Columns

100 વર્ષ પહેલાં જેલમાં ગાંધીજીએ કયાં પુસ્તકો વાંચ્યાં હતાં?…

ગાંધીજીના જીવનમાં પુસ્તકોની ભારે અસર રહી છે. આત્મકથામાં તો તેમણે રસ્કીનનાં ‘અનટુ ધિસ લાસ્ટ’ની જીવનમાં થયેલી અસર વિશે ‘એક પુસ્તકની જાદુઈ અસર’એ નામે આખું પ્રકરણ લખ્યું છે. આ પ્રકરણમાં ગાંધીજી એમ લખે છે કે ‘વિદ્યાભ્યાસના કાળમાં પાઠ્યપુસ્તકો બહાર મારું વાચન નહીં જેવું જ ગણાય.’પણ જે પુસ્તકો વાંચ્યા છે તે પુસ્તકોને ઠીક પચાવી શક્યાની વાત તેમણે કહી છે. રસ્કીનના આ પુસ્તકના અસરના પરિણામે જ તેઓ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ સ્થાપીને આશ્રમજીવન તરફ વળ્યા. પુસ્તકોને લઈને થયેલી અસર બાબતે ગાંધીજીના જીવનમાં આવાં બીજા પણ ઉદાહરણો ટાંકી શકાય, એટલો પ્રભાવ તેમના જીવનમાં પુસ્તકોનો રહ્યો છે.

જીવનનાં અલગ-અલગ તબક્કે ગાંધીજીએ પુસ્તકોનું ખૂબ વાંચન કર્યું છે પણ 1922માં જ્યારે તેમને ભારતમાં પ્રથમવાર રાજદ્રોહના કેસમાં છ વર્ષની જેલ થઈ હતી ત્યારે તેમણે યરવડા જેલમાં એકધારાં ખૂબ પુસ્તકો વાંચ્યા હતા. સામાન્ય રીતે ગાંધીજી રોજબરોજ પત્રો લખતાં, તે પત્રો લખવાનો ક્રમ પણ આ ગાળામાં ખૂબ ઓછો છે. જે નિયમિત પ્રવૃત્તિ તેમની દેખાય છે તે માત્ર વાંચનની. તેમની આ દરમિયાન વાંચનની બધી વિગત ગાંધીજીના લખાણો જે સો ગ્રંથોમાં સચવાયા છે તે ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના 23માં ક્રમાંકના ગ્રંથમાં સમાવિષ્ટ છે. તેમણે વાંચેલા પુસ્તકોની વિગત ગાંધીજીએ તે દરમિયાન લખેલી જેલડાયરીમાં ટપકાવી છે. ગાંધીજીને 21મી માર્ચના રોજ યરવડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા અને જાન્યુઆરી 1924 સુધી તેઓ અહીં કારાવાસમાં રહ્યા. આ દરમિયાન તેમણે ધર્મ, સાહિત્ય, સમાજવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનનાં એકદંરે 150 પુસ્તકો વાંચ્યાં હતાં.

આ જેલડાયરીમાં આરંભે જે પુસ્તકો વાંચ્યા છે તેની વિગતમાં ‘માસ્ટર એન્ડ હિઝ ટીચિંગ’, ‘આર્મ ઑફ ગોડ, ક્રિશ્ચાનિટી ઇન પ્રેક્ટિસ’, ‘બાય એન અનનોન ડિસપાઇલ’, ‘સત્યાગ્રહ અને અસહયોગ’, ‘કુરાન’, ‘ધ વે ટુ બિગિન લાઇફ’, ‘ટ્રિપ્સ ટુ ધ મુન’, ‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન’, ‘રામાયણ’-તુલસીદાસનાં નામ છે. ગાંધીજી અહીં ઝડપથી પુસ્તકો વાંચી રહ્યાં છે. એપ્રિલના મધ્યમાં આ પુસ્તકો વાંચ્યા લીધા છે તેવી નોંધ છે અને તે પછી એપ્રિલના અંતે જે પુસ્તકોના નામ આવે છે તેમાં ‘નેચરલ હિસ્ટ્રી ઑફ બર્ડઝ’ છે. અહીં જ ‘ધ યંગ ક્રૂસેડર’નામનું પુસ્તકેય વાંચ્યું છે. એપ્રિલ હજુ તો પૂરો થતો નથી ત્યાં સુધી તેઓ ‘સ્કોટલેન્ડના ઇતિહાસ’નું પ્રથમ પુસ્તક અને ‘બાઇબલ વ્યૂ ઓફ વર્લ્ડ’જે રેવ.લોરેન્સનું પુસ્તક છે તે પણ વાંચી લે છે.

