Columns

મોદી સરકાર જેનઝીની અને સોશ્યલ મીડિયાની તાકાતને સમજવામાં થાપ ખાઈ ગઈ છે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોશ્યલ મીડિયાની તાકાત ખબર છે. ભાજપનો આઇટી સેલ ઊભો કરીને સોશ્યલ મીડિયાનો ઉપયોગ મોદી સરકારને પ્રમોટ કરવામાં આવ્યો છે, તેટલો ભારતની કોઈ સરકારને પ્રમોટ કરવા માટે કરવામાં આવ્યો નહીં હોય, તેમ છતાં જેનઝીના જંતરમંતર આંદોલન દરમિયાન આ હથિયાર મોદીને બૂમરેંગ થઈ રહ્યું છે. તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ મુંબઈ પોલીસની ગાડીને એક હાથ વડે રોકીને ઊભેલી બહાદુર યુવતીની રીલ જોઈ હશે. આ રીલ જોતજોતામાં કરોડો દર્શકો સુધી પહોંચી ગઈ છે અને તેણે મોદી સરકારની છબીને ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન કરીને સોશ્યલ મીડિયાની તાકાતનો પરચો આપી દીધો છે.

રિયા આહિર-યાદવ નામની આ યુવતી મુંબઈના દાદરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી. તેના અનેક સાથીઓની અટકાયત કરીને પોલીસે તેમને વાનમાં પૂરી દીધાં હતાં. રિયાએ પોલીસ સાથે બહુ દલીલ કરી કે તેઓ ગેરકાયદે અટકાયત કરી રહ્યા છે, પણ પોલીસે તેની વાત કાને ધરી નહીં. રિયાને થયું કે તે જો ત્વરિત પગલું નહીં ભરે તો ગાડી સ્ટાર્ટ થઈ જશે અને તેના સાથીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ જશે. જરા પણ વિચાર કર્યા વિના રિયા આહિર આગળ આવીને પોલીસની ગાડી સામે ઊભી રહી ગઈ અને તેણે ડ્રાઇવરને પડકાર કર્યો કે તારામાં તાકાત હોય તો મારા પર ગાડી ચલાવી દે. ડઘાઈ ગયેલા ડ્રાઇવરને ગાડી ઊભી રાખવાની ફરજ પડી.

રિયાની હિંમત જોઈને રસ્તે ચાલતાં રાહદારીઓ અને આંદોલનકારીઓ પણ તેની મદદે દોડી આવ્યાં અને પોલીસની વિરુદ્ધમાં નારા પોકારવા લાગ્યા. પબ્લિકનો જુસ્સો જોઈને પોલીસને બધા યુવાનોને ત્યાં જ છોડી મૂકવાની ફરજ પડી. આ યુવતીની ક્લિપ જોતજોતામાં વાઇરલ થઈ ગઈ અને લોકો તેને આધુનિક ઝાંસીની રાણી તરીકે બિરદાવવા લાગ્યાં. આજે સોશ્યલ મીડિયામાં હજારો ઇન્ફ્લુઅન્સરો રીલ બનાવીને રિયાની બહાદુરીને બિરદાવી રહ્યાં છે. રિયાનું આ પરાક્રમ મોદી સરકારની પોલીસના અન્યાયનું અને તેની સામેના જેનઝીના પ્રતિકારનું જ્વલંત ઉદાહરણ બની ગયું છે. મોદી સરકારે અબજો રૂપિયાનો ખર્ચો કરીને સોશ્યલ મીડિયામાં જે ઉજળી ઇમેજ બનાવી હતી, તે રિયા આહિરની એક જ રીલની તાકાતને કારણે ધૂળધાણી થઈ ગઈ છે.

પેપર લીકના સરકારના સંચાલન સામે ૨૦ જુલાઈના રોજ થયેલાં પ્રદર્શનો દરમિયાન પોલીસ દ્વારા શાંત પ્રદર્શન કરી રહેલાં યુવાનો પર લાઠીઓ વીંઝવામાં આવી તે બધાનું યુવાનો દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે પ્રદર્શનકારીઓના તમામ આરોપો અને કાર્યવાહીમાં વધુ પડતા બળપ્રયોગના મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં સોશ્યલ મીડિયા વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓ દ્વારા રેકોર્ડ કરાયેલા પુરાવાઓથી છલકાઈ ગયું હતું. સરકાર સામે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી તેમાં પણ આ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બાર વર્ષ પહેલાં, નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા અને તેમણે ઘણી મહેનત કરી જનતા સુધી પહોંચવા માટે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો અસરકારક રીતે ઉપયોગ કર્યો હતો.

