Columns

સરકારે ગયાં વર્ષના બજેટમાં કરેલા વાયદાઓ પૂરા કર્યા નથી

દર વર્ષે ફેબ્રુઆરી મહિનો આવે છે ત્યારે દેશમાં કેન્દ્રનાં બજેટની ચર્ચા ચાલુ થઈ જાય છે. કેન્દ્રનું બજેટ એક સંકીર્ણ દસ્તાવેજ હોય છે અને તેમાં આમ આદમીને ગતાગમ પડે તેવું ખાસ કાંઈ હોતું નથી. આ કારણે બજેટ બહાર પડ્યા પછી પણ તેમાં શું કરામત કરવામાં આવી છે? તેનો તાગ મેળવવા માટે આપણને નિષ્ણાતોના અભિપ્રાયની જરૂર પડે છે. મુંબઈમાં કોઈ કાળે નાની પાલખીવાલા બજેટની સમીક્ષા કરતા હતા તે સાંભળવા હજારો લોકો ઉમટી પડતા હતા. તે પછી પણ બજેટની ખરેખરી શું અસર થશે? તેનો ખ્યાલ બહુ ઓછા લોકોને આવતો હતો. મધ્યમ વર્ગના માનવીને તો બજેટમાં ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર થયો કે નહીં? કઈ ચીજ મોંઘી થઈ? કઈ ચીજ સસ્તી થશે? તે જાણવા પૂરતો જ રસ હોય છે. બજેટમાં ‘ફિસ્કલ ડેફિસિટ’ નામનો શબ્દ હોય છે, જે એક મોટું છળ છે, પણ તેનો પત્તો આમ આદમીને ક્યારેય લાગતો નથી.

નાણાં મંત્રી દ્વારા જ્યારે બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે તેમાં ઘણાં વચનો આપવામાં આવતાં હોય છે અને ઘણા દાવાઓ કરવામાં આવતા હોય છે. વર્ષના અંતે તેમાંનાં કેટલાં વચનો પૂરાં કરવામાં આવ્યાં અને કેટલા દાવાઓ સાચા સાબિત થયા? તેની ચર્ચા ભાગ્યે જ થતી હોય છે. બજેટમાં ટેક્સ કલેક્શનની ધારણાઓ બાંધવામાં આવતી હોય છે અને ખર્ચાના અંદાજો મૂકવામાં આવતા હોય છે. જો ટેક્સ કલેક્શન ઘટી જાય અને ખર્ચાઓ વધી જાય તો ફિસ્કલ ડેફિસિટ વધી જાય, ફુગાવો વધી જાય અને મોંઘવારી પણ વધી જાય છે. તેનો ખ્યાલ નાગરિકોને ભાગ્યે જ આવતો હોય છે. તેઓ તો નવાં વર્ષના બજેટમાં આપવામાં આવતાં નવાં વચનો વાગોળ્યા કરે છે. ગયાં વર્ષના ફેબ્રુઆરીમાં વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારામને જે અંદાજો બાંધ્યા હતા તે કેટલા સાચા પુરવાર થયા? તેનો અભ્યાસ હાલની વાસ્તવિક પરિસ્થિતિ સાથે કરતાં ખ્યાલ આવે છે કે તેમની ગણતરીઓ અનેક બાબતોમાં ભૂલભરેલી પુરવાર થઈ છે. 

