Comments

કલ્પસર : વિકાસના નામે સૌરાષ્ટ્રની કોણીએ ગોળ

સૌરાષ્ટ્રના મુખ્ય છ જિલ્લાઓના કલ્યાણ હેતુ માટે વર્ષ ૧૯૬૨ માં સાંસદ ભોગીલાલ શાહે રજૂ કરેલા પ્રસ્તાવમાં ખંભાતના અખાતના બે છેડા ભાવનગર અને દહેજ વચ્ચે લંબાઇમાં ૩૦ કિલોમીટર પહોળાઈમાં ૧૦૦ મીટર અને ઊંચાઈમાં ૫૧ ફૂટનો બંધ તૈયાર કરવા દરખાસ્ત મૂકવામાં આવી. આજથી ૫૩ વર્ષ પહેલાં મુકાયેલ સૈદ્ધાંતિક મુસદ્દામાં જણાવ્યું કે અંદાજિત ૧૫૭.૦૦૦ કરોડના ખર્ચથી તૈયાર થનાર આડબંધથી સાબરમતી, ઢાઢર અને મહી જેવી બારમાસી નદી તથા કાળુભાર અને રંઘોળી નદીમાં વહેતું સોમાયું પાણી દરિયામાં ઠલવાતું અટકશે.

આગામી ૩૫૦ થી ૪૦૦ વર્ષ માટે ૨૪૦૦ ચોરસ કિલોમીટર માં વાર્ષિક ૧૦,૦૦૦ ઘન મીટર જળ રાશિનો સંગ્રહ થતાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની ૧૧ લાખ હેક્ટર કૃષિ જમીન માટે મીઠું પાણી ઉપલબ્ધ થશે. ગુજરાતના આંગણે સેટેલાઈટથી ઓળખી શકાય તેવું વિશાળ કલ્પસર થકી સૌરાષ્ટ્રની ખડકાળ જમીન (બેસાલ્ટ રોક) ઉપર ૫૦૦૦ ક્યુસેક મીટર વહન કરતી ૩૫૦ થી ૪૦૦ કિલોમીટરની કેનાલ નેટવર્કથી ૧૦ લાખ હેક્ટર જમીનમાં સરેરાશ ૨૦ થી ૩૦ સેન્ટીમીટર (આઠથી દસ પાણ) પાણી ઉપલબ્ધ થશે અને વિસ્તારની કુલ કૃષિ ભૂમિનો ૪૬ ટકા વિસ્તાર સિંચાઈથી લાભાન્વિત થશે.

 સરદાર સરોવર નર્મદા બંધ યોજના પછી ગુજરાતની બીજી મહત્ત્વાકાંક્ષી યોજનામાં બીજાં કોઈ રાજ્યોની જમીન ડુબમાં જતી નથી. આથી આંતર રાજ્ય હિતોના ટકરાવ કે વિશ્વ બેંકની દખલ રહેવાની નથી. તેમ માનવીય પુનર્વસનની વિશેષ ટ્રિબ્યુનલ જવાબદારીથી નિવારણ મળે છે. આ વાતને કલ્પસરના માધ્યમ થકી રજૂ કરતાં પર્યાવરણવિદ્ શ્રી વિનુભાઈ ગાંધી, સ્વામી માર્ગ્યસ્મિત અને સાથી વૃંદ થકી લખાયેલ પુસ્તિકા “સમસ્ત ગુજરાતનાં સંતુલિત વિકાસ માટેના સ્રોત કલ્પસર સરોવર” (મે-૨૦૨૪) માં દર્દભર્યું નિવેદન પ્રશ્ન તરીકે રજૂ કરાય છે. કે “ભારતીય સંસ્કૃતિમાં કિંમત કરતાં મૂલ્યને વિશેષ મહત્ત્વ આપતું રહ્યું છે. ત્યારે વિકસિત રહેવાની હરોળમાં દેશ કોમન વેલ્થ રમતોત્સવ અને મેટ્રોમાં પ્રામાણિક ટેક્સ પેયરના નાણાં ફાળવી શકે તો પેઢી દર પેઢી જીવનદાયી વિકાસ માટે શા માટે રોકાણ નહીં!”

 જો કે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર શિપના ખ્યાલ તરીકે મુકાયેલ દરખાસ્તની નોંધ ગુજરાત સરકાર કે પછી ભારત સરકારે ગંભીરતાથી લીધી નથી. આથી કલ્પસર અંગે ફેઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરવા ૨૪ વર્ષ પહેલાં (૧૧-૯-૨૦૦૨) નરેન્દ્રભાઇએ રૂ.૮૪ કરોડ મંજૂર કરેલા તે પછી ૨૦૧૮ માં બીજા ૧૪.૮ કરોડની ફાળવણી કરાઇ છે. પરંતુ સૌરાષ્ટ્રની લાગણીશીલ પ્રજાની માતબર માંગણીને જીવદયા તરીકે પણ ગ્રાહ્ય ન રખાતા અંતે કલ્પસર પોલિટિકલ હેંગોવરની સ્થિતિમાં કાગળ ઉપર જોવા મળે છે.  રાષ્ટ્રની બંધારણીય ન્યાયિક વ્યવસ્થા પણ તમામ યોજનાઓમાં માનવ અને પર્યાવરણની સલામતી માટેનાં ધોરણો જળવાય તેવો આગ્રહ હોઈ કલ્પસર યોજનાનો પારદર્શી ડી. પી. આર. સરકાર આમ જનતા સામે મૂકે તે અનિવાર્ય બને છે. આ સંદર્ભમાં પણ કલ્પસર માટે આશાવાદી જૂથે વિચારવું રહ્યું કે

