Editorial

ગ્લાસગો હવામાન સમિટ અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી

વિશ્વભરના નેતાઓ જ્યાં હવામાન પરિવર્તનને લગતી ચર્ચાઓ કરવા માટે ભેગા થયા હતા તે યુકેના ગ્લાસગોમાં યોજાયેલ યુએનની ક્લાઇમેટ સમિટ કોઇ નક્કર પગલાઓ નક્કી કરવામાં નિષ્ફળ જતી અને કોલસાના ઉપયોગનો અંત લાવવા તથા અશ્મિજન્ય ઇંધણો માટેની સબસિડીઓ સંપૂર્ણપણે નાબૂદ કરવાની હાકલ કરવામાં પીછેહટ કરી રહેલી જણાઇ આવી. આ વખતે આશા હતી કે આ સમિટ હવામાન અંગે કંઇક નક્કર પગલાઓ લેશે, પણ આ અપેક્ષાઓ આ શિખર પરિષદ પૂર્ણ કરી શકી નથી.,દુનિયાના દેશોના રાજકીય નેતાઓ તો બે દિવસ ચર્ચાઓ કરીને છૂટા પડી ગયા હતા, પરંતુ તેમના દેશોના પ્રતિનિધિઓ આ કોપ૨૬ નામની સમિટમાં હજી સુધી ચર્ચાઓમાં અને ઠરાવો કરવામાં રોકાયેલા હતા.

આ સમિટમાંથી જારી કરવામાં આવેલ સૂચિત દરખાસ્તના મુસદ્દામાં દેશોને હાકલ કરવામાં આવી છે કે તેઓ કોલસાનો બેરોકટોક ઉપયોગ કરીને કરવામાં આવતું વિજળીનું ઉત્પાદન તબક્કાવાર બંધ કરે અને અશ્મિજન્ય ઇંધણો(ક્રૂડની પેદાશો) માટે આપવામાં આવતી બિનકાર્યક્ષમ સબસીડીઓ તબક્કાવાર નાબૂદ કરે. આ પહેલા બુધવારે જે મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં દેશોને કોલસાનો ઉપયોગ બંધ કરવામાં અને અશ્મિજન્ય ઇંધણો માટેની સબસીડીઓ નાબૂદ કરવામાં ઝડપ લાવવાની હાકલ કરવામાં આવી હતી. પરંતુ આ હાકલના શબ્દોમાં બાદમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હાકલ ઢીલી પાડી નાખવામાં આવી છે. એમ કહેવાય છે કે ક્રૂડનું ઉત્પાદન કરતા દેશોના દબાણ હેઠળ આમ કરવામાં આવ્યું છે. હવામાન પરિવર્તન રોકવા માટેના કાર્યક્રમો માટે ગરીબ દેશોને વિકસીત દેશો તરફથી આપવામાં આવતી અપૂરતી સહાયની બાબતે પણ ઢીલા શબ્દોમાં ટીકા કરવામાં આવી છે.

પ્રદૂષણની કટોકટી વકરી રહી છે તે બાબતે ચેતવણીઓ તો આ સમિટમાં ઘણી ઉચ્ચારવામાં આવી પરંતુ જ્યારે કડક ઠરાવોની વાત આવી ત્યારે ફરીથી ઢીલા ઠરાવો અને આક્ષેપબાજીઓ પર વાત આવી ગઇ.  આ સમિટમાં પણ ભૂતકાળની જ કેટલીક બાબતોનું પુનરાવર્તન થતું જણાયું છે. વિવિધ દેશોના પ્રતિનિધિઓ તમામ મુદ્દે સહમત થઇ શકતા નથી. દેશો પોતાના કાર્યોને પ્રદર્શિત કરવામાં અને અન્યો અપૂરતી કામગીરી કરે છે તેવા આક્ષેપો કરવામાં હજી પણ સંડોવાયેલા છે અને કોઇ નક્કર ઠરાવ પર પહોંચી શકાયું નહીં. એકવાર તો આ સમિટ લંબાવવી પણ પડી. ભૂતકાળની હવામાન પરિષદોનું જ આમાં પુનરાવર્તન થતું લાગ્યું છે.