નાણાં મંત્રી નિર્મલા સીતારામને ગયાં વર્ષનું બજેટ રજૂ કરતાં જાહેર કર્યું હતું કે વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતનો જીડીપી વૃદ્ધિદર ૯.૨ ટકાનો રહેશે, જે વિશ્વના કોઈ પણ દેશ કરતાં વધુ હશે. પરંતુ વિશ્વભરમાં મંદીનો માહોલ છે અને યુક્રેન યુદ્ધને કારણે ઉર્જાના ભાવો વધી ગયા હોવાથી રિઝર્વ બેન્કે ગયા ડિસેમ્બરમાં જાહેર કર્યું હતું કે વૃદ્ધિદર માત્ર ૬.૮ ટકાનો જ રહેશે. જો વૃદ્ધિદરમાં ૨.૪ ટકાનો ઘટાડો થતો હોય તો નાણાં મંત્રીનો અંદાજ સદંતર ભૂલભરેલો પુરવાર થયો કહેવાય. તેમ છતાં વિશ્વ બેન્કે ભારતની પીઠ થાબડતા કહ્યું છે કે દુનિયાના જે સાત મોટાં અર્થતંત્રો છે તે પૈકી ભારતનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપે વિકસી રહ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ ભારતનાં વખાણ કરતાં કહ્યું છે કે દુનિયાની જે સરેરાશ છે, તેની સરખામણીમાં ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ધારણા મુજબ વર્ષ ૨૦૨૨-૨૩ માટે ફિસ્કલ ડેફિસિટ જીડીપીના ૬.૪ ટકા જેટલી રહેશે. ફિસ્કલ ડેફિસિટના આંકડાઓ કાયમ સાચી રીતે આપવાને બદલે જીડીપીની સાથે સરખામણીના રૂપમાં આપવામાં આવે છે, તેનું પણ રહસ્ય છે. જો સાચા આંકડા આપવામાં આવે તો આપણને આંચકો લાગે તેવા હોય છે. જીડીપીની સરખામણીમાં આપવામાં આવતા આંકડા નાના દેખાય છે. દાખલા તરીકે વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતની જીડીપી ૨૭૩ લાખ કરોડ રૂપિયા જેટલી હતી. જો ફિસ્કલ ડેફિસિટ તેના ૬.૪ ટકા હોય તો તે ૧૭.૪૭ લાખ કરોડ રૂપિયા જેટલી થાય, જે આંકડો બહુ મોટો કહેવાય. સરકાર એમ કહે કે ફિસ્કલ ડેફિસિટ ૧૭.૪૭ લાખ કરોડ રૂપિયા છે; અને એમ કહે કે જીડીપીના માત્ર ૪ ટકા છે, તો કેટલો ફરક પડે? જો એમ કહેવામાં આવે કે સરકાર તેની આવક કરતાં ૧૭.૪૭ લાખ કરોડ રૂપિયાનો વધુ ખર્ચો કરી રહી છે, તો તેની કેવી અસર થાય? આ રકમ સરકાર વ્યાજે રૂપિયા લઈને કરી રહી છે, તેની કેટલાને જાણ છે? સરકારની જે ટેક્સની કુલ આવક છે, તેના ૩૦ ટકા વ્યાજ ચૂકવવામાં જાય છે, તેની કેટલાને જાણ છે?

વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં સરકારે ખર્ચાનો અંદાજ ૩૯.૪૫ લાખ કરોડ રૂપિયાનો બાંધ્યો હતો, જેની સામે આવક ૨૧.૯૮ લાખ કરોડ રૂપિયાની જ ધારવામાં આવી હતી. ઉપર જણાવ્યું તેમ બાકીના ૧૭.૪૭ લાખ કરોડ રૂપિયા ઉધારી કરીને પૂરા કરવાના હતા. સરકારે ખર્ચનો જે ૩૯.૪૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચો ધાર્યો હતો, તેમાં પણ વધારો થયો હતો. આ વધારો પણ ૨. ૯૫ લાખ કરોડ રૂપિયા જેટલો હતો, પણ સરકાર ખરેખરા વધારાના આંકડા આપવાને બદલે કહે છે કે,  ખર્ચામાં જીડીપીના ૧.૧ ટકા જેટલો વધારો થયો છે. આ પણ પ્રજાને અંધારામાં રાખવાની રમત છે.

