Comments

‘‘જીએસટીના બોજની જવાબદારી તમામ રાજકીય પક્ષોની છે’’

‘એક દેશ એક ટેક્ષ’નું સૂત્ર જોરદાર સમાનતા ઊભી કરી રહ્યું છે. હવે દેશનાં ગરીબો, શ્રમિકો પણ અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો, નેતાઓની સાથે છાસની થેલી ખરીદીને ટેક્ષ ચૂકવી રહ્યા છે. દેશના વિકાસમાં બે પાંચ કરોડ ધનિકો કરતાં કરોડો ગરીબ ભારતીય કુટુંબો વધારે ફાળો આપશે. કારણ કે તેઓ દૂધ, દહીં, છાશ વગેરે રોજ ખરીદશે! સૌથી વધુ ‘પડીકા’ સાઇટ ઉપર કામ કરતાં શ્રમિકો ખાય છે.

અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ ખાય છે! રાજનીતિમાં ‘પેકેજીંગ’નું મહત્ત્વ સમજતી પાર્ટીએ દરેક પ્રકારના ‘પેકીંગ’ને વેરા નીચે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ‘તમે વોટ ભલે ભાજપને આપો, તમારા પર શાસન અધિકારીઓ જ કરે છે’ તેવો આક્ષેપ હવે સાચો લાગવા લાગ્યો છે કારણ કે જમીનથી જોડાયેલો કોઇ રાજકારણી હોસ્પિટલના રૂમ ભાડા પર, દૂધ, દહીંની થેલી પર વેરો ન લે! વળી નાણાંમંત્રી બચાવમાં કહી રહ્યા છે કે છૂટકમાં ખરીદો, ટેક્ષ નહીં લાગે! હજી હમણાં જ ગુજરાતમાં ડેરી ઉદ્યોગમાં બહેનોના પ્રદાન ઉપર વડા પ્રધાન પ્રવચન આપીને ગયા છે.

સૌ જાણે છે કે હવે ગરીબમાં ગરીબ માણસ, નાના ગામડામાં પણ ‘અમૂલ’ જેવા ડેરી પ્રોડકટની જ વસ્તુ વાપરે છે. વળી આ જીવનજરૂરી ચીજવસ્તુ છે. એટલે ભાવ વધવા છતાં ખરીદવાનું જ છે. નાણાં મંત્રીએ એટલું તો જોયું હોત કે હવે કયા દૂધ દહીં છૂટકમાં વેચાય છે? અને જો દૂધ દહીં ખરેખર છૂટકમાં વેચાવા માંડે તો ડેરી ઉદ્યોગનો વિકાસ થશે કે રકાસ? ખેર, જીએસટીનું સ્વરૂપ અને વ્યાપ હવે વિકરાળ થવા માંડયું છે. આપણે આ લેખમાળામાં વસ્તુ અને સેવા કર (જીએસટી) આવ્યો ત્યારે જ કેટલાંક ભયસ્થાનો બતાવ્યાં હતાં તે હવે સાચા પડવા લાગ્યા છે.

આપણે લખ્યું હતું કે ‘એક દેશ એક ટેક્ષ’ના નારા હેઠળ ગળચટી લાગતી વાત એ ખરેખર તો આર્થિક કેન્દ્રીકરણ વધારશે! આ દેશના સમવાય માળખાને નુકસાન કરશે અને રાજયોને નબળાં પાડશે તથા બીજો મોટો ડર એ જીએસટી કાઉન્સીલ બાબતે બતાવ્યો હતો કે ભારતના બંધારણમાં આમ તો વેરા ઉઘરાવવાની સત્તા ચુંટાયેલી સરકારોને હોય છે. એટલે કે પ્રજા પાસેથી વેરો કાં તો કેન્દ્ર સરકા ઉઘરાવે છે કાં તો રાજય સરકાર ઉઘરાવે છે. કાં તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉઘરાવે છે. જીએસટીના બંધારણીય સુધારા પછી જીએસટીના દરો એ ખાસ કાઉન્સીલ નક્કી કરશે!

