SURAT

ખુંખાર આતંકી યાસીન ભટકલે સુરત પર પરમાણુ હુમલા કરવા ષડયંત્ર રચેલું

સુરત: (Surat) ઈન્ડિયન મુજાહિદ્દીનનો ખુંખાર આતંકવાદી (Terrorist) યાસીન ભટકલ (Yasin Bhatkal) સુરતમાં પરમાણુ બોંબ ધડાકા કરવા માંગતો હોવાનું એનઆઈએની (NIA) તપાસમાં ખૂલતાં જ સુરતમાં હલચલ મચી જવા પામી છે. યાસીન ભટકલ દ્વારા સુરતમાં ખૂબ મોટું સ્લીપર સેલ ઊભું કરવામાં આવ્યું હતું. સિમીનો એક્ટિવ મેમ્બર અને બાદમાં ઇન્ડિયન મુજાહિદીન ગ્રુપ બનાવનાર આ ખતરનાક આતંકવાદીના સ્લીપર સેલમાં સુરતના રિઅલ એસ્ટેટના પણ કેટલાક માથાઓ હોવાની ચર્ચા ઉઠી છે. આ મામલે એનઆઈએ દ્વારા સતર્કતા રાખી તપાસ શરૂ કરવામાં આવી છે. યાસીન ભટકલ સુરતમાં એવો હુમલો કરવા માંગતો હતો કે જેને કારણે આખી દુનિયા હલી જાય. સુરતને પરમાણુ બોંબથી દેશના નકશામાંથી ભૂંસી નાખવાની ભટકલની કારસ્તાની છતી થઈ જવાથી એનઆઈએ પણ ચોંકી ઉઠી હતી. આજે પણ એનઆઇએને શંકા છે કે યાસીન ભટકલે ઉભું કરેલું સ્લીપર સેલ ગમે ત્યારે શહેરની તારાજી સર્જી શકે તેમ છે. તેથી એનઆઇએ સુરતને ખૂબ ગંભીરતાથી લઇ રહી છે. આ ઉપરાંત સુરત પોલીસ પણ આ ગંભીર મામલે એક્ટિવ છે.

  • ખુંખાર આતંકી યાસીન ભટકલે સુરત પર પરમાણુ હુમલા કરવા ષડયંત્ર રચેલું
  • યાસીન ભટકલે સુરતમાં મોટું સ્લીપર સેલ પણ ઊભું કર્યું, એનઆઈએ પણ સુરતના સ્લીપર સેલ પર નજર રાખી રહી છે
  • યાસીન ભટકલના સ્લીપર સેલમાં કેટલાક રિઅલ એસ્ટેટના માથાઓ પણ હોવાની ચર્ચા, સુરત પોલીસ પણ એલર્ટ
  • ભારત સરકારની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં ખુલી ભયાનક હકીકતો

સુરતમાં એનઆઇએની ઓફિસ ખોલવાના ચક્રો ગતિમાન
સુરતમાં યાસીન ભટકલ પરમાણુ હુમલો કરવા માંગતો હોવાની વિગતો બહાર આવવાને પગલે એનઆઈએ સુરતમાં પણ કાર્યરત થઈ જવા પામી છે. એનઆઈએની સુરત અને આતંકવાદીઓના સ્લીપર સેલ પર કડી નજર છે. તેમાં ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા લોકોનો સમાવેશ થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે બસો કરતા વધારે લોકો સુરતમાં એનઆઇએના રડાર પર છે. છેલ્લા એક વર્ષમાં પાંચ જેટલા શકમંદ જે પાકિસ્તાનના ટેરેરિસ્ટ ગ્રુપો સાથે એક્ટિવ છે તે લોકો સુધી એનઆઇએ પહોંચી ચૂક્યું છે. અલબત હાલમાં સરકારની આક્રમકતાને કારણે દેશદ્રોહી તત્વોની ઉંઘ હરામ થઇ ગઇ છે.

ખૂંખાર આતંકવાદી યાસીન ભટકલે સુરતમાં 29 સ્થળે બોંબ મુક્યા હતા, જે ફુટ્યા નહોતા
યાસીન ભટકલ દ્વારા સુરતમાં 29 સ્થળે બોંબ મુકવામાં આવ્યા હતા. 2008ના વર્ષમાં સુરતમાં જૂદી જૂદી જગ્યાએ મુકાયેલા આ બોંબ ફુટ્યા નહોતા. બાદમાં તપાસ દરમિયાન ખબર પડી હતી કે આ બોંબ ભરૂચની લુકમાનપાર્ક સોસાયટીમાં બન્યા હતા. જેમાં ચીપ સુરતના ભરીમાતા રોડ પર ધાસ્તીપુરામાં લગાવવામાં આવી હતી. બોંબમાં બે ડિટોનેટેર લગાવવામાં આવ્યા હોવાના કારણે સર્કિટ એક્ટિવ નહીં થતાં તે ફુટ્યા નહોતા. યાસીન ભટકલની આ કાંડમાં મુખ્ય વિલન હોવાની વાત છે. સુરતમાં બોંબ કાંડમાં ગુજરાત પોલીસને તપાસ દરમિયાન મોટી સફળતા પણ મળી હતી. પોલીસે ભરૂચની લુકમાનપાર્ક સોસાયટીમાં રહેતા મૂળ સુરતના સાજિદ મન્સૂરીની ધરપકડ કરી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 100 કરતા વધારે લોકોની ધરપકડ થઇ ચૂકી છે.

યાસીન ભટકલ પહેલા સિમીમાં એક્ટિવ હતો
આતંકવાદી યાસીન ભટકલ પહેલા સિમીમાં એક્ટિવ હતો. ત્યારબાદ લશ્કરે તોયબાના સપોર્ટથી તેણે સુરત હૈદરાબાદ, બેંગલોર, અમદાવાદ, દિલ્હીમાં બોંબ બ્લાસ્ટ કરાવ્યા હતા. સાયકલ અને સ્કૂટરમાં ટિફિન બોંબ રાખવા માટે ભટકલ કુખ્યાત હતો. ઇલેકટ્રોનિક અને ડિજિટલ પૂરાવા મળ્યા છે. વિસ્ફોટક અને આઈઆઈડીને તૈયાર કરવામાં ભટકલની મોટી ભૂમિકા છે. યાસીન ભટકલે બિહારમાં તબીબ બનીને પોતાનું સ્લીપર સેલ એક્ટિવ કર્યું હતું.

Most Popular

To Top