આજે, જનરલ ઝેડ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના હિન્દુ બહુમતીવાદી પક્ષના વર્ચસ્વને ઉલટાવી રહ્યું છે. યુવાનો મોદી સરકારની સામે તેમનાં જ સાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે, જેના પર ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી આધાર રાખે છે. ભાજપના મીડિયા સેલ દ્વારા મોદી સરકારના ગુણગાન ગાતી કોન્ટેન્ટ પત્રકારોને કરોડો રૂપિયા આપીને તૈયાર કરવામાં આવે છે અને તેને વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રમોટ કરવા માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે.

તેથી વિરુદ્ધ જંતરમંતરમાં ચાલી રહેલા આંદોલન અને ખાસ કરીને યુવાનો પર પોલીસો દ્વારા કરવામાં આવતા અત્યાચારોના વીડિયો જેનઝી દ્વારા શૂટ કરીને અપલોડ કરવામાં આવી રહ્યા છે, જે જોતજોતામાં દુનિયાભરનાં કરોડો દર્શકો સુધી પહોંચી જાય છે. આ વીડિયોને જેનઝીના હજારો ઇન્ફ્લુઅન્સરો દ્વારા પોતપોતાના પ્લેટફોર્મ પર જલદ કોમેન્ટ સાથે અપલોડ કરવામાં આવે છે, જેને કારણે મોદી સરકારની ઇમેજને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, પણ સરકાર પાસે તેનો જવાબ નથી.

જેનઝી દ્વારા સોશ્યલ મીડિયાનો કેવી રીતે ખૂબીપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે, તેનું બીજું ઉદાહરણ તાજેતરમાં મુંબઈમાં જોવા મળ્યું. મોદી સરકારના વિરોધમાં ભાગ લેનારા બે-ત્રણ યુવાનોની પોલીસે અટકાયત કરી લીધી અને તેમને વાનમાં બેસાડીને એક પોલીસ અધિકારી થાણે લઈ જતા હતા. રસ્તામાં યુવાનોએ પોલીસ અધિકારી સાથે માથાકૂટ ચાલુ કરી કે અમારી ક્યા ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે, તે જણાવો.

ગુસ્સે ભરાયેલા પોલીસ અધિકારીએ યુવાનોને ધમકી આપી કે બહુ બડબડ કરી તો તમારા ખિસ્સાંમાં ૫૦-૫૦ ગ્રામ માદક દ્રવ્યોના પાવડરનું પડીકું મૂકી દઈશ તો ૬ મહિના સુધી તમને જામીન પણ નહીં મળે. બાપડા અધિકારીને ખબર નહોતી કે એક યુવાન તેનો ડાયલોગ મોબાઈલ વડે રેકોર્ડ કરી રહ્યો છે. વાનમાં બેઠાં બેઠાં જ યુવાને તે વીડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો. જોતજોતામાં તે વીડિયો જંગલી આગની જેમ વાઇરલ થઈ ગયો અને મહારાષ્ટ્ર સરકાર સુધી પણ પહોંચી ગયો. સરકારે આ ગંભીર ઘટનાની તાત્કાલિક નોંધ લીધી અને ધમકી આપનારા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી નાખ્યો.

જંતરમંતર વિરોધ આંદોલન પરનું કોઈ દૃશ્ય કેમેરાથી છુપાયેલું નથી, જ્યાં હજારો યુવાનો ચોવીસ કલાક રેકોર્ડિંગ કરતા રહે છે. ૨૦ જુલાઈનાં દૃશ્યો જોઈને સમગ્ર ભારતમાં, મુંબઈ, બેંગલુરુ, પટના, લખનૌ અને ઐઝોલ જેવાં શહેરોનાં યુવાનો ઉશ્કેરાઈ ગયાં હતાં અને તેમણે સ્વયંભૂ રીતે પોતપોતાનાં શહેરોમાં વિરોધ પ્રદર્શનો શરૂ કર્યાં હતાં. યુવાનો દ્વારા તેમના મોબાઈલમાં જે દૃશ્યો રેકોર્ડ કરીને સોશ્યલ મીડિયામાં ફેલાવવામાં આવે છે, તેને કારણે દિલ્હી પોલીસનો અને મોદી સરકારનો બિહામણો ચહેરો બહાર આવી ગયો છે.

