Comments

શિક્ષક: એક લુપ્ત થતી જતી પ્રજાતિ

પ્રવાસી પક્ષીઓ કુદરતની શોભા છે. પ્રવાસી મહેમાનો દેશની શોભા છે. પણ પ્રવાસી શિક્ષકો? રાજય સરકારે સરકારી શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનું વિચાર્યું છે. ‘શિક્ષક કભી સાધારણ નહિ હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસકી કોખ મેં પલતે હૈ’- ચાણકય ટી.વી. ધારાવાહિકનો આ સંવાદ સાંભળવો ખૂબ ગમે તેવો છે. પણ વાસ્તવમાં શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ જાવ તો પ્રતીક્ષા કક્ષની પાટલી પર બેઠેલા શિક્ષકને જુઓ તો ખબર પડે કે તે કેટલો ‘લાચાર’ હોય છે! આમ તો શિક્ષક એટલે ‘શિક્ષક’ પણ સરકારના અથાગ પ્રયત્નો પછી શિક્ષક સમૂહમાં નવા પ્રકારો મળી આવ્યા છે. પ્રવાસી શિક્ષક, નિવાસી શિક્ષક, મુલાકાતી અધ્યાપક, એડહોક અધ્યાપક, શિક્ષક સહાયક, વિદ્યા સહાયક… અને પરિણામે ગુજરાતમાં શિક્ષણ નિ:સહાય! અમારા મિત્રો ગમ્મતમાં કહે છે કે સરકારી પ્રાથમિક શાળાના કાયમી શિક્ષકોને સરકાર કાયમ પ્રવાસી જ રાખે છે.

મતદાર યાદી બનાવવા મોકલે, ટીપાં પીડાવવા મોકલે, કોરોનામાં અનાજ વહેંચવા મોકલે, રસી નોંધાવા મોકલે! વસ્તીગણતરીમાં મોકલે, ખેત તલાવડી ગણવા મોકલે, શૌચાલય ગણાવવા મોકલે, નેતાઓની સભાઓમાં ભીડ ભેગી કરવા મોકલે, શિક્ષક તો પ્રવાસી જ હોય એટલે શાળામાં ભણાવવા માટે મુલાકાતી શિક્ષકો જુદા રાખવા જ જોઇએ! જો કે આ બધા બળાપાનો કાંઇ અર્થ નથી! કારણ કે ગુજરાતનો સંપન્ન વર્ગ તેમનાં બાળકોને સરકારી પ્રાથમિક શાળામાં ભણાવતો જ નથી. એ તો ખાનગી શાળામાં ભણાવે છે. એટલે સરકારી શાળાના શિક્ષકોનું શું થાય છે? તે જાણવામાં તેને રસ નથી! વળી આજથી દસ-વીસ વર્ષ પહેલાં નિવૃત્ત થઇ ચૂકેલા કેળવણીકારો, લેખકો, ચિંતકોને વર્તમાન શિક્ષણ પરિસ્થિતિનો અંદાજ નથી! તેઓ કોઇ જુદી જ દુનિયાના પ્રસન્નચિત્ત વિદ્વાનો છે. જેઓ સતત શિક્ષક-અધ્યાપક ને આદર્શનું ચ્યવનપ્રાશ ચટાડયા કરે છે.

એકાદ કથામાં લાખો રૂપિયા કમાતા કથાકારો, એકાદ પ્રવચનના પચાસ-પંચોતેર હજાર લેતા લોકપ્રિય વકતાઓ, રેડિયો જોકીઓને નમ્ર વિનંતી કે બસ એક અઠવાડિયું સરકારી પ્રાથમિક શાળાના આંગણામાં ખુરશી નાખીને બેસો! અરે કમસેકમ ગુજરાતની કોલેજો, યુનિ.માં કઇ રીતે શિક્ષણ પરીક્ષણ ચાલે છે તે કોઇને પૂછો તો ખરા! હવે ફરી જયારે ઓફ લાઇન શિક્ષણ શરૂ થયું છે ત્યારે સ્કૂલ રીક્ષામાંથી ઉતરતાં બાળકો ગણી તો જુઓ! હેમચન્દ્રાચાર્ય મહારાજનું નામ જેની સાથે જોડાયું છે તે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પોતાના પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા હજુ લઇ શકી નથી! સમાચાર છે કે ત્રીજી માર્ચથી લેવાનારી પરીક્ષા હવે આઠમી માર્ચે લેવાની છે! યુનિવર્સિટીની એક જાહેરાત હતી કે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તે વિદ્યાર્થી લેટ ફી ભરીને ફોર્મ ભરી શકશે! એટલે એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે વિદ્યાર્થી ફોર્મ મોડું ભરે તો લેટ ફી હોય તો યુનિવર્સિટી પરીક્ષા મોડી લે તો લેટ ફી ના હોય?

એક વાત યાદ રાખો. શિક્ષણની ચિંતા બાળકોએ નથી કરવાની હોતી! માતા પિતા અને સમાજે કરવાની હોય છે! શાળા કોલેજોનાં બાળકો કયાં કપડા પહેરશે તેની ચિંતા કરતાં પહેલાં સ્કૂલ રીક્ષામાં કેટલાં બાળકો છે! શાળાઓમાં ડોનેશન બંધ થયા કે નહીં? શાળાઓએ વાજબી ફી લીધી કે નહીં? શાળા કોલેજો પાસે મેદાન, લાયબ્રેરી, પ્રયોગશાળા અને લાયકાતવાળા, અભ્યાસુ શિક્ષકો છે કે નહીં? તેની ચિંતા કરો! આ એડહોક અધ્યાપકો ફીકસ પગારમાં કુટાતા શિક્ષકો ઉચ્ચક વેતનથી આવતા કોન્ટ્રાકટ આધારિત શિક્ષકો એ આપણાં જ બાળકો છે. આ યુવાનોની યુવાની આવા નજીવા વેતનમાં પૂરી થઇ જશે પછી આ લોકો જ સમાજને બોજરૂપ લાગવા માંડશે! પર્યાવરણવાદીઓને લુપ્ત થતાં પક્ષીઓની ચિંતા હોય છે. સભ્યતા-સંસ્કૃતિના અભ્યાસુઓને લુપ્ત થતી ભાષા-સંસ્કૃતિની ચિંતા હોય છે તેમ નિવાસી શિક્ષકો, પ્રવાસી શિક્ષકો, સહાયક શિક્ષકોના પ્રકાર વચ્ચે મૂળભૂત ‘શિક્ષક’ પ્રજાતિ જ નાશના આરે છે તે વિચારો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top