વળી બજેટ પર દર વર્ષે હોય અને વેરા દર વર્ષે બદલાય, પણ જીએસટી કાઉન્સીલ દર છ મહિને વેરા પાત્ર વસ્તુનું લીસ્ટ બદલે છે અને ટેકનીકલી દશમાં વેરા કેન્દ્રના કે રાજયના નાણાંમંત્રી દ્વારા લાદવામાં આવે છે. જયારે અહીં કાઉન્સીલમાં અધિકારીઓ જ સર્વેસર્વા હોય છે. ખાસ તો કેન્દ્ર સરકારના અધિકારીઓ કહે તેમાં જ બધા હા એ હા કરે છે. હવે અધિકારીઓને રોજિંદા જીવનની તકલીફોથી સારોકાર ન હોય તો તે કાંઇ પણ કરી શકે છે, જે આ વખતે દેખાયું છે! પણ વ્યવહારમાં ભલે બધું અધિકારીઓ કરતા હોય, કાયદાની રીતે અને બંધારણીય રીતે આ જવાબદારી નાણાંમંત્રીની છે. રાજયોના નાણાંમંત્રીઓની છે.

જીએસટી કાઉન્સીલમાં એકલા ભાજપના સભ્યો ન હોય! તેમાં દેશનાં તમામ રાજયોના પ્રતિનિધિઓ છે! હાલ જીવનજરૂરી ચીજવસ્તુઓના પેકીંગ પર જીએસટી લાગ્યો ત્યારે વિરોધ કરનારા તમામ પક્ષોને પૂછવાનું મન થાય છે કે તમે કાઉન્સીલના સભ્ય તરીકે તમારો વિરોધ નોંધાવ્યો તો? આ નિર્ણય બહુમતીથી થયો છે કે સર્વાનુમતીથી! વળી કોંગ્રેસ, આપ, તૃણમૂલ જેવા તમામ રાજકીય પક્ષો જે રાજયોમાં પોતાની સરકાર ધરાવે છે તે પોતાના રાજયમાં દૂધ, દહીં, જેવી બાબતો પર રાજય જીએસટી માફ કરી દે! અને કેન્દ્ર જીએસટી ગ્રાહકને બદલે પોતે ભરી દે. ટૂંકમાં આ તમામ વસ્તુઓ પર પોતપોતાના રાજયમાં માફી આપે! તો સત્તાધારી ભાજપને જડબાંતોડ જવાબ આપી શકાશે! પણ પોતાની જવાબદારી નીભાવવાની નહીં અને પ્રજાને સત્તા પક્ષના ભરોસે છોડી દેવાની તે કયાંનો ન્યાય?

જીએસટીની જયારે પણ ચર્ચા આવશે ત્યારે સૌથી જૂની પાર્ટી અને ખાસ તો આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણ આ દેશમાં લાવનાર પાર્ટી તરીકે કોંગ્રેસે પોતે કરેલી ભૂલની જવાબદારી સ્વીકારવી પડશે! શા માટે વેરા ઉઘરાવવાની રાજયની સત્તા કેન્દ્રના ચરણે મૂકવાની પ્રક્રિયાનો વિરોધ ન કર્યો? તમને એટલી ખબર ન પડે કે બંધારણના ઘડવૈયાઓએ માત્ર આવક માટે રાજયોને વેરા ઉઘરાવવાની સત્તા નથી આપી!

રાજયના આર્થિક નિર્ણયોનું સ્વતંત્ર અસ્તિત્વ ટકે તે માટે આપી છે! ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે એટલે અમુક વસ્તુ અને સેવા અમુક રાજયની ખાસિયત હોય ત્યારે તેના પર વેરાનો નિર્ણય રાજય સ્તરે થાય તે જરૂરી હતું! મૂળમાં તો બહુ જ બધા જુદા જુદા નામે ઉઘરાવાતા વેરા એક જ નામે ઉઘરાવવાની તથા કરવેરાના દરોમાં રાજય વચ્ચે ખોટી સ્પર્ધા ન થાય! તે માટે એક ‘નીતિ’ની જરૂર હતી! હવે સમાન નીતિ બનાવવાના બદલે કેન્દ્રના કાબૂવાળી કેન્દ્રિત કરવેરાની વ્યવસ્થા કે ઇજારો સર્જાયો છે. અહીં રાજયો જ લાચાર છે તો રાજયની પ્રજાના તો શું હાલ થાય!  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top