India

TCSની HR હેડ કે માત્ર BPO ટેલિકોલર? ફરાર નિદા ખાન મામલે કંપનીએ આપ્યો મોટો ખુલાસો, તપાસ વધુ તેજ

મહારાષ્ટ્રના નાશિક સ્થિત Tata Consultancy Services (TCS) ઓફિસમાં થયેલા ગંભીર આરોપોના કેસમાં કેન્દ્રમાં રહેલી નિદા ખાન અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા અને રાજકીય ચર્ચાઓ વચ્ચે તેમને “TCSની HR હેડ” તરીકે દર્શાવવામાં આવી રહી હતી, પરંતુ કંપની તરફથી આ મુદ્દે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ TCSએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે નિદા ખાન કંપનીના ટોચના HR નેતૃત્વમાં નહોતી, પરંતુ BPO યુનિટમાં HR એક્ઝિક્યુટિવ સ્તરે કામ કરતી કર્મચારી હતી. એટલે કે તેમને કંપનીની મુખ્ય HR હેડ તરીકે રજૂ કરવામાં આવી રહી હતી તે દાવો ભ્રામક હોવાનું કંપનીએ સ્પષ્ટ કર્યું છે.

નાશિક સ્થિત TCS કેમ્પસમાં સામે આવેલા કેસમાં અત્યાર સુધી અનેક ગંભીર આરોપો નોંધાયા છે. પોલીસ તપાસ અનુસાર કેટલાક કર્મચારીઓ પર સહકર્મચારીઓ સાથે યૌન શોષણ, ધાર્મિક દબાણ અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાના આરોપો લાગ્યા છે. અત્યાર સુધી 12 પીડિતોની ઓળખ થઈ છે અને તેમાંના 9 કેસોમાં FIR નોંધાઈ ચૂકી છે. આ કેસમાં નિદા ખાનનું નામ મુખ્ય આરોપીઓમાં સામેલ હોવાનું સામે આવ્યું છે અને FIRમાં નામ આવ્યા બાદથી તેઓ ફરાર હોવાનું પોલીસનું કહેવું છે.

તપાસ માટે બનાવવામાં આવેલી SIT ટીમ તેમની શોધખોળમાં લાગી છે અને તેમના મોબાઇલ તથા WhatsApp ચેટ્સના આધારે કેસના વધુ તાર જોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તપાસ દરમિયાન એવો પણ આરોપ સામે આવ્યો છે કે કેટલાક કર્મચારીઓ પર ધાર્મિક રીતરિવાજ અપનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. કેટલાક પીડિતોએ જણાવ્યું કે તેમને ખાસ પ્રકારના કપડા પહેરવા, નમાજ પાડવા અને ધાર્મિક પરંપરાઓ અપનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ TCSએ જણાવ્યું છે કે કંપનીએ ફરિયાદોને ગંભીરતાથી લીધી છે અને આરોપી કર્મચારીઓ સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ કંપની તપાસ એજન્સીઓ સાથે સંપૂર્ણ સહકાર આપી રહી હોવાનું પણ જણાવ્યું છે. નાશિક TCS કેસ હવે રાજકીય અને સામાજિક સ્તરે પણ ચર્ચાનો વિષય બની ગયો છે. પોલીસ અને તપાસ એજન્સીઓ આ કેસના તમામ પાસાઓની વિગતવાર તપાસ કરી રહી છે અને ફરાર નિદા ખાનની શોધ હજુ ચાલુ છે.

Most Popular

To Top