Sports

ક્રિકેટમાં પાત્રો બદલાતાં રહેશે પણ માંકડિંગ પરની ચર્ચાનો અંત કદી નહીં આવે

લોર્ડસના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ભારતીય મહિલા અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચેની વન ડે સીરિઝની અંતિમ મેચ બધી રીતે યાદગાર મેચ હતી, ખાસ તો એ મેચ ભારતની ઝડપી બોલર ઝુલન ગોસ્વામી માટે સૌથી મહત્ત્વની હતી. ઝુલન ગોસ્વામી તેની કારકિર્દીની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી રહી હતી અને લોર્ડસ પરથી છેલ્લી મેચ રમીને ક્રિકેટમાંથી નિવૃત્ત થનારી તે વિશ્વના કેટલાક ગણતરીના ક્રિકેટર્સમાંથી એક હતી. સર્વત્ર તેની ચર્ચા હતી. મેચની શરૂઆત પહેલાં અને મેચનો છેલ્લો બોલ ફેંકવામાં આવ્યો ત્યાં સુધી બધે માત્ર ઝુલનની જ ચર્ચા હતી. પરંતુ છેલ્લો બોલ ફેંક્યા બાદ લાઇમલાઇટ ઝુલનના બદલે ભારતીય સ્પિનર દીપ્તિ શર્મા પર આવી ગઇ અને તે ચર્ચાના કેન્દ્રમાં આવી ગઇ હતી.

ભારતીય ટીમ માટે મેચ કટોકટીની સ્થિતિમાં હતી ત્યારે બોલ ફેંકવામાં આવે તે પહેલાં ચાર્લોટ ડીન રન ચોરી લેવા માટે ક્રિઝની બહાર નીકળી ગઇ હતી અને દીપ્તિએ બોલ ફેંકવાને બદલે તેને રનઆઉટ કરી હતી, ક્રિકેટની ભાષામાં તેને માંકડિંગ કહેવામાં આવે છે. દીપ્તિએ બેલ્સ ખેરવીને અપીલ કરતા થર્ડ અમ્પાયરે ડીનને રન આઉટ જાહેર કરી અને તેની સાથે જ ચાર્લોટ ડીનની આંખોમાં આંસુ તરવા માંડ્યા. ચાર્લોટ ડીનના આંખમાં ઝળઝળિયાં જોઇને બધાને તેના પ્રત્યે લાગણી ઉમટી હોય તેમ કેટલાક માજી ક્રિકેટરોએ જેમાં મોટાભાગે ઇંગ્લેન્ડના જ ક્રિકેટર હતા તેમણે દીપ્તિને રમતની સ્પિરિટની દુહાઇ આપવા માંડી. તેમનામાંથી કોઇએ પણ રમતની સ્પિરિટના કોઇ પાઠ ચાર્લોટ ડીનને પઢાવવાની જરૂર ન લાગી.

ભારતીય મહિલા ટીમની એ જીતને ખેલદિલીની ખોટ ગણાવતા સંદેશાઓથી સોશ્યલ મીડિયા છલકાઈ ગયું હતું. મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન નાસિર હુસૈને દીપ્તિની આ ક્રિયા પર નિરાશા વ્યક્ત કરી હતી. સ્ટુઅર્ટ બ્રોડે સોશ્યલ મીડિયા પર કહ્યું કે તે ક્યારેય આવી રીતે  મેચ જીતવા નહીં માગે. ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ચાહકોની કંપની ‘બાર્મી આર્મી’એ કહ્યું હતું કે, ‘તે કાયદેસર હોઈ શકે છે, પરંતુ તે ક્રિકેટ નથી’  જો કે જ્યારે આ જ ઇંગ્લે્ન્ડની પુરુષ ટીમ વર્લ્ડકપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ ટાઇ થયા પછી સુપર ઓવર પણ ટાઇ થઇ ત્યારે બાઉન્ડરીની ગણતરીવાળા નિયમથી વન ડે વર્લ્ડકપમાં પહેલી વાર ચેમ્પિયન બની ત્યારે આ લોકોને નિયમમાં કોઈ ખામી દેખાઈ નહોતી. ચાર્લોટ ડીન ભાંગી પડી તે વાજબી હોઈ શકે છે. જીતની ઉંબરે પહોંચ્યા બાદ પણ ટીમને જીત અપાવી ન શકવાના દર્દથી તે ભાંગી પડી હતી. ડીન લાગણીમાં ડૂબી ગઇ અને  અંગ્રેજો લાગણીસભર બની ગયા. તેમણે જાણીજોઇને ક્રિકેટમાં અહીં નીચે આપવામાં આવેલી બાબતોની અવગણના કરી હતી.

– ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) અને રમતના નિયમ બનાવતી સંસ્થા MCC (મેરીલેબોન ક્રિકેટ ક્લબ) એ આના ઉકેલ માટે જ નવા નિયમો ઘડ્યા છે. ICCના નિયમ 41.16.1 મુજબ, જો બોલ રમતમાં આવે  તે પછી નોન-સ્ટ્રાઈકર ક્રિઝની બહાર નીકળે, તો બોલર તેને રન આઉટ કરી શકે છે. – બોલ રમતમાં ક્યારથી આવે છે તે સમજાવવા માટેનો પણ એક  નિયમ છે, જે કહે છે, ‘બોલર બોલ સાથે દોડવાનું શરૂ કરે કે તરત જ રમત શરૂ થાય છે. આ દરમિયાન, જો કોઈ ફિલ્ડર તેની સ્થિતિ બદલે છે અથવા જો તે જાણી જોઈને આગળ વધે છે, તો અમ્પાયરને તે ટીમ પર 5 રનનો દંડ લગાવવાનો અધિકાર છે.- રહી વાત ખેલદિલી અને નૈતિકતાની તો, માજી ભારતીય ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું હતું કે જો કોઈ પણ બેટર સામે અપીલ કરે છે અને અપીલ નકારી કાઢ્યા પછી પણ DRS ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કરતું નથી, તેને આમાં નૈતિકતાની દુહાઇ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી.

જે રીતે દીપ્તિએ ડીનને રન આઉટ કરી તેને ભારતના માજી સ્પિનર વિનુ માંકડના નામે માંકડિંગ કહેવાય છે. આ પહેલાં વન-ડે ઈન્ટરનેશનલમાં 4 વખત માંકડિંગનો મામલો સામે આવ્યો હતો પરંતુ મહિલા ક્રિકેટમાં આ રીતે કોઈ ખેલાડીને આઉટ કરવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના છે. ક્રિકેટરો અને નિષ્ણાતો હંમેશાં માંકડિંગને લઈને બે ભાગમાં વહેંચાયેલા લાગે છે. એક પક્ષને માંકડિંગમાં કંઈ ખોટું દેખાતું નથી, જ્યારે બીજો કહે છે કે તે ખોટું છે. હા, કોણ ક્યારે કયા પક્ષે ઊભું રહેશે, તે તે સમયની પરિસ્થિતિ નક્કી કરે છે.

આ ચર્ચા 1947-48 થી ચાલી રહી છે જ્યારે ભારતીય સ્પિનર વિનુ માંકડે પ્રથમ વખત બેટ્સમેનને આ રીતે આઉટ કર્યો હતો. MCC એ નિયમોના પુસ્તકમાં માંકડિંગને રન આઉટ તરીકે વર્ગીકૃત કરીને આ ચર્ચાનો અંત આણ્યો અને સ્પષ્ટ કર્યું કે તે અનૈતિક નથી. MCCએ એક નિવેદન બહાર પાડીને પણ કહ્યું હતું કે ડીનને રન આઉટ કરાઇ તે વાજબી હતું. નિયમો અને MCCની સફાઈ છતાં ફરી એક વાર આ રન આઉટની ચર્ચાએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે આ ચર્ચા હાલ સમાપ્ત થવાની નથી. તે સતત ચાલતી રહેવાની છે અને જો તેમાં કંઇ બદલાશે તો માત્ર પાત્રો બદલાતા રહેશે.

Most Popular

To Top