Dakshin Gujarat

મહિલા પોસ્ટ માસ્તરે આ રીતે ગ્રાહકોના લાખો રુપિયા ઉપાડી લીધા

ઝઘડિયા: ઝઘડિયાના સારસા ગામે પોસ્ટ ઓફિસમાં (Post Office) ૨૦૨૦-૨૧ના વર્ષમાં ફરજ બજાવતા મહિલા બ્રાંચ પોસ્ટ માસ્તરે કઠિતપણે બચત ખાતાધારકોની બનાવટી સહીઓ કરી રૂ.૧,૨૦,૦૦૦ ઉપાડી લેવાનો કિસ્સો બનતાં ખળભળાટ મચી ગયો છે. જે બાબતે વાર્ષિક ઇન્સ્પેક્શન વખતે નાણાકીય ગોબાચારીનો મુદ્દો બહાર આવતાં આખરે રાજપારડી પોલીસમાં (Police) ગુનો નોંધવામાં આવ્યો હતો.

  • બે ખાતાંમાં બનાવટી સહીઓ અને અંગૂઠા કરી કારસ્તાન આચર્યુ
  • મહિલા પોસ્ટ માસ્તરે બચત ખાતા ખોલાવનારા ગ્રાહકોની જમા ઉપાડ વાઉચરમાં તરકીબથી નકલી સહી કરીને નાણાં ઉપાડી લીધાં

રાજપારડી પોસ્ટ ઓફિસના હિસાબી શાખા દ્વારા ગ્રામીણ પોસ્ટ ઓફિસ સારસા શાખામાં ગત તા.૬/૭/૨૦૨૦થી તા.૧૮/૧૦/૨૦૨૧ના સવા વર્ષ દરમિયાન બ્રાંચ પોસ્ટ માસ્તર તરીકે વૈશાલીબેન જવાનસિંહ સોલંકી ફરજ બજાવતાં હતાં. એ સમયગાળામાં મહિલા પોસ્ટ માસ્તરે બચત ખાતા ખોલાવનારા ગ્રાહકોની જમા ઉપાડ વાઉચરમાં તરકીબથી નકલી સહી કરીને નાણાં ઉપાડી લીધાં હતાં. પોસ્ટ ઓફિસના સારસાના ગ્રાહક રાકેશભાઈ માછીના ખાતામાંથી વાઉચર પર બનાવટી સહી કરીને રૂ.૨૦,૦૦૦ તેમજ મણીબેન માછીની જાણ બહાર ઉપાડ વાઉચર પર બનાવટી અંગૂઠા કરીને રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૨૦,૦૦૦ પોસ્ટ માસ્તર વૈશાલીબેને ઉપાડી લીધા હતા.

ઝઘડિયા સબ ડિવિઝનના ઇન્સ્પેક્ટર મીતેશભાઇ રમેશભાઈ વડાદિયાએ સારસા પોસ્ટ ઓફિસનું વાર્ષિક ઇન્સ્પેક્શન બચત ખાતામાં લેવડદેવડમાં નકલી સહીઓ કરીને નાણાકીય ઉચાપત કરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જે મુદ્દે ખાતાકીય તપાસમાં પોસ્ટ માસ્તર વૈશાલીબેન સોલંકીએ નિવેદનમાં પોતે જ સહી કરીને રૂપિયા ઉપાડ્યા હોવાનું કબૂલ્યું હતું. જે બાબતે ઇન્સ્પેક્ટર મીતેશભાઇ વડાદિયાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ આપતાં સારસાના પોસ્ટ માસ્તર વૈશાલીબેન જવાનસિંહ સોલંકી (રહે.,ભાલોદ, મૂળ રહે.,સરાડિયા, તા.વીરપુર, જિ.મહિસાગર) વિરુદ્ધ બનાવટી સહી અંગૂઠા કરીને પોતાના અંગત ફાયદા માટે રૂ.૧.૨૦ લાખની ઉચાપતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, ગામડાના લોકો પોસ્ટ વિભાગના ભરોસે પૈસા બચત કરતા હોય ત્યાં તો ગ્રાહકો સાથે આવી ઘટનાથી વિશ્વાસ પર સંદેહ થઇ રહ્યો છે.

Most Popular

To Top