Comments

જબ ‘ફેફડાં’ હી તૂટ ગયા..!

દિલ તે દિલ છે યાર..! અમુક ચહેરા ફોટામાં જ સારા લાગે, એમ હૃદય પણ ફોટામાં જ સારું લાગે. બાકી છૂટું પાડીને આપ્યું હોય તો ‘ચલો દિલદાર’ બોલવાનું પણ ભૂલી જાય.! શરીરમાં માત્ર હૃદયનો જ વસવાટ છે, એવું નથી..! ફેફસાં પણ આદિકાળથી હૃદયના પાડોશી છે. છતાં પ્રેયસીએ કે કોઈ પાગલ ‘પ્રેયસા’એ ક્યારેય ફેફડાંના સોગંદ ખાઈને ‘લવ-ઓર્ડર’ આપ્યા કે લીધા નથી. એક પણ લુખેશે એવું ના કહ્યું હોય કે, ‘મારા ફેફડાંના સોગંદ ખાઈને કહું છું કે, I LOVE YOU  મેરી જાન..!’  કહેવા જાય તો, કાગડી પોપટને ‘પોપટ મીઠ્ઠું’ કહેતી હોય તેવું લાગે..!’

દિલ એટલે દિલ યાર..! ખોબા જેવડું દિલ છે, પણ દરિયો ભરાઈ જાય, એટલાં એમાં પ્રેમથી  ફસાયેલાં છે..! એમાં કવિ, કલાકાર અને ફિલ્લમવાળાએ તો દિલનો  કચ્ચરઘાણ કાઢી નાંખ્યો..! જેટલો ઘાણ દિલનો કાઢ્યો, એટલો જઠર-આંતરડા-કલેજું-કાન-કપાળ કે ફેફસાંનો કાઢ્યો નથી. દિલની જગ્યાએ શરીરના બીજા ઢગલાબંધ અંગ-ઉપાંગને અડફટે લીધાં હોત, તો કોઈ ખજાનો લુંટાઈ જવાનો ના હતો. ધારો કે, ‘દિલ હૈ કી માનતા નહિ’ ને બદલે ‘ફેફડાં હૈ કી માનતા નહિ’ લીધું હોત તો..? 

‘દિલ એક મંદિર’ ને બદલે ‘જઠર એક મંદિર’ રાખ્યું હોત તો..?  ‘ચોરીચોરી’ ફિલ્મનું ખૂબ ચગેલું ગીત, ‘રસિક બલમા દિલ કયું લગાયા’ ને બદલે ‘રસિક બલમા ટાંગ કયું લગાયા’ ચલાવ્યું હોત તો..? એમાં જ્યારે જ્યારે કસ્સમ ખાવાની વાત આવે ત્યારે તો પીઝા ને બર્ગર ઉલેળતા હોય, એમ  દિલનો ઉપયોગ કરે..!  હરામ્મ બરાબર જો કોઈએ, આંખ-કાન-કમર-છાતી-પીઠ-બરડા કે ડોઝણાના કસ્સમ ખાઈને પ્રેમના એકરાર કર્યા હોય તો..! સ્વપ્નું પણ દિલ અને દિલદારનું જ આવે, ને દિલમાં જ ધામો નાંખે. કોઈને બગલમાં સ્વપ્નું આવ્યું હોય એવું સાંભળ્યું નથી..! હે પ્રેમ-પાગલો..!

હૃદયની બાજુમાં જ કચ્છના રણની માફક ફેલાયેલા બબ્બે ફેફડાં આવેલાં છે, ક્યારેક એના પણ સોગંદ ખાઈને ટ્રાય તો કરી જુઓ. ખાતરી થાય કે,  ફેફડાં રંગ લાતા હૈ કી નહિ..? આજકાલનાં શમણા પણ કમાલનાં છે યાર..! ગંગારામ જાણે સૂતી વખતે કયું વાવેતર નાંખે, પણ અમુકને તો ઊંઘ પહેલાં જ ફાલુદા જેવાં સ્વપ્નાં આવવા માંડે. આપણને  હિપોપોટેમસના તો ઠીક ઘરવાળીનું પણ સ્વપ્નું નહિ આવે..! (કોઈને ઘરવાળીના સ્વપ્ના આવતા હોય તો, નસીબદાર કહેવાય..!) સમજમાં નથી આવતું કે, આ સ્વપ્નાઓ પાર્સલ કરે છે કોણ..? આ માટે મોટાં વૈજ્ઞાનિકો હજી પણ દાઢી ખંજવાળે છે. માણસ છત્તર-પલંગ ઉપર સૂએ કે ભોંય પથારી કરીને સુએ,  કોઈ ફેર નહિ પડે.

