Editorial

ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી મફત વીજળીનો દાવ રમશે

પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારે રાજ્યના લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન પૂરું કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ 1 જુલાઈ, 2022થી રાજ્યના લોકોને 300 યુનિટ મફત વીજળી મળશે. પંજાબમાં સરકારના કાર્યકાળનો એક મહિનો પૂરો થવા પર AAP સરકારે અખબારોમાં જાહેરાતો આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મફત વીજળીનો લાભ 1 જુલાઈથી શરૂ કરવામાં આવશે. તેની ઔપચારિક જાહેરાત આજે મુખ્યમંત્રી ભગવંત માન કરી શકે છે.

જૂન 2021 માં, પંજાબના મતદારો માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પ્રથમ ગેરંટી 300 યુનિટ મફત વીજળી હતી. આ વચન નવી દિલ્હીમાં તેમની સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા વચન જેવું જ હતું. અગાઉ પંજાબના ગ્રાહકોને દેશમાં સૌથી મોંઘી વીજળી મળતી હતી. પંજાબ સરકાર આ લાભને રજૂ કરવા માટે દિલ્હી પેટર્નને અનુસરવાની યોજના ધરાવે છે, જેના હેઠળ દર મહિને 300 યુનિટ સુધીનો વપરાશ મફત હશે. 300 યૂનિટથી વધુ વીજળીનો વપરાશ કરનારાઓએ ચૂકવણી કરવી પડશે.

પાવર કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓએ સરકારને સલાહ આપી છે કે વીજળી મુક્ત કરવાના વચનને ઉનાળાની ઋતુમાં લાગુ કરવાને બદલે ચોમાસામાં લાગુ કરવામાં આવે. કોલસાની અછતને કારણે પંજાબમાં વીજળીનું સંકટ ગમે ત્યારે ઘેરી બની શકે છે. જો કે, 3 લાખ કરોડ રૂપિયાની લોન બાકી છે. ઘરેલું વપરાશ માટે મફત વીજળીનો અર્થ રૂ. 5,000 કરોડનો વધારાનો બોજ પડશે. તે હાલમાં પંજાબના કૃષિ પરિવારોને મફત વીજળી પૂરી પાડે છે અને તમામ અનુસૂચિત જાતિઓ, પછાત જાતિઓ અને ગરીબી રેખા નીચે (બીપીએલ) પરિવારો (2016 માં શરૂ કરાયેલ એક યોજના) માટે 200 યુનિટ મફતમાં ઉપલબ્ધ છે.

નાણાકીય વર્ષ 2021-22માં રાજ્યનું કુલ વીજળી સબસિડી બિલ 10,668 કરોડ રૂપિયા હતું. તેમાંથી 7,180 કરોડ રૂપિયા ખેડૂતોને અને 1,627 કરોડ રૂપિયા એસસી, ઓબીસી અને બીપીએલ પરિવારોને સબસિડી તરીકે આપવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી સરકારની આ બીજી ટર્મ છે. ત્યાં પણ 300 યુનિટ સુધી જેમનો વપરાશ હોય તો તેમના માટે વીજળી મફત છે. પાણી અને વીજળી પ્રજાની પાયાની જરૂરિયાત છે. ત્યારબાદ શિક્ષણ અને સારૂ સ્વાસ્થ્ય આપવાની જવાબદારી સરકારની રહે છે. હવે જો વીજળી મફત મળે તો મધ્યમ વર્ગના બજેટમાં 10 થી 20 ટકાની રાહત થઇ જાય છે. દિલ્હી પછી પંજાબમાં પણ મફત વીજળી આપવાનો વાયદો આમ આદમી પાર્ટી માટે કારગર નિવડ્યો છે. પંજાબની રાજનિતીમાં બદલાવ માટે મફત વીજળી જ એક મોટુ કારણ પણ છે.

આ મુદ્દા ઉપર જ પંજાબમાં વિધાનસભાની 117 બેઠકમાંથી 92 બેઠક આમ આદમી પાર્ટીએ મેળવી છે. આ જીત કોઇ નાની નહીં પણ જંગી જીત કહી શકાય તેમ છે. હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત ઉપર છે. જે રીતે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા વારંવાર ગુજરાત આવી રહ્યાં છે. તેઓ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. તે દર્શાવે છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી માટે ખૂબ જ ગંભીર છે. તેનું બીજુ એક કારણ એ પણ છે કે, ગુજરાતની પ્રજા કોંગ્રસથી વિમુખ થઇ ગઇ છે અને તે વિકલ્પની શોધમાં છે.

આ ઉપરાંત ગુજરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હોમ પીચ પણ છે. હવે પંજાબની ચૂંટણીના પરિણામ આવ્યાના એક મહિનામાં તેમણે આપેલો વાયદો પૂર્ણ કરી દીધો છે. આ જ વાયદો તેઓ ગુજરાત પ્રજાને પણ કરી શકે છે. મફત વીજળી માટે ભાજપ સતત દલીલ કરે છે કે, દિલ્હી નાનુ રાજ્ય છે એટલે ત્યાં આ શક્ય છે. પરંતુ પંજાબ હવે મોટુ રાજ્ય છે અને ત્યાં પણ આપે મફત વીજળીની જાહેરાત કરી દીધી છે એટલે ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં મફત વીજળીના નામે આમ આદમી પાર્ટી ચોક્કસ દાવ ખેલશે.

Most Popular

To Top