અમદાવાદ: ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, જ્યારે ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે વરસાદ અંગે પણ આગાહી કરી છે. 19 એપ્રિલથી 20 એપ્રિલ સવારે સુધી ઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છાંટા પડી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. ત્યારબાદ 20થી 21 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાનમાં ચાલતી પરિસ્થિતિઓ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી મણિપુર સુધી ફેલાયેલા ટ્રફના કારણે હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, તા. 16 થી 18 એપ્રિલ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. જેના કારણે નાગરિકોને અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ થશે. આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
એક તરફ ગરમીનો પ્રકોપ અને બીજી તરફ વરસાદની આગાહી વચ્ચે હવામાનમાં આગામી દિવસોમાં ફેરફાર જોવા મળશે, જેનાથી લોકોને તાત્કાલિક રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ આકરી ગરમી અને બફારા બાદ 19 અને 20 એપ્રિલે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જે ગરમીથી આંશિક રાહત અપાવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભુજ અને રાજકોટમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉપરાંત અમદાવાદમાં પણ પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.રાજ્યના અન્ય શહેરોમાં ગાંધીનગર અને વડોદરામાં 40 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી, અમરેલીમાં 40 ડિગ્રી અને ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ભાવનગરમાં 37 ડિગ્રી, સુરતમાં 37 ડિગ્રી અને પોરબંદરમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.