અતિભારે વરસાદની વધતી ઘટનાઓ ભારત માટે મોટી ચિંતાની બાબત છે

આ વર્ષે દેશમાં ચોમાસું ઘણુ મોડું પુરું થયું અને ઓકટોબર માસમાં પણ દેશના કેટલાક ભાગોમાં વિનાશક ભારે વરસાદ પડ્યો જે પછી હાલ હવામાન વિભાગના આંકડા બહાર આવ્યા છે કે ભારતમાં ૨૦૨૧ના સપ્ટેમ્બર અને ઓકટોબર માસમાં ભારે વરસાદની ૧૨૫ જેટલી ઘટનાઓ નોંધાઇ છે જે પાંચ વર્ષમાં સૌથી વધુ છે. હવામાન વિભાગ કહે છે કે નૈઋત્યનું ચોમાસુ મોડુ પાછુ ખેંચાવાને કારણે તથા સામાન્ય કરતા વધુ લો-પ્રેશરની સિસ્ટમો સર્જાવાને કારણે આવું બન્યું છે. દેશમાં આ સપ્ટેમ્બરમાં અતિભારે વરસાદની ૮૯ ઘટનાઓ નોંધાઇ હતી, જેની સામે ગયા વર્ષે આ જ મહિનામાં આવી ઘટનાઓ ૬૧ નોંધાઇ હતી, જ્યારે ૨૦૧૯માં પ૯, ૨૦૧૮માં ૪૪ અને ૨૦૧૭માં ૨૯ આવી ઘટનાઓ સપ્ટેમ્બરમાં નોંધાઇ હતી.

આ જ રીતે આ વર્ષે ઓકટોબરમાં દેશભરમાં અતિભારે વરસાદની ૩૬ ઘટનાઓ નોંધાઇ હતી, જેની સામે ૨૦૨૦માં આ જ મહિનામાં દસ આવી ઘટનાઓ નોંધાઇ હતી. ૨૦૧૯માં ઓકટોબરમાં અતિભારે વરસાદની ૧૬, ૨૦૧૮માં ૧૭ અને ૨૦૧૭માં ૧૨ ઘટનાઓ નોંધાઇ હતી એમ હવામાન વિભાગના આંકડાઓ જણાવે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવા હોનારતકારી હવામાન બનાવો બનવા માટેના કારણોમાં મોડુ ખેંચાયેલુ ચોમાસુ, આ સમયગાળા દરમ્યાન લો-પ્રેશરની ઘટનાઓની સામાન્ય કરતા વધુ સંખ્યા અને ઓકટોબરમાં લો-પ્રેશર સિસ્ટમો સાથે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના ઇન્ટરએકશનનો સમાવેશ થાય છે.

દેશમાં આ સમયગાળા દરમ્યાન બે વાવાઝોડાઓ, એક ડીપ ડીપ્રેશન અને છ લોઝ સહિત લો-પ્રેશરની નવ ઘટનાઓ બની હતી. ઉત્તરાખંડમાં ૧૮ અને ૧૯ ઓકટોબરે બનેલી અભૂતપૂર્વ ભારે વરસાદની ઘટનાઓએ ૭૯ લોકોના ભોગ લીધા હતા અને આ અતિભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં પણ નદીઓમાં પૂર આવ્યા હતા. સમગ્ર દેશમાંથી આ વર્ષે ચોમાસુ ૨૫ ઓકટોબરે પાછુ ખેંચાયુ હતું જેની સામે ચોમાસુ પાછુ ખેંચાવાની સામાન્ય તારીખ ૧૫ ઓકટોબર છે. કેરળમાં પણ કમોસમી અતિભારે વરસાદે આ વર્ષે ભારે હાહાકાર મચાવ્યો અને મોટી જાનહાનિ સર્જી. આના પછી તમિલનાડુમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો.

તમિલનાડુમાં આમ તો આ સમયે ઉત્તર પૂર્વનો વરસાદ એ સામાન્ય બાબત છે, પણ આ વખતે તે અસાધારણપણે વધારે પડ્યો અને ભારે તબાહી મચી ગઇ. વિપરીત હવામાન અને વધતા વાવાઝાડાઓ, મોસમ દરમ્યાનના કે કમોસમી અતિભારે વરસાદની વધતી ઘટનાઓ ભારત માટે સાચે  ચિંતાજનક છે. ભારતમાં અતિભારે અને અનિયમિત વરસાદ માટે પ્રદૂષણમાં વધારા અને પર્યાવરણની ખોરવાયેલી સમતુલાને જવાબદાર માનવામાં આવે છે અને તે અંદાજ મહદઅંશે સાચો છે. ભવિષ્યમાં વરસાદી હોનારતો અટકાવવી હશે તો ભારતે પોતાની પર્યાવરણીય સમતુલા સુધારવી જ પડશે.

Most Popular

To Top