Columns

બ્રિજભૂષણ સિંહને બચાવવાનાં ચક્રો સર્વોચ્ચ સ્તરે ગતિમાન થઈ ગયાં છે

આપણે જ્યારે ભારતના બંધારણનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને કહેવામાં આવે છે કે કાયદાની નજરે દેશનાં તમામ નાગરિકો સમાન છે, પરંતુ રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહના પ્રકરણમાં છેલ્લા ચાર મહિનાથી જે રીતે કાર્યવાહી થઈ રહી છે તે જોઈને લાગ્યા વિના રહેતું નથી કે ભારતમાં ધનિક અને વગદાર લોકો કાયદાથી પર હોય છે. દેશના કોઈ પણ આમ આદમી સામે કોઈ પણ સગીર કન્યા જાતીય સતામણીની ફરિયાદ કરે તો તરત તેની સામે ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવે છે; પછી તેની તપાસ કરવામાં આવે છે.

સંત આશારામ બાપુ સામે સગીર કન્યા દ્વારા આ પ્રકારની ફરિયાદ કરવામાં આવી ત્યારે તેમની સામે બીજા કોઈ પુરાવા નહોતા તો પણ કેવળ કન્યાની ફરિયાદના આધારે તેમને ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા અને આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી. આશારામની તો ધરપકડ કર્યા પછી તેમને જામીન પણ ન મળે તેનો પાકો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ભારતની ન્યાયવ્યવસ્થાના એક છેડા પર આશારામ બાપુ છે તો બીજા છેડા પર બ્રિજભૂષણ સિંહ છે.

ફરક એટલો છે કે આશારામ બાપુ સંત છે, જ્યારે બ્રિજભૂષણ સિંહ ભાજપના સંસદસભ્ય છે. તેમની સામે પહેલવાન મહિલાઓ દ્વારા જાતીય સતામણીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા તે પછી પણ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી. મહિલા પહેલવાનો દ્વારા તેના માટે જંતર મંતર પર ધરણા કરવામાં આવ્યાં હતાં અને સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટના આદેશ પછી બ્રિજભૂષણ સિંહ સામે દિલ્હી પોલીસે ફરિયાદ તો દાખલ કરી; પણ તેઓ ભાજપના મોવડીમંડળને પોતાના ઇશારા પર નચાવી શકતા હોવાથી દિલ્હી પોલીસ તેમની ધરપકડ કરવાનું ટાળે છે. હવે તો સગીર કન્યા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પણ પાછી ખેંચી લેવામાં આવી છે, જેને કારણે બ્રિજભૂષણ સિંહ ‘પોક્સો’ના કાયદાની ચુંગાલમાંથી બચી જશે.

આ લેખકના અંગત મત મુજબ બ્રિજભૂષણ સિંહ ભાજપની નેતાગીરીની કોઈ નબળી કડી જાણે છે, જેના ડરથી તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં ઢીલ કરવામાં આવી રહી છે. ભાજપની સરકાર બરાબર જાણે છે કે રેસલરોના આંદોલનને કારણે જનમત ભાજપની વિરુદ્ધમાં જઈ રહ્યો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક બાજુ બેટી બચાવો, બેટી પઢાઓનો જાપ જપી રહ્યા છે તો બીજી બાજુ જંતર મંતર પર ન્યાય માટે આંદોલન કરી રહેલી ભારતની મશહૂર બેટીઓનાં આંદોલનને પાશવી તાકાત દેખાડી કચડી નાખવામાં આવ્યું છે.

જે વ્યવહાર આરોપી બ્રિજભૂષણ સિંહ સાથે કરવો જોઈએ તે ફરિયાદી દીકરીઓ સાથે કરવામાં આવ્યો હતો. હરિયાણાની ખાપ પંચાયતે રેસલરોના આંદોલનને જબરદસ્ત ટેકો આપ્યો છે તે જોતાં આગામી ચૂંટણીઓમાં આ મુદ્દે ભાજપને પ્રચંડ નુકસાન જશે તે નક્કી છે. આટલું ભયંકર નુકસાન વેઠીને પણ ભાજપની નેતાગીરી બ્રિજભૂષણ સિંહની ધરપકડનો આદેશ નથી આપતી તેમાં કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે.

રેસલરો દ્વારા બ્રિજભૂષણ સિંહ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા ત્યારથી લઈને તેની અત્યાર સુધીની વર્તણૂક એ વાતની ચાડી ફૂંકે છે કે તેનો વાળ પણ વાંકો નહીં થાય તેનો તેને ગળા સુધી વિશ્વાસ છે. આ વિશ્વાસના આધારે જ પોતાના બચાવમાં તે પ્રેસ કોન્ફરન્સો કરી રહ્યો છે અને જાહેર નિવેદનો કરીને રેસલરોની ઠેકડી ઉડાડી રહ્યો છે. પોતાના સમર્થનમાં રેલી કરવાની હિંમત પણ બ્રિજભૂષણ સિંહ દેખાડી રહ્યો છે. એક જાહેર સભામાં તો તેણે રેસલરોને લલકારતાં કહ્યું હતું કે ‘‘તમારી સાથે કોણે કર્યું, શું કર્યું, ક્યારે કર્યું અને ક્યાં કર્યું તે જાહેર કરો.’’

