Top News

ઇઝરાઇલ–લેબનાન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ શરૂ થવાનો ઐતિહાસિક નિર્ણય

Donald Trumpની મોટી જાહેરાત

મધ્ય પૂર્વમાં સતત વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાઇલ અને લેબનાન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ યુદ્ધવિરામ થોડા કલાકોમાં અમલમાં આવશે અને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા સંઘર્ષને શાંત કરવા માટે આ મહત્વપૂર્ણ પગલું છે.

ટ્રમ્પે જણાવ્યું કે તેમણે લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ ઔન અને ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે “ઉત્તમ વાતચીત” કરી હતી, જેના પરિણામે બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે. તેમના જણાવ્યા અનુસાર આ યુદ્ધવિરામ ભારતીય સમય મુજબ વહેલી સવારે અમલમાં આવવાનો હતો.

આ યુદ્ધવિરામમાં ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ સંગઠનને પણ સામેલ કરવામાં આવ્યું છે, જે લાંબા સમયથી ઇઝરાઇલ સામે હુમલાઓમાં સક્રિય રહ્યું છે. અમેરિકા તરફથી જણાવાયું હતું કે લેબનાન સરકાર હિઝબુલ્લાહને ઇઝરાઇલ વિરુદ્ધ કોઈપણ હુમલા કરવા રોકવા માટે જરૂરી પગલાં લેશે. અમેરિકાએ આ યુદ્ધવિરામને ઐતિહાસિક તક ગણાવી છે અને ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે આગામી થોડા દિવસોમાં ઇઝરાઇલ અને લેબનાનના નેતાઓ વચ્ચે વ્હાઇટ હાઉસમાં બેઠક યોજાઈ શકે છે, જે ભવિષ્યમાં સ્થાયી શાંતિ માટે માર્ગ તૈયાર કરી શકે છે.

માહિતી અનુસાર, ઇઝરાઇલ અને લેબનાન વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે સૈન્ય અથડામણો ચાલી રહી હતી. ખાસ કરીને ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ સાથેના સંઘર્ષને કારણે સરહદી વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. સાથે જ યુદ્ધવિરામની જાહેરાત પહેલાં દક્ષિણ લેબનાનમાં ઇઝરાઇલ દ્વારા તીવ્ર હવાઈ હુમલાઓ પણ કરવામાં આવ્યા હતા. આ 10 દિવસનો યુદ્ધવિરામ બંને દેશો માટે તણાવ ઘટાડવાની મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નિર્ણયનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, અને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top