કોઈ ઘરનો વડીલ એમ કહે કે મારા ઘરનો માસિક ખર્ચો ૪૦ હજાર રૂપિયા છે, પણ મારી આવક ૨૨ હજાર રૂપિયા જ છે. બાકીના ૧૮ હજાર રૂપિયા હું દેવું કરીને વાપરું છું, તો તેને આપણે શું સલાહ આપીશું? તેને કહીશું કે તારા ખર્ચા ઘટાડ કે આવક વધાર. જો તું તેમ નહીં કરે તો દેવાળું ફૂંકવાનો વારો આવશે. ભારત સરકાર તેવું જ કરી રહી છે. વળી તેનો જે ૪૦ હજાર રૂપિયાનો ખર્ચો છે તે પૈકી ૧૩ હજાર રૂપિયા વ્યાજની ચૂકવણીમાં જાય છે. ભારત સરકાર દેવાળું નથી કાઢતી, કારણ કે તે નોટ કે બોન્ડ છાપીને પ્રજા પાસેથી રૂપિયા ઉધાર લીધા કરે છે. તેને કારણે ફુગાવો વધે છે, મોંઘવારી વધે છે અને પ્રજા માર સહન કરે છે, પણ તે સરકારને કહી નથી શકતી કે ખર્ચા ઘટાડો.

બજેટ કેવું બનાવવું? કેટલા રૂપિયા ઉધાર લેવા? કેટલા ખર્ચા કરવા કે ન કરવા? તે બાબતમાં પ્રજાનો તો શું પ્રજાના પ્રતિનિધિ તેવા સંસદસભ્યોનો અવાજ પણ કોઈ સાંભળતું નથી. તેમને પૂછવામાં પણ આવતું નથી. બજેટ પણ વિદેશમાં ભણેલા નિષ્ણાતો તૈયાર કરે છે. નાણાં પ્રધાન તો માત્ર તેને રજૂ કરે છે. ફિસ્કલ ડેફિસિટ ધરાવતું બજેટ પણ વિદેશી સલાહ મુજબ તૈયાર કરવામાં આવે છે. તેને કારણે દેશ દેવાના ચક્કરમાં ડૂબી જાય છે. ગઈ કાલે શ્રીલંકાની જે હાલત થઈ, આજે પાકિસ્તાનની જે હાલત દેખાઈ રહી છે, તે જ દિશામાં ભારત પણ આગળ વધી રહ્યું છે. દરેક બજેટમાં સરકાર દ્વારા સંસદ સમક્ષ તેની મંજૂરી માગવામાં આવે છે અને સંસદસભ્યો આંખો બંધ કરીને મંજૂરી આપે છે.

બજેટમાં આપવામાં આવેલાં વચનોની વાત કરવામાં આવે તો ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગ માટે ૮૦ લાખ નવાં રહેઠાણો બાંધવાની યોજના તૈયાર કરવામાં આવી હતી, જે પૈકી માત્ર ૩૮ લાખ રહેઠાણો જ બંધાયાં હતાં. ૪૨ લાખ રહેઠાણો બાંધવાનાં બાકી છે. હવે સરકાર કહે છે કે ૨૦૨૩ના ડિસેમ્બર સુધીમાં તે લક્ષ્યાંક પૂરો કરવામાં આવશે. બજેટના વચન મુજબ ચાલુ નાણાંકીય વર્ષમાં દેશના ૩.૮ કરોડ ઘરોમાં નળ દ્વારા પાણી આપવાનું વચન આપવામાં આવ્યું હતું, જે પૈકી માત્ર ૧.૭ કરોડ ઘરોમાં જ નળ આપવામાં આવ્યા છે. તેમાં પણ પાણી આવતું હોય તેવું જરૂરી નથી. સરકાર દ્વારા ખર્ચાઓ વધારવામાં આવ્યા હોવા છતાં વચનો પૂરાં કરવામાં આવ્યાં નથી. તો પછી જે વધારાના ખર્ચાઓ કરવામાં આવ્યા તે કોના લાભાર્થે કરવામાં આવ્યા? તેનો નિર્ણય કોણે કર્યો? તે માટે પ્રજાના પ્રતિનિધિઓને પૂછવામાં આવ્યું હતું? તેના જવાબો મળતા નથી. ભારતમાં હકીકતમાં લોકશાહી નથી પણ અમલદારશાહી છે. લોકશાહીના નામે હકીકતમાં સરકારને અમર્યાદ સત્તાઓ આપી દેવામાં આવી છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top