આ પુસ્તકોના નામ પરથી જોઈ શકાય છે કે ગાંધીજીએ તમામ ક્ષેત્રના પુસ્તકો વાંચી રહ્યા છે. જોકે, ડાયરીમાં પુસ્તકોનાં નામ ગાંધીજીએ એમ જ ટપકાવી દીધા છે. કેટલીક જગ્યાએ તેનું પૂરું નામ નથી લખ્યું અને લેખકોના પણ નામ નથી. ગાંધીજીએ જે પુસ્તકો લખ્યાં છે તે ખરેખર કયા છે તે વિશે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ‘બિબલીઓગ્રાફી ઓફ બુક્સ રીડ બાય મહાત્મા ગાંધી’નામે સંશોધન થયું છે. આ યાદી બનાવવામાં ત્રણ વ્યક્તિઓએ જહેમત લીધી છે. તેમનાં નામ છે ગૂજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી વિભાગમાંથી નિવૃત્ત થયેલાં કિરીટ કે.ભાવસાર અને ગૂજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી વિભાગના પૂર્ણિમા ઉપાધ્યાયનું. આ ઉપરાંત માર્ક લીન્ડલે પણ આ કાર્ય સાથે સંકળાયેલાં હતાં.

માર્ક લિન્ડલેએ આધુનિક ભારતનો ઇતિહાસ લખી ચૂક્યા છે. આ ત્રણેય સંશોધકોએ મળીને ગાંધીજીએ જે પુસ્તકોના નામો ટૂંકમાં લખેલા છે તે પુસ્તકોના પૂરાં નામ, લેખક સાથે લખ્યાં છે. ‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ’નામનું પુસ્તક ગાંધીજીએ વાંચ્યું એમ લખ્યું છે અને તેની સાથે લેખકનું નામ માત્ર ‘ઠાકોર’એમ લખ્યું છે. પરંતુ બિબલીઓગ્રાફીનું કાર્ય કરનારાં આ સંશોધકોએ તે પુસ્તકનું પૂરું નામ લખ્યું છે. આ પુસ્તકનું નામ છે : ‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન ટુ ધ ડાઉન ઓફ રિસ્પોન્સિબલ ગવર્નમેન્ટ’. અને તેના લેખક છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. ‘બી. કે. ઠાકોર’થી ઓળખાતાં બળવંતરાયની ઓળખ સાહિત્યકાર તરીકેની છે, પરંતુ તેમણે ભારતીય વહિવટ પર પણ પુસ્તક લખેલું છે, જે તેમનું માઇલસ્ટોન કાર્ય કહેવાય છે.

એ જ રીતે 22 એપ્રિલ 1922ના રોજ ગાંધીજી ‘નેચરલ હિસ્ટરી ઓફ બર્ડ્ઝ’નામનું પુસ્તક વાંચ્યાનો ઉલ્લેખ ડાયરીમાં કરે છે. પરંતુ ‘બિબલીઓગ્રાફી…’માં સંશોધકોએ તે પુસ્તક મહંદશે જે હોવું જોઈએ તેનું નામ આ રીતે લખ્યું છે : ‘ધ બર્ડ્ઝ ઓફ ઇન્ડિયા- બિઇંગ અ નેચરલ હિસ્ટરી ઓફ ઓલ ધ બર્ડ્ઝ નોન ટુ ઇનહેબિટ કોન્ટિનેટલ ઇન્ડિયા’. અને આ પુસ્તકના લેખક છે થોમસ ક્લેવરહિલ જેર્સન. ગાંધીજીએ જે નામ લખ્યું છે તેમાં એવું જરા સરખો પણ ખ્યાલ નથી આવતો કે ખરેખર આ પુસ્તક કયું છે. ‘બિબલીઓગ્રાફી ઓફ બુક્સ રીડ બાય મહાત્મા ગાંધી’ના કારણે જ તે પુસ્તકોના નામ જાણી શકાય છે.

મે મહિનામાં ગાંધીજીના વાંચનમાં જે પુસ્તકો આવે છે તેમાં ફેરરનું ‘સીકર્સ ઓફ ગોડ’, ‘મિસરકુમારી’પુસ્તક, ‘સ્ટોરીઝ ફ્રોમ ધ હિસ્ટરી ઓફ રોમ’, ‘ટોમ બ્રાઉન્સ સ્કૂલ ડેઝ’, બેકનનું ‘ધ વિઝડમ ઓફ ધ એન્શિઅન્ટ્સ’, હિંદુસ્તાનનો ઇતિહાસ મોગલ વંશ સુધી, મોરિસનું વ્યાકરણ, ‘ચંદ્રકાંત’, ‘વાલ્મિકી રામાયણ’અને કિપલિંગનું ‘ફાઇવ નેશન્સ’નામનાં પુસ્તકો છે. ફેરરનું પૂરું નામ છે ફેડરિક વિલિયમ ફેરર છે અને ‘સીકર્સ ઓફ ગોડ’ખાસ્સું જાણીતું પુસ્તક છે. આ પુસ્તક આજે અનેક ડિજિટલ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. જોકે, તે સમયના આ જાણીતાં પુસ્તકો ઇન્ટરનેટ પણ મળે છે પણ તેના કન્ટેન્ટ વિશેની કોઈ નોંધ નથી મળતી.

