National

તક્ષશિલા આગ દુર્ઘટના કેસ : પી.પી.સવાણી હોસ્પિટલના ડોક્ટર સામે કોર્ટે વોરન્ટ ઈશ્યુ કર્યું

સુરત : તક્ષશિલા આગ (Takshshila Fire) દુર્ઘટના કેસની ટ્રાયલ (Case) ચાલી રહી છે, જેમાં પીપી સવાણી હોસ્પિટલના (PP Savani Hospital) ડોક્ટર (Doctor) ગેરહાજર રહેતા તેમની સામે જામીનપાત્ર વોરંટ (Warrant) ઇસ્યુ (Issue) કરવામાં આવ્યું છે. હવે આગામી તા.8મી ડિસેમ્બરના રોજ આ કેસની સુનાવણી (Hearing) હાથ ધરાશે.

આ કેસ અંગે માહિતી આપતા વકીલ પિયુષ માંગુકીએ કહ્યું હતું કે, તક્ષશિલા આગ દુર્ઘટનામાં આરોપીઓ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી થઇ ગઇ છે અને હાલમાં કેસની ટ્રાયલ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં સ્મીમેર હોસ્પિટલમાં મૃત બાળકોની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોની જુબાની પુરી થઇ ગઇ છે અને હાલમાં જે વ્યક્તિઓ ઇજા પામ્યા છે તેઓની સારવાર કરનાર ડોક્ટરની જુબાની લેવામાં આવી રહી છે. સોમવારની મુદ્દત દરમિયાન વરાછા રોડ ઉપર આવેલી પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ હોસ્પિટલના ડો. જશવંત રવજીભાઇ ઠેસીયા કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા. દરમિયાન તક્ષશિલા કેસમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટર વકીલ પ્રફુલ્લસિંહ પરમારે ડો. જશવંત ઠેસીયાની સામે જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવાની અરજી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ડો. જશવંતની સામે જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યો હતો. આ કેસમાં આગામી તા. 8મી ડિસેમ્બરે વધુ સુનાવણી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ડો. જશવંત કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેઓએ જુબાની આપી હતી, ત્યારે આજે સોમવારની મુદ્દતમાં તેઓ ગેરહાજર રહ્યા હતા. જેને લઇને જામીનપાત્ર વોરંટની માંગણી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે અત્યંત આઘાતજનક આગની દુર્ઘટનામાં 22 બાળકો મૃત્યુ પામ્યા હતા. તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગ લાગી ત્યારે અહીં ચાલતા ટ્યૂશન ક્લાસીસમાં અનેક વિદ્યાર્થીઓ ભણી રહ્યાં હતાં. આગ બાદ એસએમસી, બિલ્ડર, વીજકંપની સહિત અનેક લોકોની લાપરવાહી ધ્યાને આવી હતી. પોલીસ ફરિયાદ બાદ અનેક લોકોની ધરપકડ થઈ હતી. હવે આ કેસમાં ટ્રાયલ શરૂ થઈ છે.

Most Popular

To Top