Comments

શું ઇતિહાસકારોએ સાચો ઇતિહાસ નથી લખ્યો એટલે ઇતિહાસનાં પાઠયપુસ્તકો સુધારવા સરકારે નિર્ણય કર્યો છે?

આમ જોવા જઇએ તો દુનિયાના દરેક દેશમાં ઇતિહાસનાં પુસ્તકો લખાતાં આવ્યાં છે. આપણા દેશમાં તો પ્રાથમિક કક્ષાથી શરૂ કરી છેક માધ્યમિક કક્ષા સુધી તો ઇતિહાસ (History) એક યા બીજા સ્વરૂપે ફરજિયાત ભણાવાય છે. આજે શાળા કક્ષાએ ઇતિહાસ (History), સમાજ વિદ્યા (Social study)ના નામે ભણાવાય છે, જેમાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજયશાસ્ત્ર જેવા વિષયો પણ સમાવાયા છે. એસ.એસ.સી. બોર્ડમાં તેનું 100 ગુણનું પ્રશ્નપત્ર હોય છે. સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ ઇતિહાસ એક મુખ્ય વિષય તરીકે પણ ભણાવાય છે. આપણા વિદ્યાર્થીઓ, યુવાનો અને યુવતીઓના મનમાં એક વાત ઠસી ગઇ છે કે ઇતિહાસ એટલે સાલોની ગોખણપટ્ટી!

હજારો વર્ષો પહેલાં નાશ પામેલી સંસ્કૃતિ, ઘટનાઓનું અ-રસિક વર્ણન! આથી આજે પણ શાળા-કક્ષાએ વિદ્યાર્થીઓને સમાજવિદ્યા વિષય ભણવાનો કંટાળો આવે છે. જો કે આધુનિક ઇતિહાસ લેખનપદ્ધતિમાં સાલવારીને ઝાઝું મહત્ત્વ આપવામાં આવતું નથી બાકી આપણો વિદ્યાર્થી ઇ.સ. 1707 માં ઔરંગઝેબનું મૃત્યુ થયું અને ઇ.સ. 1710 થી મુઘલ સામ્રાજયનું વિસર્જન થયું તેની ગોખણપટ્ટીમાંથી બહાર આવ્યો છે. હકીકતમાં તો મોઘલ સામ્રાજય કે પછી કોઇ પણ સામ્રાજયના પતન કે વિસર્જન પાછળનાં કારણો કે કાર્ય-કારણ સંબંધ (Cause and effect relation ship) ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ તે થતું નથી! સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, ભારતમાં શરૂઆતથી જ ઇતિહાસલેખન ઉપર લક્ષ્ય કેન્દ્રિત થવું જોઇતું હતું તે થયું નથી. પરિણામે મધ્ય યુગ કે તે પૂર્વેના પ્રાચીન યુગના અંત સમયનો સાચો ઇતિહાસ આપણી પાસે નથી! બીજી તરફ પઠાણ તુર્ક, અફઘાન અને મુઘલ રાજાઓ ઇતિહાસલેખન બાબતે ખૂબ જ સભાન હતા અને ખૂબ જ કાળજી રાખતા હતા! દરબારી ઇતિહાસકારો ખૂબ જ સહજ રીતે રાજાના યશોગાન લખવા માટે હંમેશા આતુર રહેતા. આવું જ બ્રિટીશ ઇતિહાસકારો માટે પણ કહેવાતું હતું.

આ પૈકીના એક ઇતિહાસકાર પી.ઇ. રોબર્ટ્સ તો ભારતને એક સાંસ્કૃતિક એકમ તરીકે પણ સ્વીકારવા તૈયર નહોતા. તેથી તેમણે બ્રિટીશ યુગના ભારતના ઇતિહાસના પુસ્તકનું નામ, ‘હીસ્ટોરિકલ જયોગ્રાફ ઓફ ઇન્ડિયા’ આપ્યું હતું! આમ પહેલાં પઠાણ, તુર્ક, અફઘાન અને મુઘલ ઇતિહાસકારો અને પછી બ્રિટીશ ઇતિહાસકારો તેમજ તેમના રવાડે ચઢેલા ભારતના અને પશ્ચિમના કેટલાક ઇતિહાસકારોએ ભારતના ઇતિહાસને અત્યંત વિકૃત રીતે રજૂ કર્યો હતો જે એક નક્કર વાસ્તવિકતા છે. નવાઇની વાત તો એ છે કે આજે એ જ ઇતિહાસકારો પાછા, ઇતિહાસમાં ઓબ્જેકટીવીટી જળવાવી જોઇએ તેવી સુફિયાણી વાતો કરે છે. આપણા પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયી પણ ભારતીય ઇતિહાસ બાબતે નારાજ હતા. તેઓ માનતા હતા કે ભારતના ઇતિહાસમાં ઘણાં ક્ષતિ-દોષ છે અને તેને તાત્કાલિક અસરથી સુધારી લેવાં જોઇએ.

