SURAT

સુરત: પત્ની રસોઈ બનાવતી હતી ને લાગી આગ, પતિ આગથી ભભૂકતો સિલિન્ડર લઈ ભાગ્યો, પણ..

સુરત (Surat): સુરત શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં આવેલા સુખી નગરમાં ગુરૂવારે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં ગેસ લીકેજને (Gas Leakage) કારણે આગ (Fire) ફાટી નીકળી હતી, જેના લીધે એક પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) ખસેડાયા આવ્યા હતા. ઘટનાની ગંભીરતા પારખી શહેરના મેયર હેમાલી બોઘાવાલા પણ નવી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.

  • સુખીનગરના પ્લોટ નં. 24ના મકાનમાં આગ લાગી
  • કુશ્વાહા પરિવારના ચાર સભ્યો દાઝ્યા
  • તમામને સિવિલમાં સારવાર માટે ખસેડાયા
  • મેયર હેમાલી બોઘાવાલા ઈજાગ્રસ્તોની મદદે સિવિલમાં દોડી ગયા

ફાયર બ્રિગેડ અને ઘટના સ્થળના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરૂવારે રાત્રે પાંડેસરા વિસ્તારમાં સુખીનગરમાં નરેન્દ્ર કુશ્વાહ( 27 વર્ષ) પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની મીના(25 વર્ષ), દિકરો પ્રિયાંશ( 3 વર્ષ) અને બહેન શાલિની( 18 વર્ષ) છે. નરેન્દ્ર પાંડેસરામાં જ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મોડી સાંજે ઘરે આવ્યો હતો. તેની પત્ની રસોઈ બનાવતી હતી. આશરે પોણા નવ વાગે ગેસના બાટલામાંથી ગેસ લિકેજ થતા સામાન્ય આગ લાગી હતી. થોડા સમય પહેલા જ નોકરી પરથી આવેલો નરેન્દ્ર ગેસના બાટલાને (Gas Bottle) ઝડપથી ઘરની બહાર લઈ જતો હતો. તેવામાં તેના હાથમાંથી ગેસનો બાટલો નીચે પડ્યો હતો. તેના કારણે આગ વધુ ફેલાઈ હતી. આગમાં નરેન્દ્ર ઉપરાંત તેની પત્ની મીના, દિકરો પ્રિયાંશ, બહેન શાલિની દાઝી ગયા હતાં. શાલિનીને પાંડેસરામાં તેરે નામ ચાર રસ્તા પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જ્યારે નરેન્દ્ર, મીના અને પ્રિયાંશને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો (Fire Brigade) કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લીધી હતી.

પાંડેસરા વિસ્તારમાં આવેલા સુખીનગરમાં ગેસ લીકેજની ઘટનાને પગલે ઘરમાં લાગેલી આગમાં ચાર લોકો દાઝી જતાં મેયર હેમાલીબેન દાઝી ગયેલા લોકોની મદદ અર્થે નવી સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પહોંચી ગયા હતા. મેયરે ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તંત્ર તમામ મદદ કરશે તેવું આશ્વસન આપ્યું હતું.

Most Popular

To Top