Entertainment

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના દર્શનકુમારની કારકિર્દીની નવી ફાઇલ્સ ખૂલી

કાશ્મીર ફાઇલ્સ’ અત્યારે સહુથી વધુ ચર્ચામાં છે અને એ કારણે વિવેક અગ્નિહોત્રી તો ચર્ચામાં હોય જ પણ તે ઉપરાંત ફિલ્મમાં કૃષ્ણ પંડિતનું પાત્ર ભજવનાર દર્શનકુમાર પણ ચર્ચામાં આવી ગયો છે. તેના પાત્રને પ્રેક્ષકોનો ખૂબ રિસ્પોન્સ મળ્યો છે અને ફિલ્મ જગતના અનેક તરફથી તેને કોલ્સ અને મેસેજ મળી રહ્યા છે. ફિલ્મ જોયા પછી અમુક પ્રેક્ષકો તો દર્શનને વળગી રડી રહ્યા છે. મિથુન ચક્રવર્તીએ પણ તેને ફોન કરીને કહ્યું છે કે ખૂબ જ સારું કામ કર્યું છે. દર્શનકુમાર યાદ કરે છે કે ફિલ્મના કાસ્ટિંગ ડાયરેકટરે તેને કોલ કરીને કહેલું કે તેને મુખ્ય ભૂમિકામાં લેવા માંગે છે. દર્શનને ફિલ્મમાં લેવા પહેલાં 20 મિનિટની વિડીયો કિલપ દેખાડવામાં આવી જેમાં 700 કાશ્મીરી પંડિતોનું દુ:ખ રેકોર્ડ કરાયું હતું. તે કાંઇક બોલી ન શકયો અને કહ્યું કે હું આ ફિલ્મમાં કામ કરીશ. તે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પહેલાં ‘મૅરી કાૅમ’ની ભૂમિકા વડે જાણીતો રહી ચૂકયો છે પણ તેણે શાહરૂખ ખાન સાથે ‘અસોકા ધ ગ્રેટ’થી કારકિર્દીની શરૂઆત કરેલી અને ‘છોટી બહુ’ ટી.વી. શ્રેણીએ પણ તેને જાણીતો કરી દીધેલો. તેણે નસીરુદ્દીન શાહના નાટ્‌ય ગ્રુપમાં ઘણું કામ કર્યું છે અને નસીર પાસે જ અભિનય શીખ્યો છે.

દર્શનકુમાર તેની આજ સુધીની કારકિર્દીથી ખુશ છે કારણ કે ‘મૅરી કૉમ’માં પણ તે પ્રિયંકા ચોપરા સાથે મુખ્ય ભૂમિકામાં હતો. અને હવે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વડે તે અનેકની નજરમાં વસી ગયો છે. જો કે ‘તેરે નામ’માં પણ તે રાધેના મિત્ર કનક શર્માની ભૂમિકામાં હતો અને અનુષ્કા શર્માની ‘એનએચ-10’મા તેણે જે નેગેટીવ રોલ કરેલો તેના માટે તો તે એવોર્ડ કેટેગરીમાં આવી ગયેલો. તેની અન્ય ફિલ્મો છે ‘સરબજીત’, ‘એ જેન્ટલમેન’, ‘બાગી-2’, ‘પીએમ નરેન્દ્ર મોદી’, ‘તુફાન.’ પરંતુ તેણે તેને ફિલ્મો પૂરતો મર્યાદિત નથી રાખ્યો. ચારેક ટી.વી. શ્રેણી પછી ‘પરછાંઇ’, ‘ધ ફેમિલી મેન’, ‘અવરોધ ધ સીઝ વિધીન’ અને અત્યારે ‘આશ્રમ’ના ઉજાગર સીંઘ તરીકે વ્યસ્ત છે. તેને ફકત હીરો યા મુખ્ય ભૂમિકામાં જ રસ નથી. સારા પાત્રો માટે તે તૈયાર છે. ‘દેવો કે દેવ મહાદેવ’નો શુક્રાચાર્ય દર્શનકુમાર જો કે અત્યારે કૃષ્ણ પંડિત વડે એકદમ જાણીતો થઇ ગયો છે. તેને આ પ્રકારની વાસ્તવિક ફિલ્મના વાસ્તવિક પાત્ર ભજવવામાં ખૂબ આનંદ આવ્યો છે અને વડાપ્રધાન મોદીએ પણ ફિલ્મની પ્રશંસા કરી પછી તે ભાવવિભોર છે. તેને પોતાને પણ પહેલીવાર સમજાયું છે કે કાશ્મીરી પંડિતો સાથે શું થયું હતું.

Most Popular

To Top