સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પોલીસનો કડક બંદોબસ્ત • કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર હથિયાર સાથે આરોપીઓની ધરપકડ
કરજણ:
વડોદરા ગ્રામ્ય પોલીસે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ‘ઓપરેશન પરાક્રમ’ નામનું વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખનાર, ખરીદ-વેચાણમાં સંડોવાયેલા તેમજ ગુનાખોરી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ઇસમો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરી દરમિયાન પી.કે. સોઢા (પોલીસ ઇન્સ્પેક્ટર, SOG વડોદરા ગ્રામ્ય)ના માર્ગદર્શન હેઠળ પી.જે. પટેલ અને એચ.એમ. જાળીયા (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) સહિતની ટીમોએ અલગ-અલગ દળો બનાવી જિલ્લાભરમાં સક્રિય તપાસ હાથ ધરી હતી.
તે દરમિયાન કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન SOG ટીમને બાતમી મળી હતી કે બે ઇસમો મોટરસાયકલ નંબર GJ-06-SN-3659 પર ગેરકાયદેસર હથિયાર સાથે અઝી કુરાલીથી ગણપતપુરા તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે કુરાલી ગામની સીમમાં વોચ ગોઠવી કાર્યવાહી કરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન મોબીનભાઈ મતાભાદ અને અમીનભાઈ હકીમભાઈ ગજુ (સિંધી) નામના બે ઇસમોને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A) અને 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા ગ્રામ્ય પોલીસની આ કામગીરીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ચૂંટણી પૂર્વે સુરક્ષા માહોલ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે.
રિપોર્ટર: મુકેશ અઠોરા