Comments

‘‘રાષ્ટ્રિયકક્ષાએ વૈકલ્પિક શિક્ષણનીતિનો વિચાર પણ કરી રાખવો જોઈએ!’’

સામાન્ય સંજોગો હોત તો આ નવા શૈક્ષણિક સત્રથી ભારતમાં નવી શિક્ષણનીતિ  લાગુ થવાની હતી. પણ હવે તો જૂની શૈક્ષણિક નીતિ મુજબ પણ શિક્ષણ ચલાવવું  અઘરું છે. આમ તો શિક્ષણની આખી જ વ્યવસ્થા વિકેન્દ્રિત અને નાના-નાના લેવલે સ્વતંત્ર  હોય તે ઈચ્છનીય આદર્શ છે. જેમ કે પુરાણા ભારતની આશ્રમવ્યવસ્થા પણ  આધુનિક સમયમાં ઔપચારિક શિક્ષણનું મહત્ત્વ અને આંતર રાષ્ટ્રિય સ્તરે  એકરૂપતા માટે નિયમબધ્ધ માળખામાં અપાતા શિક્ષણની પણ જરૂર છે જ અને  ભારત જેવા વિશાળ દેશમાં કાયદાની એકરૂપતા પણ જરૂરી છે.એમાંય જ્યાં  ‘‘સરકાર કરે સો હોય’’-એમ માનનારી પ્રજા કે અધિકારીઓ હોય ત્યાં સરકારે  વેળાસર કેટલાક નિર્ણયો કરવા પડે!

મહાભારત કાળની એક પંક્તિ ‘‘સમય સમય બળવાન હૈ નહિ મનુષ્ય બળવાન.કાબે અર્જુન લૂંટીયો વહિ ધનુષ વહિ બાણ. આજે સરકાર માટે સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ જે સરકાર પોતાના  ત્વરિત નિર્ણય અને ઝડપી એક્શન માટે જાણીતી હતી તે જ સરકાર કોરોના વેક્સીનથી માંડીને શાળામાં ફી કે શિક્ષણના વિકલ્પો કે પરીક્ષાઓના વેળાસર નિર્ણયો કરી  શકી નથી અને પોતાની જ કાર્યક્ષમતા સામે પોતે પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.  આરોગ્યની દેખીતી અને ચિંતાજનક સ્થિતિની ચર્ચામાં શિક્ષણ જેવી લાંબે ગાળે  અસર કરનારી બાબતમાં જે નુકસાન થઈ રહ્યું છે તેની ચર્ચા ઓછી છે.

ખેર, શું થઈ શક્યું હોત ની ચર્ચા કરવા કરતાં હજુ શું થઈ શકે તેમ છે તેનો વિચાર  કરવો જોઈએ, જેથી આવનારા સમયમાં સ્થિતિને સંભાળી શકાય.

સૌ પ્રથમ તો કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે તાત્કાલિક અસરથી વિદ્વાનો,  તજજ્ઞો, મનોવૈજ્ઞાનિકોની સાથે ચર્ચા શરૂ કરી દેવી જોઈએ કે સાંપ્રત સ્થિતિમાં  શિક્ષણ કેવી રીતે, ક્યા સ્વરૂપે ચલાવી શકાય! છ માસિક કે વાર્ષિક પેટર્નથી ચાલતા  કોર્ષને ચાર અને આઠ મહિનાના ગાળામાં ટુંકાવી શકાય કે નહિ? નવી સ્થિતિમાં  વિદ્યાર્થીની કેળવણીનું મૂલ્યાંકન કઈ રીતે કરવું! સતત મૂલ્યાંકનની કઈ પ્રવિધિઓ  સત્રના પહેલા દિવસથી જ અમલી બનાવીએ કે જે કોરોનાકાળમાં ઉપયોગી નિવડે! 

ખરેખર દરેક શિક્ષક, શિક્ષણાધિકારી, શાળા પોતપોતાની રીતે મનફાવે તેવા તુક્કા  દોડાવે એના બદલે વૈકલ્પિક ફ્રેમવર્ક બનાવવું જોઈએ. પ્રાથમિક શિક્ષણ માટે,  માધ્યમિક શિક્ષણ માટે અને કોલેજ શિક્ષણ માટે જે મુજબ આવનારા વર્ષમાં શિક્ષણ  ચાલે! શિક્ષણની એકરૂપતા જાળવવા અને શિક્ષણના સ્તરને રાષ્ટ્રિય કક્ષાએ  જાળવવા માટે આ વરસ-બે વરસ માટેનો ખાસ પાઠ્યક્રમ નક્કી કરવો જોઈએ કે  વિદ્યાર્થીને આટલું તો આવડવું જ જોઈએ!

સરકાર ઈચ્છે તો આવનારા એક-બે વર્ષ માટે ખાસ શાળા કોલેજોને માન્યતા આપી  શકે, જેમાં સંપૂર્ણ સુવિધાવાળા ઓનલાઈન કોર્ષ ભણાવી શકાય અને સાથે વર્ગખંડ  શિક્ષણ માટે શાળાના નાના નાના યુનિયને ખાસ કિસ્સામાં મંજૂરી આપવી જોઈએ.  જ્યાં ઓછા વર્ગ ઓછી સંખ્યા સાથે ચાલે. શાળા કોલેજોને પોતાના કેમ્પસ-પરિસર  બહાર નાના-નાના યુનિટમાં શિક્ષણ ચલાવવાની મંજૂરી આપી શકાય અને જેમ  આપત્તિમાં હોસ્પિટલો ખોલવામાં આવે છે.

ડોક્ટર નર્સની ભરતી કરવમાં આવે છે  તેવી જ રીતે શિક્ષકોની મોટા પાયે ભરતી કરવામાં આવે અને વીસ-વીસ  વિદ્યાર્થીના વર્ગખંડ બનાવી ઘરની નજીક ઓછામાં ઓછા અપ-ડાઉન તથા  ઓછામાં ઓછી ભીડ સાથે શાળાઓ ચલાવી શકાય. પણ એક વાત તો નક્કી છે કે  આ શૈક્ષણિક સત્રને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે તે છૂટવાનું નથી. માટે આખા  શિક્ષણતંત્રને મોબાઈલને આશરે છોડી દેવું યોગ્ય નથી. સાચો રસ્તો એ છે કે  તજજ્ઞો આવનારા બે વર્ષ માટે રાષ્ટ્રિય શિક્ષણનીતિ ઘડી નાખે, જેમાં  શિક્ષણ-પરીક્ષણના નવા રસ્તા હોય અને કોરોના સંક્રમણ વચ્ચે પણ શિક્ષણ ચાલુ  હોય.

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top