એક પોલીસ અધિકારી એક મહિલા પ્રદર્શનકારીની પીઠ પર ડંડો ફેંકી રહ્યા છે; રાષ્ટ્રીય રાજધાનીમાં પહેલી વાર પોલીસ સાથે તૈનાત અર્ધલશ્કરી દળ દ્વારા ઘાતક પેલેટ ગનનો ઉપયોગ થઈ રહ્યો છે; ડઝનબંધ પોલીસ અધિકારીઓ રડતી અને વિનંતી કરતી એક માતાને ધક્કા મારી રહ્યા છે; નિઃશસ્ત્ર વિદ્યાર્થીઓને થપ્પડ મારીને પીછો કરતો બીજો અધિકારી; મોટા ચશ્માં પહેરેલા પોલીસ અધિકારીઓ; વિરોધ પટ્ટીની બહાર ક્ષતિગ્રસ્ત કારને રોકતા કાયદા અમલીકરણ એજન્ટો અને જ્યાં એક અધિકારી ટીયર ગેસથી ભાગતા વિદ્યાર્થીઓને આકસ્મિક રીતે ફસાવે છે તેવા ફૂટેજ વાઇરલ થયા છે.

મોદી પ્રત્યે મૈત્રીપૂર્ણ વલણ ધરાવતી મુખ્ય પ્રવાહની ટેલિવિઝન ન્યૂઝ ચેનલો પર વિરોધ પ્રદર્શનોને પૂરતા પ્રમાણમાં કવર ન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે ગોદી મીડિયા દ્વારા પહેલાં જંતરમંતરના યુવા આંદોલનની ઉપેક્ષા કરવામાં આવી હતી, કારણ કે સરકાર ઇચ્છતી નહોતી કે તેનો પ્રચાર થાય. ગોદી મીડિયાની આ કમી સોશ્યલ મીડિયા દ્વારા સરભર કરવામાં આવી હતી, જેના દ્વારા જેનઝીના આંદોલનને બહોળી પ્રસિદ્ધિ મળી હતી. ૨૦ જુલાઈના સોનમ વાંગચૂકની ધરપકડને પગલે આંદોલન પ્રચંડ થઈ ગયું ત્યારે ગોદી મીડિયા કેમેરા લઈને તેને કવર કરવા દોડી આવ્યું હતું; પરંતુ યુવાનો દ્વારા તેમનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. બીજી તરફ સરકારના વિરોધમાં રિપોર્ટિંગ કરતાં પત્રકારોને ભારે માન આપવામાં આવ્યું હતું. ભાજપના આઇટી સેલ દ્વારા મૂકવામાં આવતી સોશ્યલ મીડિયા પોસ્ટ હજારો યુવા ઇન્ફ્લુઅન્સરો દ્વારા સ્પામ કરવામાં આવે છે.

ભારતના ન્યાયતંત્રને પણ સોશ્યલ મીડિયાની તાકાતનો પરચો મળી ગયો છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની કોક્રોચવાળી કોમેન્ટના પરિણામે જ કોક્રોચ જનતા પાર્ટીનો જન્મ થયો હતો, જેને ઇન્સ્ટાગ્રામ પર કરોડો યુવાનોનું સમર્થન મળ્યું હતું. હવે જેનઝીના કોન્ટેન્ટ ક્રિયેટરો ચીફ જસ્ટિસની ‘યુવાનો પરના લાઠીચાર્જનો વીડિયો જોવાનો ટાઇમ નથી’ મતલબની કોમેન્ટ પર મેમ બનાવી રહ્યા છે, જેને જોઈને સુપ્રીમ કોર્ટે તેની કાર્યવાહીનું રેકોર્ડિંગ સોશ્યલ મીડિયા પર મૂકવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ભાજપ સરકારે જેનઝીની તાકાતને ઓછી આંકવાની ભૂલ કરી, તેનું પરિણામ તે હવે ભોગવી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top