નેટફ્લિક્સ પર પ્રસારિત થતા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના લેટેસ્ટ એપિસોડ બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. લાફ્ટર ડે સ્પેશિયલ એપિસોડમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા અને સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા, પરંતુ સૌથી વધુ ચર્ચા જાણીતા કોમેડિયન સુનીલ પાલની એન્ટ્રી અને તેમની સાથે થયેલી રોસ્ટિંગને લઈને થઈ રહી છે. શો દરમિયાન સમય રૈના અને સુનીલ પાલ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. બંને વચ્ચે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો, કારણ કે અગાઉ સુનીલ પાલે સમય રૈનાને લઈને કેટલીક ટીકા કરી હતી. એપિસોડ દરમિયાન કપિલ શર્મા અને સમય રૈનાએ મળીને સુનીલ પાલને રોસ્ટ કર્યા હતા, જેના પછી સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ એવો આરોપ લગાવ્યો કે સુનીલ પાલને માત્ર મજાક અને અપમાન માટે જ શોમાં બોલાવવામાં આવ્યા હતા.
હવે આ સમગ્ર વિવાદ પર સુનીલ પાલે ખુલીને પ્રતિક્રિયા આપી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવ્યું કે, તેમને પહેલા કહેવામાં આવ્યું હતું કે શોમાં સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા હાજર રહેશે અને તેમને પોતાનું સ્ટેન્ડઅપ પરફોર્મન્સ આપવાનું રહેશે. તેઓ તે મુજબ તૈયારી કરીને શોમાં પહોંચ્યા હતા. સુનીલ પાલે આગળ કહ્યું કે, જે કંઈ દર્શકોએ ટીવી પર જોયું તે સંપૂર્ણપણે અચાનક થયું હતું. તેમણે જણાવ્યું કે, “મારે લાગ્યું હતું કે હું સ્ટેન્ડઅપ કોમેડી કરીશ, પરંતુ ત્યાં જે વાતાવરણ બન્યું તે અલગ જ હતું.” જોકે, તેમણે આ સમગ્ર ઘટનાને દગો ગણાવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હું તેને છેતરપિંડી નહીં કહું, પરંતુ હા, જે વિચારીને ગયો હતો તે થયું નહીં.” સુનીલ પાલે આ પણ જણાવ્યું કે રોસ્ટિંગ આજકાલ કોમેડી શોઝનો એક ભાગ બની ગયો છે અને તેમને આ બાબતનું ખાસ ખોટું લાગ્યું નથી.
કોમેડિયને વધુમાં કહ્યું કે જો તેઓ ઇચ્છતા, તો વળતો જવાબ પણ આપી શકતા હતા, પરંતુ તેમણે વાતને વધુ ન વધારવાનું પસંદ કર્યું. તેમના આ નિવેદન બાદ હવે સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા શરૂ થઈ છે કે શું ખરેખર આ બધું માત્ર મનોરંજન માટે હતું કે પછી સુનીલ પાલને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. શોનો આ એપિસોડ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ પણ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો સમય રૈના અને કપિલના સપોર્ટમાં છે, તો કેટલાક લોકોનું માનવું છે કે સિનિયર કોમેડિયન સાથે આ પ્રકારની મજાક કરવી યોગ્ય નહોતી.