સવારે આવવાનું ચૂકી ગયા હોય તો, ‘લેટ-લતીફ’ ની માફક  બપોરે ‘વામકુક્ષી’ ટાણે પણ આવે..! આ બધાં વાવાઝોડાં જ કહેવાય, જેને તૌકાતે ને બદલે દિલના ’ઔકાતે’ નામ આપીએ તો ચાલે..! ભર-બપોરે પણ ફાલુદા જેવાં ‘ટેસ્ટી’  સ્વપ્નાં આવે..! એવાં સ્વાદિષ્ટ કે સૂકા બાવળના થડમાં પણ કૂંપળ ફૂટવા માંડે..! જેવાં જેનાં નસીબ, ને જેવાં જેના વિશાળ હૃદય..! છો ને, સૌ સૌના નસીબનું રળી લેતાં..! એમની અદેખાઈ કરીને, આપણે આપણી જાતને બાળવી નથી..! પણ એક વાત પાક્કી કે, ફલાણા માતાજીનાં પરચાનો સંદેશો સાત જગ્યાએ પહોંચાડવા સાત પોસ્ટકાર્ડ લખશો, તો તમને આવતા મંગળવારે  ‘ગુજરાતમિત્ર’નું મંગલ-મસ્તીનું શમણું મળશે, એવું ગતકડું સ્વપ્નના કિસ્સામાં આવતું નથી!

એક કવિએ સરસ કહ્યું છે કે, “મુઠ્ઠીભર હૈયું ને ખોબાભર પેટ, મુદ્દા તો બે જ પણ કેટલી બધી વેઠ..!” જ્યારથી કોરોનાએ બિનઅધિકૃત શારીરિક કબ્જા-પ્રવેશ કર્યો છે, ત્યારથી ફેફસાં,ના ભાવ ટોપ ઉપર આવી ગયા, ને દિલ ગરીબીની રેખા નીચે ચાલી ગયું. શરીરમાં પણ જાણે કે ‘પ્રાદેશિક’ લડાઈ ફાટી નીકળી..! દિલના ભાવને ગગડાવી નાંખવાની રીતસરની હોડ જ ચાલી. ભારત-પાકિસ્તાન-ચાઈનાની માફક પાડોશી દેશો એકજુથ થયાં હોય એમ, દિલ નોંધારું બની ગયું ને ‘ફેફડાં’  હીરો બની ગયાં. ફેફડાંઓને કોઈએ એવું ચઢાવી માર્યું કે, ‘સાલ્લું શ્વાસ આપવા માટે તું ધમી-ધમીને બેવડ વળી જાય, ને માર્કેટમાં તો વાહવાહી દિલની જ થાય..! પાડોશીને લડાવી મારવા એ તો આપણો પુરાણો રિવાજ પણ  ખરો ને..? આપણે તો ફેફસું હોય કે હૃદય, બે માંથી એકેયને મેં સાક્ષાત્ જોયું નથી. 

જેવું પાર્સલ ઉપરથી આવેલું તેવું જ અકબંધ. છે.! જો કે, ઉપરવાળાના પાર્સલમાં શંકા પણ શું રાખવાની?  ડુપ્લીકેટ માલ તો હોય જ નહિ, એવો અતુટ વિશ્વાસ..! ને આપણી પણ, ખુમારી એવી, કે જેમ મારું મોઢું જોવાની જો એમને દરકાર નહિ હોય, તો મને પણ ફેફસાં-હૃદયનું મોઢું જોવાની ઉત્કંઠા નહિ. મારા દિલ સાથે, ભલભલા(લી) રમત રમી ગયા હશે, બાકી મન મૂકીને હું મારા હૃદય સાથે ખેલંદો બન્યો નથી. મને એટલી જ ખબર કે, મારા શરીરના ડાબા ખૂણે કંઈક ધબકે છે ખરું..! એ કેટલું વપરાયું, કેટલું બગડ્યું, ને હવે કેટલાં કિલોમીટર એના બાકી રહ્યા, એનો કોઈ જ અંદાજ નથી. વળી, એક્ષ્પાયરી ડેઇટ જેવું તો  એમાં આવે જ નહિ ને..? ગાડી સર્વિસ કરાવીએ એમ, હૃદયને સર્વિસ કરાવવાનું મન થાય, તો હાર્ટ સ્પેશ્યાલીસ્ટ પાસે જઈ આવવાનું.

