SURAT

સુરત: વર્ગ લેવા માટે બોલાવવા ગયેલા વિદ્યાર્થીઓ ઉપર પિત્તો જતા શિક્ષક તૂટી પડ્યા, ધડાધડ લાફા ચોપડી દીધા

સુરત : સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત પૂણા-સીમાડા યોગી ચોક ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક ૩૪૯ના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને (Student) માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વાલીઓ (Parents) દ્વારા શાળાના કાર્યકારી આચાર્યને ફરિયાદ કરવામાં આવી હતી. સ્ટાફ રૂમમાં આરામ ફરમાવી રહેલા શિક્ષકને વર્ગ લેવા માટે બોલાવવા ગયેલા વિદ્યાર્થીઓ ઉપર પિત્તો જતા શિક્ષક તૂટી પડ્યા હતા અને ધડાધડ લાફા ચોપડી દીધા હતા. સમગ્ર ઘટના રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસુરિયા સુધી પહોંચી હતી. શિક્ષણમંત્રી દ્વારા શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

પૂણા-સીમાડા યોગીચોક ખાતે આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શ્રી ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ શાળા ક્રમાંક ૩૪૯ ખાતે ધોરણ-૬ના હિન્દી વિષયના શિક્ષક અનિલ ચૌધરીએ વર્ગખંડમાં ૧૦થી ૧૨ વિદ્યાર્થીઓને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ૧૪મી ડિસેમ્બરના રોજ સાંજે ૪ થી ૪.૩૦ કલાક દરમિયાન બની હતી. વિદ્યાર્થીઓએ ઘરે જઈને શિક્ષકે માર માર્યો હોવાની ફરિયાદ પોતાના વાલીઓને કરી હતી. જેને પગલે બીજા દિવસે ૧૫મી ડિસેમ્બરના રોજ વાલીઓએ ભેગા થઈને શાળાના કાર્યકારી આચાર્ય હિતેશ દુધાતને લેખિતમાં ફરિયાદ કરી હતી.

આ સમગ્ર ઘટના રાજ્યના રાજ્યકક્ષાના પ્રાથમિક શિક્ષણના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસુરિયા સુધી પહોંચી હતી. જેને પગલે શિક્ષણ મંત્રીએ તાત્કાલિક ધોરણે શિક્ષક અનિલ ચૌધરીને સસ્પેન્ડ કર્યો હતો. આ ઘટના સંદર્ભે વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે બાળકો શિક્ષક અનિલ ચૌધરીને ભાષા હિન્દી વિષયનો પિરિયડ લેવા માટે સ્ટાફરૂમમાં બોલાવવા ગયા હતા. ત્યારે શિક્ષક અનિલ ચૌધરી ઊંઘતો હતો. ત્યારબાદ વર્ગખંડમાં આવીને અનિલ ચૌધરીએ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓને ગાલ ઉપર તમાચો મારતા, ગાલ લાલ થઈ ગયા હતા અને આંગળીઓના નિશાન પડી ગયા હતા. કેટલાક વિદ્યાર્થીઓને છાતીમાં મુક્કા મારવામાં આવ્યા હતા.

શિક્ષક વિરુદ્ધ તપાસની કાર્યવાહી થશે : શાસનાધિકારી વિમલ દેસાઈ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી વિમલ દેસાઈએ જણાવ્યું હતું કે શાળા ક્રમાંક ૩૪૯ના શિક્ષક અનિલ ચૌધરી બે દિવસથી શાળાએ આવ્યા નથી. એટલે ખરેખર શું ઘટના બની હતી. તે જાણી શકાય નથી. શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તબક્કાવાર તપાસની કાર્યવાહી કરવામાં આવશે.

શાળા ક્રમાંક ૮૭માંથી અનિલ ચૌધરીની શિક્ષાત્મક બદલી થતાં અહીં આવ્યા હતા : કાર્યકારી આચાર્ય હિતેશ દુધાત
સમિતિ શાળા ક્રમાંક ૩૪૯ની સમગ્ર ઘટના સંદર્ભે કાર્યકારી આચાર્ય હિતેશ દુધાતે જણાવ્યું હતું કે શિક્ષક અનિલ ચૌધરી બે દિવસથી ગેરહાજર છે. તેમનો ટેલિફોનિક સંપર્ક પણ થઈ શક્યો નથી. આથી ૧૦થી ૧૨ વિદ્યાર્થીઓને ક્યાં કારણસર મારવામાં આવ્યા હતા તે જાણી શકાયું નથી. પરંતુ વિદ્યાર્થીઓએ એવું જણાવ્યું હતું કે તેઓ શિક્ષકને વર્ગ લેવા માટે સ્ટાફરૂમમાં બોલાવવા ગયા હતા. ત્યારબાદ શિક્ષકે વર્ગમાં આવીને વિદ્યાર્થીઓને માર્યા હતા. શૈક્ષણિક કાર્ય બરાબર નહીં કરવા બદલ અને છેડતી કરવાના આક્ષેપોને કારણે અનિલ ચૌધરીની શાળા ક્રમાંક ૮૭માંથી શિક્ષાત્મક બદલી થઈને શાળા ક્રમાંક ૩૪૯માં આવ્યા હતા.

Most Popular

To Top