. આવા અનેક બનાવો બનતા હોવાની માહિતી હોવા છતાં લોકો છેતરાતા રહે છે આથી જ સરકારના અનેક પગલાઓ છતાં સાયબર  અપરાધો કાબૂમાં આવતા નથી. સાયબર અપરાધીઓને સફળ થતા રોકવા માટે લોકોએ પોતે જ જાગૃત અને સજ્જ બનવું પડશે.

Most Popular

To Top