સર ફ્રાંસીસ બેકન આમ તો વૈજ્ઞાનિક હતા, પરંતુ તેથી વિશેષ મહાન ઇતિહાસકાર પણ હતા. તેમણે ઇતિહાસ લેખનપદ્ધતિ અને ઇતિહાસમાં તત્ત્વજ્ઞાન વિષે આધારભૂત સિદ્ધાંતો આપ્યા છે. તેમણે ઇતિહાસલેખનમાં ત્રણ મહત્ત્વની ક્ષતિઓથી દૂર રહેવાની સલાહ આપી છે. પહેલી ક્ષતિ- ‘ડિફોલ્ટ ઓફ ડીસ્ટોર્શન’- એટલે કે ઇતિહાસને મારી-મચડીને રજૂ કરવો. બીજી ક્ષતિ- ‘ડિફોલ્ટ ઓફ એગ્રેન્ડાઇઝમેન્ટ’ એટલે કે પોતાના દેશના ઇતિહાસને વધુ ભવ્ય રીતે રજૂ કરવો અને ત્રીજી ક્ષતિ- ‘ડિફોલ્ટ ઓફ કન્સીટ’ જેમાં દેશ, રાજય કે અન્ય પ્રજાઓની સિદ્ધિઓને ઇતિહાસ લખતી વખતે જાણી જોઇને દબાવી દેવામાં આવે છે.

પઠાણ, તુર્ક, અફતાન, મુઘલ અને બ્રિટીશ ઇતિહાસકારોએ ભારતના ઇતિહાસ સાથે ત્રણ રીતે ચેડાં કર્યાં છે. પહેલું તો તેમણે તેમની સિદ્ધિઓને બહુ મોટું સ્વરૂપ આપી દીધું છે. બીજું, પ્રાચીન યુગમાં કે રાજપૂત યુગમાં ભારતના રાજાઓએ મેળવેલી સિદ્ધિઓને નગણ્ય અને તુચ્છ ગણી છે અને ત્રીજું ઇતિહાસને બિનજરૂરી રીતે મારી મચડીને રજૂ કર્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આવી જ ક્ષતિઓથી આપણા ઘર આંગણાના ઇતિહાસકારો પણ પીડાઇ રહ્યા છે! આપણને ગુર્જર પ્રતિહાર સામ્રાજય, રાષ્ટ્રકુટ સામ્રાજય, પાલ સામ્રાજય કે મરાઠા મહારાજય વિષે સાચી અને આધારભૂત માહિતી જ નથી!

જાણીને નવાઇ લાગશે કે ઇશ્વરીપ્રસાદ જેવા ઇતિહાસકારે તો શહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણના કરેલા વધને યોગ્ય ઠેરવતાં લખ્યું છે કે, મધ્ય યુગના ઝનૂની યોદ્ધાઓ આ સિવાય બીજું કરી પણ શું શકે? બીજી તરફ ભારતના જ કેટલાક ડાબેરી ઇતિહાસકારોએ મહંમદ ગીઝની દ્વારા સોમનાથ મંદિરના કરેલા ધ્વંસ અને ત્યાં ચલાવેલી લૂંટ અંગે લખ્યું છે કે એક તરફ અતિ સમૃદ્ધ ભારત હતું તો બીજી તરફ ગરીબ અફઘાનિસ્તાન હતું, તો ગરીબ દેશની પ્રજા સમૃદ્ધ દેશની પ્રજાને લૂંટવા આતુર હોય તે સહજ અને સ્વાભાવિક જ છે! આવી વાહિયાત વાતોને પ્રમાણભૂત અને વિશ્વસનીય ગણી જ કેવી રીતે શકાય?

