SURAT

સુરતમાં 48 કલાકમાં જ તાપમાન સાડા ત્રણ ડિગ્રી વધી ગયો, કાળઝાળ ગરમી અનુભવાઈ

સુરત: (Surat) શહેરમાં આજે ગરમીનો પારો 39 ડિગ્રીને પાર પહોંચતા ગરમીએ (Summer) તોબા પોકારી હતી. માવઠાની આગાહી વચ્ચે પારો (Temperature) આજે 39.2 ડિગ્રીએ પહોંચ્યો હતો.

  • ઉનાળો ધખ્યો: સુરતમાં 48 કલાકમાં જ તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રીનો વધારો
  • મહત્તમ અને લઘુત્તમ તાપમાન એક-એક ડિગ્રી વધીને અનુક્રમે 39.2 ડિગ્રી અને 25 ડિગ્રી નોંધાયું

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નબળી પડતા શહેરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ હતી. આજે મહત્તમ તાપમાનનો પારો એક ડિગ્રી વધીને 39.2 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો પણ એક ડિગ્રી વધીને 25 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 27 ટકા ભેજ સાથે 6 કિમીની ઝડપે ઉત્તર-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. હવામાન વિભાગે 15 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરી હતી. ત્યારપછી ધીમે ધીમે ગરમીના પ્રારંભની સંભાવના વ્યક્ત કરાઈ હતી. પરંતુ ગરમીએ ગઈકાલથી જ કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. છેલ્લા 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો છે.

છેલ્લા 10 વર્ષમાં 2019નો એપ્રિલ સૌથી વધારે હોટ રહ્યો હતો
છેલ્લા 10 વર્ષમાં એપ્રિલ મહિનામાં નોંધાયેલું હાઈએસ્ટ મહત્તમ તાપમાન જોઈએ તો વર્ષ 2019માં નોંધાયું હતું. તે વર્ષે એપ્રિલ મહિનામાં રેકોર્ડ બ્રેક તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું. આ વખતે એપ્રિલ મહિનાની ગરમીનો રેકોર્ડ બ્રેક થાય તો નવાઈ નહી તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સિવાય સરેરાશ મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી છે. એટલે કે આજે મહત્તમ તાપમાન સરેરાશ કરતા 4 ડિગ્રી વધારે નોંધાયું હતું.

બારડોલીમાં આગ ઓકતી ગરમી, પારો 39 ડિગ્રી
બારડોલી: બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીમાં થોડી રાહત રહ્યા બાદ શનિવારના રોજ તાપમાનનો પારો 39 ડિગ્રી પર પહોંચી જતાં લોકો રીતસરના શેકાયા હતા. કાળઝાળ ગરમીને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. આવતી કાલે પણ ગરમીનું પ્રમાણ વધુ રહે તેવું જાણવા મળી રહ્યું છે.
બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં બે દિવસ અગાઉ વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારને કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટછવાયાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જેને કારણે ગરમીમાં થોડી રાહત થઈ હતી. પરંતુ શનિવારના રોજ તાપમાનમાં અચાનક વધારો જોવા મળ્યો હતો. કેટલાક દિવસથી 35થી 36 વચ્ચે રહેતું તાપમાન શનિવારે 39 ડિગ્રી પર પહોંચી ગયું હતું. બારડોલી પંથકમાં હીટવેવને કારણે ગરમીના પ્રમાણમાં વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. બપોરના સમયે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ભારે ગરમીના કારણે મોટરસાઇકલ જેવાં ખુલ્લાં વાહનો પર જવું લોકો માટે કપરું થઈ ગયું છે. ભારે ઉકળાટ અને બફારાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. આવી જ ગરમી આગામી દિવસોમાં ચાલુ રહેવાની હોય લોકોને ઓર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. બીજી તરફ કેટલીક શાળા અને કોલેજોમાં પરીક્ષા ચાલી રહી હોય વિદ્યાર્થીઓની હાલત પણ કફોડી બની ગઈ છે. આવી કાળઝાળ ગરમી વચ્ચે બારડોલીમાં લોકોને રાહત મળે એ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબ અને છાશ વિતરણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકો પણ ગરમીથી બચવા માટે પંખા અને એ.સી.નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહીં બહાર ખરીદી માટે આવતા લોકો પણ ઠંડાં પીણાં અને આઇસક્રીમનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. બારડોલીના કેટલાક વિસ્તારોમાં હાલમાં જ બનેલા રસ્તા પરનો ડામર ગરમીને કારણે પીગળી રહ્યો હોય વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.

Most Popular

To Top