Business

15 જાન્યુઆરીથી કાપડ માર્કેટના મજૂરો 55 કિલોથી વધુ વજનનાં પાર્સલ ઉપાડશે નહીં

સુરત: 4 જાન્યુઆરીનાં રોજ બુધવારે સુરત (Surat) કડોદરા રોડ સ્થિત આવેલ દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટ નગર ખાતે સુરત ટેક્સટાઇલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનનાં હોદ્દેદારોની એક સંયુક્ત બેઠકમાં રિંગ રોડ અને સારોલીની કાપડ માર્કેટસમાં (Textile Market) કામ કરતાં હજારો મજૂરો 55 કિલોથી વધુ વજનનાં પાર્સલ (Parcel) ઉપાડશે નહીં એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને મજૂર યુનિયનની સંયુક્ત સામાન્ય સભામાં સર્વાનુમતે એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે, ટેકસટાઇલ માર્કેટથી આવતા મોટા અને વજનદાર પાર્સલો ઉપાડવાનું બંધ કરવામાં આવશે પર ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં પાર્સલના આકાર અને વજન બંનેમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 3 થી 4 વર્ષ પહેલા સુધી પાર્સલનું વજન 55 થી 60 કિલો રહેતું હતું, જે ધીમે ધીમે વધીને 90 થી 110 કિલો થઈ ગયું છે.

આ મોટા અને ભારે પાર્સલને ઉપાડવા એ મજૂરો માટે ખૂબ જ મુશ્કેલ કામ છે, જેના કારણે ઘણા મજૂરો ગંભીર રીતે ઘાયલ પણ થઈ રહ્યા છે. પાર્સલના વજન અને આકારમાં વધારો થવાને કારણે મજૂરો અને ટ્રાન્સપોર્ટરો બંનેને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. અને શ્રમિકોનું આર્થિક અને શારીરિક શોષણ રહી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને હવે બંને સંગઠનોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે આગામી 15 મી જાન્યુઆરીથી મજૂરો કે ટ્રાન્સપોર્ટર્સ 55 કિલોથી વધુ વજનના પાર્સલ સ્વીકારશે નહીં.

આ અંગે યુનિયનના પ્રવક્તા શાન ખાને જણાવ્યું હતું કે માનવ અધિકાર અધિનિયમ અને ફેક્ટરી એક્ટ બંનેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કામદારો પાસે તેમની ક્ષમતા કરતાં વધુ વજનનો માલ ઉપાડવા મજબૂર કરવા જોઈએ નહીં, તેથી હવે એક નિયમ બનાવી ટેકસટાઇલ માર્કેટમાં પણ પાર્સલના વજનની મર્યાદા નક્કી કરવાની અત્યંત જરૂરિયાત છે.
આ પ્રસંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેશલે, લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા, બનારસીદાસ અગ્રવાલ, યુનિયન જનરલ સેક્રેટરી દેવપ્રકાશ પાંડે, પ્રવક્તા શાન ખાન, નેહલ બુદ્ધદેવ, અનિલ ગુપ્તા, રાહુલ પાંડે, દીપચંદ પાંડે, પપ્પુ મિશ્રા, હનુમાન પ્રસાદ શુક્લા, બંગા પાંડે, દીપક તિવારી, રહીમ શેખ, લલ્લન પાંડે, મન્ટુ પાંડે સહિત મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને મજૂર યુનિયનના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top