આ યાદીમાં બીજું એક જાણીતું પુસ્તક છે તે ‘ટોમ બ્રાઉન્સ સ્કૂલ ડે’. આ નવલકથાના લેખક છે થોમસ હગીસ. શાળાના દિવસોની વાતો આ પુસ્તકમાં લેખકે વર્ણવી છે. આ પુસ્તક ઇંગ્લેન્ડમાં 1957ના અરસામાં પ્રકાશિત થયું હતું અને તે ખૂબ જાણીતું બન્યું હતું. ગાંધીજી આ નવલકથામાંથી તેમાંથી થોડો હિસ્સો પણ ડાયરીમાં ટપકાવે છે. પુસ્તકોમાંથી જે મળ્યું તે આચરણરૂપે લેવું તે ગાંધીજીનો જીવનમંત્ર રહ્યો છે તેથી અહીંયા પણ તેઓ પુસ્તકમાંથી એવો જ હિસ્સો ટપકાવે છે. : “પોતાને જે અવશ્ય સત્ય લાગે તેનાથી પાછા હઠવાને બદલે જેઓ દ્વેષ, ઉપહાસ અને ગાળોને પસંદ ન કરે તેનું નામ ગુલામ. બે કે ત્રણ જણના સાથમાં પણ જેઓ સત્યનો પક્ષ કરવાની હિંમત ન કરે તે જ ગુલામ”અને બીજો હિસ્સો જે ટાંકે છે તે “ક્રાઇસ્ટના પવિત્ર ભોજનની ક્રિયા કરવી એટલે જે તંગીમાં હોય તેને માત્ર કંઈ આપવું એમ નહીં પણ આપણી પાસે જે હોય તેમાંથી તેમને ભાગ પાડી આપવો. દાતાના ભાવ વિના દાન વ્યર્થ છે.

દાન સાથે જે પોતાનું તન, મન પણ આપે છે તે ત્રણ જણને પોષે છે. પોતાને, પાડોશીને અને મને.” સામાન્ય રીતે આ ગાળામાં ગાંધીજીએ પુસ્તકો વિશે જ લખ્યું છે. તેની અંદરની વિગતો ભાગ્યે જ લખી છે. પણ અહીંયા તેમને આ પુસ્તકમાંથી જે હિસ્સો સારો લાગ્યો તે તેમણે ડાયરીમાં ટાંક્યો છે. મે મહિનામાં વાંચેલું એક અન્ય પુસ્તક છે તે ફ્રાન્સિસ બેકોન્સનું ‘ધ વિઝડમ ઓફ એન્શિયન્ટ’. આ પુસ્તક ઇ.સ. 1609માં પ્રકાશિત થયું હતું. મતલબ કે ગાંધીજીએ વાંચ્યું હતું ત્યારે પણ તેને પ્રકાશિત થયે ત્રણ સદી વીતી ચૂકી હતી. આ પુસ્તકના લેખક ફ્રાન્સિસ બેકોન ઇંગ્લેન્ડના એટરની જનરલ રહી ચૂક્યા છે. તેમનું સાહિત્યિક કાર્ય તર્કબદ્ધ વિચાર માટે જાણીતું છે અને યુરોપમાં ‘સાયન્સ રિવોલ્યુશન’ના સમયમાં તેમનું આ સાહિત્યિક કાર્ય તે યુગના લોકો માટે અસર ઊભું કરતું રહ્યું. તેમનું ઇતિહાસ, કવિતા અને ફિલસૂફીમાં નોંધપાત્ર કાર્ય છે.

આ યાદીમાંનું એક પુસ્તક રુડયાર્ડ કિપલિંગનું ‘ધ ફાઇવ નેશન્સ’છે. આ પુસ્તક કવિતાનો સંગ્રહ છે અને 1903માં તે પ્રકાશિત થયું હતું. જોકે તેની ખ્યાતિ એટલી પ્રસરી હતી જેથી ગાંધીજીએ આ પુસ્તક વાંચવા લીધેલું હોવું જોઈએ. આગળ જૂન મહિનામાં જે વાંચેલા પુસ્તકોની યાદી આવે છે તેમાં એડવર્ડ બેલમીનું ‘ઇક્વાલિટી’, ડેવિસનું ‘ગ્રીસમાં સેન્ટ પોલ’, ‘જેકિલ એન્ડ હાઇડ’, લોર્ડ રોઝબરીનું ‘પિટ’, કિપલિંગનું ‘સેકન્ડ જંગલ બુક’, ‘ફાઉસ્ટ’, જોન હાવર્ડનું જીવનવૃત્તાંત, વાલ્મિકી રામાયણ, જુલે વર્નનું ‘ડ્રોપ્ડ ફ્રોમ ધ ક્લાઉડ્ઝ’છે. શબ્દ મર્યાદાના કારણે અહીં વધુ નોંધ નહીં કરી શકાય, પણ જેઓને ગાંધીજીએ કયા પુસ્તકો વાંચ્યા છે તેમાં રસ હોય તો તેમણે ‘બિબલીઓગ્રાફી ઓફ બુક્સ રીડ બાય મહાત્મા ગાંધી’જોવી જોઈએ. ઇન્ટરનેટ પર તે ઉપલબ્ધ છે.

Most Popular

To Top