વર્ષો પહેલાં યશપાલ સમિતિએ વિદ્યાર્થીઓ ઉપર પાઠય પુસ્તકોનો બોજો ઘટાડવાના હેતુથી ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજયશાસ્ત્રને સંકલિત કરવાનો નિર્ણય કર્યો હતો, જેને સ્વીકારીને એન.સી.ઇ.આર.ટી. (ન્યૂ દિલ્હી) એ સમાજવિદ્યાનો નવો અભ્યાસક્રમ તૈયાર કર્યો હતો. તેમાં પણ રાજકારણ અને ભગવાકરણના આક્ષેપો થયા હતા.
આ લખનારે પણ ભૂતકાળમાં ગુજરાત રાજય શાળા પાઠય પુસ્તક મંડળ (ગાંધીનગર)માં શાળા-કક્ષાનાં પાઠય પુસ્તકોના લેખક અને સમીક્ષક તરીકે આંતરિક રાજકીય કાવાદાવાનો અનુભવ કર્યો હતો! હાલમાં જે ઇતિહાસનાં પ્રકરણો શાળા-કક્ષાએ શીખવવામાં આવે છે તે ક્ષતિયુકત નથી એમ કહેવું ભૂલભરેલું છે.

ઇતિહાસનાં પુસ્તકો ઐતિહાસિક સંશોધનો અને ભૂસ્તરશાસ્ત્રના આધારભૂત પુરાવાઓને આધારે જ લખાવાં જોઇએ. હાલમાં ભારતના જ એક ઇતિહાસકાર- ‘પુરુષોત્તમ નાગેશ ઓક’, જેને પી.એન. ઓકના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે તેનું અતિ ચર્ચાસ્પદ પુસ્તક: ‘તાજમહાલ: સાચી કહાણી’ 1989 માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં તેમણે ભૂસ્તરશાસ્ત્રના ઐતિહાસિક પુરાવાઓ ટાંકીને જાહેર કર્યું છે કે તાજમહાલ, એક પ્રાચીન શિવાલય હતો. તે ‘તાજમહા,’ નહિ પરંતુ ‘તેજોમહાલ’ હતો! કાબા (મક્કા) પણ હિંદુ મંદિર હતું! આજે આવું કોઇ કહે તો તેને ધાર્મિક લાગણી દુભાવવાનું મંતવ્ય કહેવામાં આવે. ‘ઓકે’ તો આ પુસ્તકમાં એટલે સુધી લખ્યું છે કે… ‘ભારતીય ઇતિહાસકારોએ દંતકથા, પૂર્વગ્રહો અને પશ્ચિમી તેમ જ ઇસ્લામીક અસરના અભિગ્રહો હેઠળ ખોટો ઇતિહાસ લખ્યો છે! ‘મિ. ઓકે’ ઇ.સ. 2000 માં સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો અને ત્યાં સાહસપૂર્વક તાજમહાલના અસ્તિત્વ વિશે ધારદાર રજૂઆતો કરી હતી! કમનસીબે તેમનું વર્ષ: 2007 માં અવસાન થયું.

સામાન્ય રીતે હવે કોઇ પણ વિષયના અભ્યાસક્રમની રચના અને પાઠયપુસ્તકલેખનની કામગીરી રાષ્ટ્રીય સ્તરે એન.સી.ઇ. આર.ટી. (ન્યૂ દિલ્હી) સંભાળે છે. જે અને તે શાળા કક્ષાએ શીખવવામાં આવે છે. ગુજરાત રાજયમાં આ કાર્ય જી.સી.ઇ.આર.ટી. (ગાંધીનગર) અને ગુજરાત રાજય શાળા-પાઠય પુસ્તક મંડળ (ગાંધીનગર) સંયુકત રીતે આ જવાબદારી સંભાળે છે. આજ કાલ હિંદુ સંસ્કૃતિ, હિંદુત્વ, ભારતીય અસ્મિતા, સનાતન ધર્મ, સંસ્કૃતિને પ્રાધાન્ય આપી શાળા-કોલેજ કક્ષાએ શીખવવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે તે કેટલો કારગત નિવડશે એ તો સમય જ કહેશે.
– વિનોદ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top