Business

સુરત: યાર્ન એક્સ્પોના ઉદ્દઘાટન પ્રસંગે ટફ સ્કીમની ચર્ચા ઉઠી પછી મંત્રી દર્શના જરદોષે જે કહ્યું…

સુરત: ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા આયોજિત યાર્ન એક્સ્પો-2022નું (Yarn Expo 2022) શનિવારે તા. 20 ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાના ટેક્સટાઈલ મિનીસ્ટર દર્શના જરદોષે (Darshna Jardosh) ઉદ્દઘાટન (Inauguration) કર્યું હતું. સરસાણા ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના ટ્રેડ એન્ડ કન્વેન્શનલ સેન્ટરના પ્લેટિનમ હોલ ખાતે આયોજિત ઉદ્દઘાટન સમારોહમાં મુંબઇ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના પ્રેસિડેન્ટ આર.ડી. ઉદેશી અને વાઇસ પ્રેસિડેન્ટ જે. રઘુનાથ તથા સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર (આઇ.પી.એસ.) અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા.

એમએમએફ, ટેકનિકલ ટેકસટાઇલ અને રેડીમેડ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી ગ્રો થશે ત્યારે હેન્ડલુમ હેન્ડીક્રાફટમાં ટેકનિકલ સપોર્ટ આપી આ ઇન્ડસ્ટ્રી પણ આગળ વધે તે દિશામાં પ્રયાસ કરવો છે, ઉદ્યોગોએ આત્મનિર્ભર તરફ આગળ વધવું પડશે અને તેની પહેલ પણ સુરતે જ કરવાની છે : દર્શનાબેન જરદોશ

કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશમાં 20 કરોડ રાષ્ટ્રધ્વજ ફરકયા હતા. જેમાંથી 7.5 કરોડ ધ્વજ સુરતે બનાવી તિરંગાની શાન વધારી છે. હવે ઉદ્યોગોએ આત્મનિર્ભર તરફ આગળ વધવું પડશે અને તેની પહેલ પણ સુરતે જ કરવાની છે. ગ્લોબલ માર્કેટને કેપ્ચર કરવા માટે એમએમએફને સપોર્ટ કરવો પડશે. આથી કેન્દ્ર સરકારે એમએમએફને સપોર્ટ કરતી સ્કીમ બહાર પાડી છે. સરકાર હવે પીએલઆઇ– 2 માટે પ્રયાસ કરી રહી છે.

આ ઉપરાંત ટફના કલેઇમ કરવા માટે ટેકસટાઇલ મંત્રાલય પ્રયાસ કરી રહ્યું છે. એક જ જગ્યાએ કમ્પોઝીટ યુનિટો આવે તેના માટે સરકાર પીએમ મિત્રા પાર્ક સ્કીમ લાવી છે અને તેના અંતર્ગત ગુજરાત અને કર્ણાટક સરકારે બજેટ પણ ફાળવી દીધું છે. હવે સરકાર કોકુનમાંથી સિલ્ક બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. એમએમએફ, ટેકનિકલ ટેકસટાઇલ અને રેડીમેડ ગારમેન્ટ્‌સ માટેની ઇન્ડસ્ટ્રી ગ્રો થવાની છે ત્યારે હેન્ડલુમ હેન્ડીક્રાફટમાં ટેકનિકલ સપોર્ટ આપી આ ઇન્ડસ્ટ્રી પણ આગળ વધે તે દિશામાં પ્રયાસ કરવાનો છે.

વિશ્વ બજારને આકર્ષવા નવી પ્રોડક્ટ બનાવવા ચેમ્બર પ્રમુખની હાકલ
ટફ સ્કીમનો ભારતના ટેકસટાઇલ ઉદ્યોગના વિકાસમાં સિંહફાળો છે. ભારત સરકાર દ્વારા આજદિન સુધી રૂપિયા 10,000 કરોડ જેટલું ઇન્સેન્ટીવ ટફ સ્કીમ અંતર્ગત આપવામાં આવ્યું છે. જેના થકી છેલ્લાં 20 વર્ષોમાં રૂપિયા 3 લાખ કરોડનું રોકાણ આ ક્ષેત્રમાં આવ્યું છે. છેલ્લાં બે દાયકામાં ટેકસટાઇલ ક્ષેત્રે જે કંઈપણ રોકાણ આવ્યું છે તેમાંથી 85 % જેટલું રોકાણ આ ટફ સ્કીમને આભારી છે. આના માટે સમગ્ર ટેકસટાઇલ ઉદ્યોગ જગત ભારત સરકારનો આભાર માને છે. આવી ટફ સ્કીમ જ્યારે એકસ્પાયર થઇ ગઇ છે ત્યારે નવી સ્કીમમાં એમએસએમઇને અન્યાય ન થાય તથા આખી ટેકસટાઇલ વેલ્યુ ચેઈનમાં જોબવર્ક કરનાર એકમોનો 55 થી 60% જેટલો ફાળો હોઇ આવા એકમો પણ નવી ઇન્સેન્ટીવ સ્કીમમાંથી બાકાત ન રહી જાય અને નવી સ્કીમ ટફ આધારિત હોય તે માટે તેમણે કેન્દ્રીય ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને વિનંતી કરી હતી.