જો કે સર્વિસ કરાવવા માં ડર તો લાગે દાદૂ..! રખે ને કોઈ કોંધા-કબાડા ખુલ્લાં પડી ગયાં તો..? કબાડા કંઈ જઠરમાં થોડાં હોય, હૃદયમાં જ હોય ને..? પણ થયું એવું કે, ઉપરવાળાની ઉપરવટ જઈને એકવાર હૃદય ખોલાવ્યું તો, મારું હૃદય જોઇને ડોકટરે પોતાના હાથ ખંખેરવાને બદલે, મને ખંખેરી નાંખ્યો. મને કહે કે, ‘તારા હૃદયમાં તો તલ-ભાર પણ કંઈ લેવાનું નથી. એ ધબકે છે એટલું જ બાકી, ટ્રેનમાં લટકતાં મુસાફરની માફક, હૃદય સાથે એટલાં બધાં ચાહકો ટીંગાયેલા છે કે, એ  ક્યારે તૂટી પડે, એનું નક્કી નહિ..!

બાકી, તારાં ફેફડાં મજબુત ને તંદુરસ્ત છે..!‘ બાકર બચ્ચાં લાખ, લાખે બિચારા, સિંહણ બચ્ચું એક એકે હજારા’ એના જેવી વાત છે..! ફેફડાં ભલે ડબલ હોય, અશોકના શિલાલેખની માફક વગર સંવેદનાએ આડા પડીને પથરાયેલા હોય, પણ કોઈને ‘હાર્ટલી લવ યુ’ કહેવાને બદલે, એમ થોડું કહેવાય કે, “ આઈ ‘ફેફડાલી’ લવ યુ..! કહેવા જઈએ તો, ધોતિયા ઉપર ટાઈ બાંધીને વેલેન્ટાઇનની મઝા માણવા નીકળ્યા હોય, એવું લાગે..!   પેટ છૂટી વાત કરું તો, લોહી-લાગણી-લવ-સંવેદના-તિરસ્કાર-લોભ-લાલચની ફેકલ્ટીમાં તો દિલની દાતારી જ ચાલે, બાકી ફેફસાંની ચાંચ તો ટૂંકી જ પડે..! ફેફ્ડું હૃદયનું પાડોશી ખરું, પણ અયોધ્યામાં રહેતી મંથરા જેવું..! એટલે તો ફેફડાંને એટેક આવતો નથી..!

લાસ્ટ ધ બોલ

શ્રીશ્રી ભગાની વાઈફ લાગ જ શોધતી હતી કે, ક્યારે લોકડાઉન ડીકલેર થાય, ને હું શ્રીશ્રી ભગાની ‘ડોક-ડાઉન’ કરું..! જેવું લોકડાઉન જાહેર થયું કે, ઘરવાળીએ ફરમાન બહાર પાડી દીધું કે, આજે સાંજની રસોઈ તમારે બનાવવાની છે..!

સ્વાભાવિક છે કે, રાજ-હઠ, બાળ-હઠ ને સ્ત્રી-હઠમાં મૂડી હલાવીને હા જ પાડવાની હોય..! પ્રાથમિક બધી તૈયારી કર્યા પછી, શ્રીશ્રી ભગાએ વાઈફને પૂછ્યું કે, “જાનૂ..! સાબુદાણાની ખીચડીમાં નહાવાનો સાબુ નાંખવાનો, કે કપડાં ધોવાનો..?”ત્યારથી શ્રીશ્રી ભગાને રસોડા બાજુ ફરકવા સુદ્ધાં દીધો નથી..! એના કપાળમાં કાંદા ફોડું..!

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top