SURAT

સુરતીઓની પ્રિય કેસરનો ભાવ ગગડીને 800 રૂપિયે મણ છતાં ખરીદીમાં નિરાશા

સુરત: તાઉતે વાવાઝોડા (Tauktae cyclone)ને લીધે દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurastra)માં આવેલી આંબાવાડીઓને વ્યાપક નુકશાન થયું છે. બીજી તરફ વાવાઝોડા સાથે વરસાદ પડે તેના અગાઉના દિવસોમાં બેડેલી(ઉતારવામાં આવેલી) કેસર કેરીનો ભાવ અચાનક ગગડી જતા ખેડૂતો અને વાડીઓ કોન્ટ્રાક્ટ પર રાખનાર વેપારીઓની હાલત કફોડી થઇ છે.

વાવાઝોડા પછી વેચાઇ રહેલી તમામ કેરી (mango)ઓ આંબા પરથી પડી ગઇ હોવાની અફવા ફેલાતા સુરત એપીએમસી (apmc)માં જ્યા ગીર-તલાલા અને નવસારી, વલસાડની મણ કેસર (Kesar)કેરીનો ભાવ 1200થી 1300 રૂપિયા હતો તે કેરીનો ભાવ ઘટીને 800થી 900 રૂપિયા થવા છતાં ખરીદદારો ફરકતા નથી. માર્કેટ યાર્ડમાં કેરીના ઢગલા થયા છે.

સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઇ શેખનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે માર્કેટમાં વેચાતી કેરી એ બેડેલી કેરી છે. વાવાઝોડાને કારણે ટૂટેલી કેરી નથી. વરસાદ અને વાવાઝોડાને કારણે જે કેરી આંબા પરથી ખરી પડી છે. તે પાકી શકે તેમ નહોવાથી આ કેરી કેનિંગ ઇન્ડસ્ટ્રી વાળા અથાણા માટે ખરીદી કરી ગયા છે. સુરતમાં સુરતી સમાજમાં એવી માન્યતા છે કે વરસાદના છાંટા પડેલી કેરી આરોગ્ય માટે નુકશાન કારક છે. વાવાઝોડા અને વરસાદને લીધે કેરી પડી હોય તો તેની ખરીદી કરવામાં આવતી નથી. આ માન્યતાને લીધે કેરી બેડીને એટલે કે આંબા પરથી ઉતારીને વેચાણમાં આવી હોવા છતા તેના વેપારને અસર થઇ રહી છે. બીજુ એક મહત્વનું કારણ કોરોના સંક્રમણ પણ છે. ખેડૂતો અને ખેતમજૂરો કેરી ઉતારતી વખતે કેરીને સ્પર્શ કરતા હોવાથી જે ઘરોમાં સીનિયર સિટિઝન છે ત્યાં કેરીની ખરીદી ઓછી થઇ છે. જોકે કેરી પાકી ગયા પછી સાદા પાણીમાં ધોઇ લેવાથી કોઇ નુકશાન થતું નથી.

ગવાર, ભીંડા, રીંગણ, ગિલોડાના ભાવો વધ્યા, ટામેટા, મરચા, આદુ અને લીંબુના ભાવ નવી આવકથી તૂટ્યા

સુરત એપીએમસીમાં ટામેટા, મરચા, આદુ, લીંબુની આવક વધતા ભાવો સતત ઘટી રહ્યા છે. સુરતમાં ઉનાળાની આકરી ગરમી અને કોરોનાની બીજી લહેરમાં લીંબુનો વપરાશ વધતા એક સમયે છૂટક લીંબુનો ભાવ કિલોએ 100થી 120 થયો હતો. હવે લીંબુનો મબલખ પાક આવતા 20 કિલો લીંબુનો ભાવ એપીએમસીમાં આજે 600થી 800 રૂપિયા બોલાયો હતો. જ્યારે વાવાઝોડાને પગલે રાજ્યમાંથી ગવાર, ભીંડા, ગિલોડા, સરગવાની સીંગ અને રીંગણના ભાવો વધ્યા છે. એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખે જણાવ્યું હતું કે 29 એપ્રિલે 20 કિલો રીંગણના ભાવ 80થી 100 રૂપિયા હતા જે 29 મેના રોજ 400થી 500 રૂપિયા થયા છે.

આ શાકભાજીના ભાવ વધ્યા

શાકભાજી 29 એપ્રિલનો ભાવ 29 મેનો ભાવ
ગવાર 460-480 900-1000
ભીંડા 300-350 500-550
ગિલોડા 200-260 500-600
સરગવો 300-340 500-560
રીંગણ 80-100 400-500

આ શાકભાજીના ભાવ ઘટ્યા

શાકભાજી 29 એપ્રિલનો ભાવ 29 મેનો ભાવ
ટામેટા 301-341 221-281
મરચા 500-550 300-360
આદુ 300-340 260-320
લીંબુ 1000-1200 600-800

Most Popular

To Top