(૧) માત્ર સૌરાષ્ટ્ર માટેની કલ્પસર યોજનાના જંગી ખર્ચ અને ગુજરાતની હાલની ખેડૂત વસ્તી જોતાં એક વ્યક્તિના ભાગે લગભગ રૂ. ૬૦,૩૮૫ નો ખર્ચ થાય ત્યારે પ્રશ્ન રહે કે સૌરાષ્ટ્રના ૨૬ થી ૨૭ લાખ ખાતેદાર ખેડૂતો માટે ૭ કરોડ પ્રજા પોતાની કમાણીમાંથી ખર્ચ કરે? (૨) ખંભાતના અખાતમાં જ્યાં ૩૪૮ મીટર સીલટિંગ છે તેના ઉપર ૪.૭ કરોડ ઘન મીટર માટી અને ૧૨ કરોડ ઘન મીટર જેટલું ડ્રેજિંગ- ફિલિંગ માટે .૪ કરોડ ઘન મીટર રેતી અને ૨૦.૪ કરોડ ઘનમીટર પત્થરનું ડેડ-વેઇટ ઉપરાંત ડેમ ઉપર તૈયાર થનાર રસ્તા ઉપર પ્રતિદિન ૬૦ થી ૭૦ હજાર હેવી વ્હેહિકલનું થ્રસ્ટ, કાંપ પુરાણની ભીની માટી જીલી શકાશે?

(૩) વન અને પર્યાવરણ સંરક્ષણ માટે યુનો સાથે વિશ્વના લોકશાહી દેશોની સમજૂતી અનુસાર ખંભાતના અખાતની ૧૭૨ હેક્ટર વન્ય જમીન ઉપર તળાવ કરવા માટે ગુજરાતની વિધાનસભાએ લોકસભા અને રાજ્યસભાની મંજૂરી મેળવવી ઘટે. (૪) ખંભાતના અખાતમાં એકત્ર પાણી દરિયાની સપાટીથી પણ નીચે -૦ લેવલ ઉપર એકત્ર થાય છે. ત્યારે આ પાણીને ૪ થી ૫ મીટર ઊંચાઈની કેનાલમાં વહેવડાવવા માટે જરૂરી પાવર અને વિશાળ ઓઇલ પંપની ટેકનોલોજી અને ખર્ચનું વ્યવસ્થાપન કેવી રીતે થશે?

(૫) ખંભાતના અખાતમાં દહેજ અને વડોદરા પેટ્રોકેમિકલ્સનું એફલયુઅંટ, ખાતર અને કાપડ ડાઇંગ તેમજ અમદાવાદના ફાર્માશુટીકલ્સનો કચરો ઠલવાય છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ હબ જેવા અંકલેશ્વર, ભરૂચ અને વટવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનના વેસ્ટ ઉપરાંત અલંગના ઓઇલ વેસ્ટના લીધે અખાતની જૈવિક વિવિધતા અને માછીમારીના પ્રશ્નો આજે પણ ઊભા છે ત્યારે અખાતમાં કૃષિ માટે જળસંગ્રહ અને તેની કૃષિલાયક ગુણવત્તા પ્રશ્ન બને છે!!!

સ-વિશેષ ઇન્ડસ્ટ્રીયલ એફયુઅંટનો દરિયાના ઊંડાણ સુધી પાઇપ લાઇન દ્વારા નિકાલ બીજો એક ડેમ બનાવવા જેટલું ખર્ચાળ બનશે? (૬) ક્ષારયુક્ત ખંભાતની ખાડીમાં જૂનથી ઓગસ્ટ માસમાં પ્રાકૃતિક રીતે સંગ્રહિત વરસાદી પાણી નવેમ્બર ડિસેમ્બરમાં આજે પણ કડવું ખારું બની જાય છે. કલ્પસર બનતાં અખાતનો ક્ષાર સંગ્રહિત પાણી ઉપર પથરાશે તેમ પેટાળનો ક્ષાર રાસાયણિક રીતે ઉપર આવતા રોકી શકાય તેમ નથી ત્યારે કલ્પસરમાં સંગ્રહિત પાણીમાં વધતાં પી. એચનું પાણી પછીથી કૃષિલાયક રહેશે?

 ગાંધીસરની મૂળ કલ્પનાને ખાંભાત વિકાસની પરિયોજના તરીકે જોનાર નર્મદા જળસંપતિ વિભાગના તા.૪ એપ્રિલ ૨૦૧૧ ના પરિપત્રમાં ઉપ-સચિવે સ્પષ્ટતા કરી છે, મૂળ યોજનામાંથી ટાઈડલ પાવર સ્ટેશન માટેનું પ્રાવધાન, તેમ સરદાર સરોવરનું વધારાનું પાણી ભાડાભૂત બેરેજમાંજ રાખવાની સ્પષ્ટતા પછી પણ ડેમ કોરિડોર ની પથ રૂપરેખા અંગેની ચેન્નાઈ બેઠક (૨૮ નવેમ્બર ૨૦૧૦) પછી ૧૬ વર્ષ વિત્યા છે છતાં કલ્પસર યોજનાની અમલવારી માટે ડી.પી. આર. તો તૈયાર નથી પણ ખંભાતના ઉપરવાસે એરપોર્ટ બંદર અને ઉદ્યોગોનું જંગી રોકાણ સાકાર બની રહ્યાનું જોવા મળે છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકીય નેતૃત્વએ કલ્પસર નામે પોલિટિકલ હેંગોવરમાંથી પ્રજાને મુક્ત કરવી રહી અને પ્રજાએ પણ વાસ્તવ દર્શનથી દિવાસ્વપ્ન છોડવું રહ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top