Gujarat

વડોદરાના રાવપુરામાં બે કોમ વચ્ચે અથડામણ, સાંઈ બાબાની મૂર્તિ ખંડિત કરાઈ

વડોદરા: દેશમાં હિંસાની (Violence) ઘટના વધી રહી છે. દેશમાં રામનોવમીથી અત્યાર સુધીમાં લગભગ દરેક રાજ્યમાંથી હિંસાની ઘટના સામે આવી છે. ત્યારે ગુજરાતના (Gujarat) વડોદરા (Vadodara) શહેરમાંથી પણ કોમી હિંસાની (Communal violence) ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે વડોદરાના રાવપુરા વિસ્તારમાં બે કોમના જૂથ વચ્ચે અથડામણ (Collision) થઈ છે. જેમાં એક કોમના ટોળાએ કોઠીપોળની સાંઈબાબાની (Sai baba) મૂર્તિ ખંડિત (Fractured) કરી હતી. આ સાથે જ તલવારધારી સાથે ટોળાએ પથ્થરમારો કર્યો હતો.

રાવપુરા ટાવર પાસે રવિવારે મોડી રાત્રે 11:30 વાગ્યે બે બાઈક વચ્ચે ટક્કર થઈ હતી જે બાદ બંને બાઈકચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું જે જોતજોતામાં કોમી રમખાણમાં ફેરવાય ગયું હતું. બોલાચાલી બાદ બંને કોમના ટોળા વચ્ચે પથ્થરમારો થતાં તંગદિલીના દર્શયો સર્જાયા હતા. આ હિંસામાં 300થી 400 લોકોનું ટોળુ રોડ પર એકત્રિત થઈ ગયું હતું. આ બનાવને પગલે રાવપુરા ટાવરથી જ્યુબિલીબાગ સાંઈ બાબાની મૂર્તિને ખંડિત કરી પથ્થરમારો કર્યો હતો. આ અથડામણમાં 10 થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરાઈ હતી.

રાવપુરા ટાવર પાસે બનેલી ઘટનાએ ઉગ્રસ્વરૂપ ધારણ કરી લીધું હતું. બીજી તરફ કેટલાક તોફાની તત્ત્વોએ કોઠી પોળની સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરી પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં 4 લોકોને ઈજા પહોંચી હતી. જેમની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હિંસાની ઘટનાની જાણ થતા પોલીસ કમિશનર સહિત શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર વિસ્તારને તાત્કાલિક અસરથી કોર્ડન કરવામાં આવ્યો હતો.

વડોદરામાં હિંસાના કોમી તોફાનોના વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં 300 જેટલા લોકોનું ટોળુ સામસામે પથ્થરમારો કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ટોળાઓએ કેટલાક સ્થાનિક લોકોને મોબાઈલ ઉપર વિડિયો રેકોર્ડિંગ કરતા અટકાવ્યા હતા અને વાહન ચાલકોને અટકાવી માર્યા હતા. આ સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે જણાવ્યું હતું કે, અકસ્માતમાં માથાકૂટ થવાને પગલે રાવપુરા વિસ્તારમાં ઘટના બની હતી. જે અંગે અમે વધુ તપાસ કરી રહ્યાં છીએ.

Most Popular

To Top