Comments

પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાના પડકારો

દીપાવલીની રજાઓ પૂર્ણતાના આરે છે. વિક્રમના નવા વર્ષમાં સૌ ને આશા છે કે જીવનવ્યવહાર સંપૂર્ણ પહેલાં જેવો સહજ સામાન્ય થઇ જાય! શિક્ષણ વિભાગ હવે ડિસેમ્બરથી પ્રાથમિક શિક્ષણ પણ પૂર્વવત્ કરવા માંગે છે. બાળકો, વાલીઓ, શાળા સંચાલકો સૌ હવે મન મનાવી રહ્યા છે કે પ્રાથમિક શિક્ષણ પણ શાળાઓમાં જ ચાલે! જો કે કોરોનાના ડર વચ્ચે આ કામ સાવ સામાન્ય નથી. સૌ સામે પડકારો છે. જીવન તો જીવવાનું જ છે. માટે તમામ બાબતનો ઝીણવટભર્યો વિચાર થવો જરૂરી છે. હવે એક મુદ્દો સ્પષ્ટ છે કે બાળક શાળાએ જાય કે ન જાય, બજારમાં જાય છે, લગ્ન પ્રસંગોમાં જાય છે. ધાર્મિક ઉત્સવોમાં જાય છે. મેળામાં જાય છે. ફિલ્મ જોવા જાય છે. માટે માત્ર શાળા બંધ રાખવાથી ઝાઝો ફેર પડવાનો નથી. હા, આપણા પ્રાથમિક શિક્ષણમાં કેટલીક મૂળભૂત સમસ્યાઓ  છે કે જે કોરોનાકાળમાં વધારે ચિંતા ઉપજાવે છે. સૌ પ્રથમ ચિંતા છે. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાની! આમ પણ આપણે ત્યાં તમામ મોટા નગર-શહેરમાં શાળાઓએ શિક્ષણનાં કારખાનાં છે. પાળીમાં ચાલે છે.

એક સાથે પાંચસો હજાર વિદ્યાર્થીઓ ભેગાં થાય છે. સરકાર તમામ બાબતોમાં ‘ગાઇડ લાઇનનું પાલન કરવું’ ઓછું લખીને છૂટી જાય છે. પણ આ ગાઇડલાઇન પળાતી નથી! શાળા કક્ષાએ આ સંખ્યા ચિંતાનો વિષય છે. શાળાઓમાં એક વર્ગમાં 60 વિદ્યાર્થી હોય, પ્રાથમિકમાં 30 હોય પણ બે વર્ગ એક મોટા રૂમમાં ભેગા પણ હોય ત્યારે આ શાળા કઇ રીતે શરૂ કરવી તે સરકારે જણાવવું જોઇએ. જો શકય હોય તો શરૂઆતના દિવસોમાં અઠવાડિયાના બે બે દિવસ એમ ત્રણ ભાગમાં વિદ્યાર્થીઓ વહેંચી દેવાં. બાળકો બે દિવસ આવે બાકીના ચાર દિવસનું હોમવર્ક આપવું. આવા વ્યવહારુ રસ્તા વિચારી શકાય. શાળાના શિક્ષણના કલાકો ઘટાડીને પણ સંખ્યા કાબૂમાં રાખી શકાય. (શાળાનો સમય રાબેતા મુજબ, વિદ્યાર્થી માટે ઓછો)

આપણી બીજી ચિંતા સ્કૂલ બસ, રિક્ષાની છે. સૌ જાણે છે કે આમાં નિયમ કયાંય પળાતો નથી. એક રીક્ષામાં દસ બાર વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે. હવે જો આ સંખ્યા ઘટાડવામાં આવશે તો રીક્ષાવાળા ભાડાં વધારે માંગશે. સામાન્ય માણસે મોંઘવારીનો આ નવો માર ખમવાનો છે. શાળાઓ રાબેતા મુજબ થતાં જૂનમાં થનારો ખર્ચ ડિસેમ્બરમાં થવાનો છે. દિવાળીના ખર્ચ પછી આ ખર્ચ મધ્યમ વર્ગને હેરાન કરી નાખશે તે નક્કી વાત છે. શાળાઓની ફી પણ એક વિચારવાનો મુદ્દો છે. અત્યાર સુધી બાળક ઘરે હતું માટે દબાણ નહિ કરનારી સંસ્થાઓ પણ હવે નિયત ફી માંગશે. માટે સરકારે હવે જ ફી માટે નિયમો બનાવવા જોઇશે.

દિવાળીના તહેવારો પછી હવે એક બાજુ કોરોનાના નવા કેસમાં નજીવો વધારો થયો છે. ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે અને વિદેશોમાં સંક્રમણ વધ્યું છે ત્યારે બાળકો હવે જેમને હજી રસી આપી શકાઇ નથી એમને ભેગાં કરવાં એ વિચાર માંગે તેવી ઘટના છે. સરકાર સતત કહે છે કે શિક્ષણ વિભાગે તૈયારી કરી લીધી છે. તો પ્રશ્ન થાય કે શિક્ષણ વિભાગે સૂચના કે પરિપત્ર બહાર પાડવા સિવાય શું તૈયારી કરી લીધી હોય? શિક્ષણ વિભાગે શું કરવાનું હોય? દરેક શાળામાં સેનેટાઇઝીંગ વ્યવસ્થા, સોશ્યલ ડિસ્ટન્સ, હાજરીની તપાસ આ બધું રૂબરૂ તપાસી શકાય તેવું માળખું છે શિક્ષણ વિભાગ પાસે?

આ કપરો સમય છે. જેમનાં બાળકો નાનાં છે તેઓ માટે આ કસોટીનો સમય છે. એક તરફ તેમનું શિક્ષણઘડતર યોગ્ય થાય તે જોવાનું છે. બીજી તરફ આ મહામારીમાં સ્વાસ્થ્ય જળવાય તે પણ જોવાનું છે. આપણી જાહેર વહીવટની સ્થિતિ જોતાં આપણે જ આપણું બાળક સાચવવું તે ગુરુમંત્ર છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top