ટફ જેવી નવી સ્કીમ શરૂ કરાવવા કપડા મંત્રી સમક્ષ ચેમ્બરની માંગણી
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારતમાંથી થતા કુલ ટેકસટાઇલ એકસપોર્ટમાં 95% હિસ્સો કોટન બેઇઝ પ્રોડકટનો છે અને તેથી વિશ્વ બજારને આકર્ષવા માટે નવી પ્રોડકટ બનાવવી પડશે. નવી પ્રોડકટ માટે જે કંઈ પણ યાર્નની જરૂરિયાત ઉભી થશે તે આજના એકઝીબીશનમાંથી ઉત્પાદકોને મળી રહેશે. ટેકનિકલ ટેકસટાઇલના સ્પેશ્યાલિટી યાર્ન કે જે હાલમાં ઈમ્પોર્ટ કરવું પડે છે તેનું ભારતમાં ઉત્પાદન કરવું જોઈએ. હાઇ ટેનાસીટી પોલીએસ્ટર યાર્ન કે જે ભારતમાં બનતું નથી અને જેનો ઉપયોગ ટેકનિકલ ટેકસટાઇલમાં થાય છે જેનું અંદાજે 5 બિલિયન અમેરિકન ડોલર જેટલું ટેકનિકલ ટેકસટાઈલમાં વપરાતું યાર્ન ભારતમાં ઈમ્પોર્ટ થાય છે તેનું ઉત્પાદન કરવા માટે તેમણે ભારતની જાયન્ટ કંપનીઓને અનુરોધ કર્યો હતો.

કાપડઉદ્યોગ હવે ગારમેન્ટ કેપેસિટી વધારવા પર ધ્યાન આપે: ઉદ્દેશી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના પ્રેસિડેન્ટ આર.ડી. ઉદેશીએ જણાવ્યું હતું કે, ટેકસટાઇલ મંત્રાલયના સહકારને પગલે ઇન્ડસ્ટ્રી ઘણું સારું કામ કરી રહી છે. ટેકસટાઇલ ક્ષેત્રે હવે ગારમેન્ટીંગ કેપેસિટી વધારવાની છે. તેમણે વડાપ્રધાન દ્વારા ફાયબર ટુ ફેશન માટે જે સપનું જોયું છે તેને સાર્થક કરવાની દિશામાં પ્રયાસ કરવાનો છે.

ચાઈના પ્લસ વનનો સુરતના ઉત્પાદકો લાભ ઉઠાવે: જે. રઘુનાથ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જે. રઘુનાથે જણાવ્યું હતું કે, ચાઇના પ્લસ વનનો એડવાન્ટેજ લેવાનો છે. આથી સુરતના વેપારીઓ માટે વિશાળ તક છે અને રિલાયન્સ દરેક મદદ કરવા તૈયાર છે. તેમણે કહયું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સે સુરતની ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવાની દિશામાં તથા યાર્ન એકસ્પો થકી બ્રાન્ડ ક્રિએટ કરવાની દિશામાં પ્રયાસ કર્યો છે.

યાર્ન એક્સ્પોમાં અનેક પ્રકારના યાર્ન પ્રદર્શનમાં મુકાયા
યાર્ન એકસ્પોના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે યાર્ન એકઝીબીશનમાં કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ ઉપરાંત વિશિષ્ટ યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, સિરો ઇમ્પેકટ યાર્ન, ગ્રેનાઇટ યાર્ન, હેમ્પ યાર્ન, ફલેકસ યાર્ન, વૂલ લાઇક પોલિએસ્ટર યાર્ન, કોટન સ્ટ્રેચ યાર્ન, રિસાયકલ યાર્ન, ઇકો ગોલ્ડ બાયો ડિગ્રીડેબલ યાર્ન, સ્પોર્ટ્‌સ વેર માટે કુલ ટેકસ્ટ યાર્ન અને ફાયર રિટર્ડન્ટ યાર્ન પ્રદર્શન માટે મૂકાયા છે.

Most Popular

To Top