નેટફ્લિક્સની વિશ્વપ્રસિદ્ધ વેબ સિરીઝ ‘મની હેઇસ્ટ’ (લા કાસા ડી પેપલ) ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. કારણ છે તાજેતરમાં રિલીઝ થયેલું એક નવું ટીઝર, જેમાં અલ્વારો મોર્ટે ફરી પ્રોફેસરના પોતાના આઇકોનિક અવતારમાં જોવા મળ્યા છે. આ ટીઝર બહાર આવતા જ સોશિયલ મીડિયા પર સીઝન 6ને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નેટફ્લિક્સ સ્પેનના સત્તાવાર હેન્ડલ દ્વારા શેર કરાયેલા આ ટીઝરમાં મની હેઇસ્ટની ઓળખ બની ચૂકેલા લાલ જમ્પસૂટ, સાલ્વાડોર ડાલી માસ્ક અને પ્રખ્યાત ગીત બેલા સિયાઓ ફરી સાંભળવા મળે છે. ટીઝરના અંતે દેખાતી લાઇન, ‘The World of Money Heist Continues’ ચાહકો માટે સૌથી મોટો સંકેત બની છે કે આ સ્ટોરી હજુ પૂરી થઈ નથી. નેટફ્લિક્સ ઇન્ડિયાએ પણ આ ટીઝર શેર કરીને “Bella Ciao Forever” લખ્યું હતું, જેના કારણે ભારતીય ચાહકોમાં પણ ઉત્સાહ વધુ વધી ગયો છે. ખાસ કરીને ભારતમાં આ સિરીઝને હિન્દી, તમિલ અને તેલુગુ ડબ વર્ઝન સાથે ભારે લોકપ્રિયતા મળી હતી.
ટીઝરમાં પ્રોફેસર ઘણા માસ્ક પહેરેલા લોકોની વચ્ચે ઉભેલા જોવા મળે છે. પાછળ વાગતું “Bella Ciao”નું નવું વર્ઝન ફરી એકવાર જૂની યાદો તાજી કરી દે છે. Netflix Spainએ ટીઝરને કેપ્શન આપ્યું હતું કે સ્વપ્ન હજુ ચાલુ છે અને Money Heistનું બ્રહ્માંડ હવે વધુ વિસ્તરશે. જોકે Netflix દ્વારા હજુ સુધી સીઝન 6ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટીઝરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે Money Heistની દુનિયા હજુ સમાપ્ત થઈ નથી. સ્પેનિશ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિરીઝના સર્જક એલેક્સ પીનાની પ્રોડક્શન કંપની Vancouver Media હાલમાં કર્નલ તમાયોના પાત્ર પર આધારિત ચાર એપિસોડની મિનિસીરીઝ તૈયાર કરી રહી છે. આ સમગ્ર ચર્ચા વચ્ચે વધુ એક મહત્વની વાત એ છે કે ‘Berlin Season 2’ પણ 15 મે, 2026ના રોજ સ્ટ્રીમ થવા જઈ રહી છે. તેથી ચાહકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. પરંતુ ટીઝર દ્વારા એટલો સંકેત જરૂર આપ્યો છે કે “ક્રાંતિ હજુ પૂરી નથી.”
મની હેઇસ્ટની શરૂઆત 2017માં થઈ હતી અને થોડા સમયમાં જ આ સ્પેનિશ સિરીઝ વૈશ્વિક સ્તરે સુપરહિટ બની ગઈ હતી. સ્ટોરી મુખ્યત્વે સ્પેનના રોયલ મિન્ટ અને બાદમાં બેંક ઓફ સ્પેન પર થયેલી લૂંટની આસપાસ કેન્દ્રિત હતી. પ્રોફેસર તરીકે અલ્વારો મોર્ટેનું પાત્ર આ સિરીઝનું સૌથી મજબૂત અને લોકપ્રિય પાત્ર બન્યું હતું. 2021માં સિરીઝની પાંચમી સીઝન સાથે મૂળ કથા પૂર્ણ થઈ ગઈ હતી, છતાં ચાહકો આજે પણ આ દુનિયાથી જોડાયેલા છે. “Bella Ciao” ગીત માત્ર એક ગીત નહીં પરંતુ યુવાનો માટે વિરોધ અને એકતાનું પ્રતીક બની ગયું હતું. હવે નવા ટીઝર બાદ ચાહકો ફરી એકવાર ઉત્સાહિત થયા છે.