Comments

પાકિસ્તાનમાં અરધી રાતે સત્તા પલટો

ઇમરાન ખાનને વડાપ્રધાન પદેથી અવિશ્વાસની દરખાસ્ત થકી ઘરભેગા કર્યા એ પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલો બનાવ છે. ઇમરાન ખાન ૨૩ પાકિસ્તાની વડાપ્રધાનોની લાંબી હરોળમાં સ્થાન પામ્યા છે કે જેઓ આઝાદી બાદના આ ગાળામાં પોતાના હોદ્દાની પૂરી ટર્મ ભોગવવા સદભાગી નથી રહ્યા. ઈમરાન ખાનના ૨૩ પુરોગામીઓને એમના હોદ્દાની મુદત પૂરી થાય તે પહેલાં ગાદી પરથી ઉતારી દેવાયા હતા. મહદ્અંશે આ માટે મિલિટરીનો બળવો કારણભૂત હતો, જે ઉપરાંત દેશની શક્તિશાળી ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ)નો હાથ પણ ખરો જ. ઇમરાન ખાન, જે આઈએસઆઈ અને મિલિટરીના ઉમેદવાર ગણાતા હતા, તેમણે પોતાની સ્થિતિ નબળી પડતી જોઈ ત્યારે એમણે પોતાના ટેકેદારોના સામે જંગ માંડ્યો જેના કારણો સમજાતા નથી. અને એ રીતે પાકિસ્તાની પાર્લામેન્ટમાં અવિશ્વાસની દરખાસ્તથી ગાદી ગુમાવનાર પહેલા પ્રધાનમંત્રી બન્યા.

લગભગ મધરાતે આ વોટ લેવાયો અને એક સીમાચિહ્નરૂપ ચુકાદો સુપ્રીમ કોર્ટના નામે ચડ્યો. અગાઉ ઇમરાન ખાને પોતાની બરતરફી અટકાવવા વિરોધ પક્ષની અવિશ્વાસની દરખાસ્ત બાબતે બંધારણીય ગૂંચ ઊભી કરીને ડેપ્યુટી સ્પીકર દ્વારા વિરોધ પક્ષની અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તે પહેલાં જ લેજિસ્લેટિવ બોડીને વિખેરી નાખી અને નવેસરથી ઇલેક્શન યોજવાની વાત કરી. આને પરિણામે અવિશ્વાસ દરખાસ્ત સામે વોટીંગ કરાવવાનો ઇરાદો રાખનાર વિરોધ પક્ષે સુપ્રીમ કોર્ટ સમક્ષ ધા નાખતાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ગણી અને સ્પીકરનું એ રૂલિંગ કાઢી નાખ્યું અને વોટીંગ કરાવવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટને પાકિસ્તાનના બંધારણની જોગવાઇઓ આ રીતે જાળવી લેવા બદલ માત્ર પાકિસ્તાનમાંથી જ નહીં દુનિયાભરમાંથી શાબાશી મળી. પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટના ઘણા બધા જજ વિવાદાસ્પદ નિર્ણયો લેવા માટે જાણીતા છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પર આજીવન પ્રતિબંધ મૂકવાનો નિર્ણય આ પ્રકારના નિર્ણયોમાંનો એક હતો.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં શનિ-રવિ (તા. ૯-૧૦ એપ્રિલ ૨૦૨૨)ની રાત્રે થયેલા વોટિંગમાં ઇમરાન ખાનની કારમી હાર થઈ. ૩૪૨ સભ્યોના સદનમાં વિપક્ષને ૧૭૪ સભ્યોનું સમર્થન મળ્યું જે વડાપ્રધાનને હરાવવા માટે જરૂરી સંખ્યા ૧૭૨ કરતા માત્ર બે જ વધારે હતી. ઇમરાન ખાનને હટાવીને ખાસ્સો લાંબો સમય પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી રહેલા શાહબાઝ શરીફ, જેઓ ત્રણ વખત પ્રધાનમંત્રી રહી ચૂકેલા નવાઝ શરીફના ભાઈ છે, તેઓ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા છે. શાહબાઝ વડાપ્રધાન પદે આવતા ભારત-પાકિસ્તાનના સંબંધો પર પણ અસર પડશે. તેમણે આમ તો તેઓ ભારતની સાથે શાંતિ ઈચ્છે છે એવી વાત કરી છે પણ સાથે જ કહ્યું છે કે કાશ્મીર વિવાદના સમાધાન સુધી એ શક્ય નથી.

શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન તો બની ગયા પણ તેમની સામે ઘણા પડકારો ઊભા છે. આજે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ગબડી રહી છે, આવકો ઘટી રહી છે, દેવું વધી રહ્યું છે અને વિદેશી મુદ્રાના રિઝર્વ તળિયે પહોંચ્યા છે એ સંયોગોમાં ઇમરાન ખાન પછી આવનાર સરકાર આ પરિસ્થિતિને સંભાળી શકશે કે કેમ? અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ ફુગાવાનો સામનો કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાન પણ એમાંથી બાકાત નથી. શાહબાઝે સેના પ્રમુખ સાથે પણ પનારો પાડવાનો છે. ઉપરાંત સરકાર ઘણા બધા પક્ષોના સમર્થનથી બની છે. આ સંયોગોમાં પરસ્પર વિરોધી વિચારધારાવાળા લોકોને સાથે લઈને ચાલવાનું છે.

આ ઉપરાંત બે સુપર પાવર્સ જેની સાથે એણે પનારો પાડવાનો છે તે અમેરિકા અને ચીન પાકિસ્તાનના પોલીટીકલ સેટઅપ સાથે અત્યાર સુધી નહીં રહેલા એવા સરખા સંબંધો રાખવાની માગણી કરશે. જોકે ચીને શાહબાઝ શરીફ નવા વડાપ્રધાન બનતા ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે હવે બંને દેશો વચ્ચે સંબંધ વધુ સારા બનશે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે પાકિસ્તાનમાં આંતરિક સત્તા પરિવર્તનનું ચીન અને પાકિસ્તાનના સંબંધો પર અસર નહીં પડે. ઇમરાન ખાનના સમયમાં ભારત-પાકિસ્તાનના સંબંધો ઘણા વણસી ગયા છે ત્યારે શાહબાઝ સામે ભારત સાથે સંબંધ સુધારવાનો પડકાર પણ છે. તાલિબાન અને પાકિસ્તાન સેના વચ્ચે તણાવ વધી ગયો છે ત્યારે અફઘાનિસ્તાનનો મુદ્દો પણ ઊભો જ છે. આ સંયોગોમાં બંધારણીય મૂલ્યોને જાળવી રાખવાનો પાકિસ્તાનનો પ્રયાસ અત્યાર સુધીના ઇતિહાસમાં ઉત્સાહપ્રેરક છે પણ એનાથી પાકિસ્તાનમાં મૂળભૂત રીતે બદલાવ આવ્યો છે એવું માની શકાય નહીં.
-ડૉ. જયનારાયણ વ્યાસ
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top