કોઈ આદમી આટલો નફ્ફટ કેવી રીતે બની શકે? નવા સંસદભવનના ઉદ્ઘાટનમાં પણ તે બિનધાસ્ત ફરી રહ્યો હતો અને ફોટોગ્રાફરોને પોઝ આપી રહ્યો હતો. કોઈ આરોપી આટલો નિર્લજજ ક્યારે બની શકે? બ્રિજભૂષણને ગળા સુધી વિશ્વાસ છે કે ભાજપ તેને બચાવી લેશે, માટે તે આટલો નફ્ફટ બની ગયો છે. જંતરમંતર પર આંદોલન કરી રહેલી મહિલા પહેલવાનોએ ન્યાય મેળવવા માટે પોતાની ઇજ્જત, આબરુ, સરકારી નોકરી, કૌટુંબિક જીવન, આર્થિક સલામતી, મનની શાંતિ વગેરે બધું દાવ પર લગાવી દીધું હતું. બ્રિજભૂષણ સિંહ સરકારી વાતાનુકૂલિત બંગલામાં આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે પહેલવાનો ખુલ્લા આકાશ હેઠળ સૂતાં હતાં. તેમનું આંદોલન પણ પદ્ધતિસર તોડવામાં આવી રહ્યું છે. તેના માટે પોલીસની પાશવી તાકાતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મિડિયા દ્વારા પણ પરસ્પર વિરોધાભાસી હેવાલો બહાર પાડીને તેમનું આંદોલન તોડવામાં આવી રહ્યું છે.

રેસલરોનાં આંદોલન પછી બ્રિજભૂષણ સિંહ સામે બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે અત્યંત ગંભીર પ્રકારની છે. પહેલી ફરિયાદ ‘પોક્સો’ કાયદાની ૮મી કલમ હેઠળ દાખલ કરવામાં આવી છે, જેમાં સગીર બાળાની જાતીય સતામણી કરવાના ગુના સબબ પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. બાળકોના અધિકારો માટે લડતી સંસ્થાના કાર્યકરો કહે છે કે બ્રિજભૂષણ સામે ‘પોક્સો’ની ૮મી નહીં પણ ૧૦મી કલમ લગાડવી જોઈતી હતી, જેમાં સત્તાના સ્થાન પર રહેલી કોઈ વ્યક્તિ સગીરનું જાતીય શોષણ કરે તો તેને વધુ ગંભીર ગુનો ગણવામાં આવે છે, જેમાં સાત વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

બીજી ફરિયાદ ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૫૪ હેઠળ દાખલ કરવામાં આવી છે, જેમાં મહિલાની છેડતી અને જાતીય સતામણી કરવા બદલ પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ આક્ષેપોની તપાસ માટે સીટની રચનાનું નાટક પણ કરવામાં આવ્યું છે. જો ભારતના કોઈ પણ સામાન્ય નાગરિક ઉપર આ કલમો લગાવવામાં આવી હોય તો તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે અને તેના જામીન પણ નકારી કાઢવામાં આવે છે. બ્રિજભૂષણ સિંહમાં એવી કઈ ખાસિયત છે કે પોલીસે આજ દિન સુધી તેની ધરપકડ પણ નથી કરી?

રેસલરોના કેસની સરખામણી ૧૯૯૦ના રૂચિકા ગિરહોત્રા કેસ સાથે કરવા જેવી છે. રૂચિકા માત્ર ૧૪ વર્ષની ટેનિસ ખેલાડી હતી. તેની જાતીય સતામણી હરિયાણા લોન ટેનિસ એસોસિયેશનના પ્રમુખ શામ્બુ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી, જે હરિયાણાનો ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસ પણ હતો. રૂચિકાનાં માતાપિતા દ્વારા રાઠોડ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી તે પછી રાઠોડના ચમચાઓ દ્વારા તેમને એટલો માનસિક ત્રાસ આપવામાં આવ્યો કે તે ત્રાસ સહન ન થવાથી રૂચિકાએ આપઘાત કરીને પોતાની જિંદગીનો અંત આણ્યો હતો.

રૂચિકાના મરણ પછી પણ રાઠોડ સામેનો કેસ ચાલ્યો હતો. તેનો છેક ૨૦૦૯માં ચુકાદો આવ્યો હતો, જેમાં રાઠોડને માત્ર ૬ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટમાં આખરી ચુકાદો આવ્યો ત્યારે તે સજા ભોગવી ચૂક્યો હતો. મહિલા પહેલવાનો હાલમાં તો બેકફૂટ પર આવી ગઈ છે, કારણ કે સગીર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી છે અને તેમને સરકારી નોકરીમાંથી હકાલપટ્ટી થવાનો ડર સતાવી રહ્યો છે. ભાજપ સરકારની એટલી તો બદનામી થઈ છે કે ભાજપના કોઈ પણ નેતા જાહેરમાં તેના વિશે વાત કરતાં ડરે છે. કદાચ બ્રિજભૂષણ સિંહ સંસદસભ્ય મટી જશે તે પછી તેમની સામેનો કેસ ચાલશે અને તેમને સજા પણ થશે, પણ લોકો ન્યાયતંત્રમાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે.

Most Popular

To Top