Gujarat

કોંગ્રેસે વિપક્ષના નેતાનું નામ જાહેર કર્યું નથી, માત્ર ચૂંટાયેલા ઉમેદવારો જ શપથ લેશે

ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં (Election) ભાજપને (BJP) 156 તથા કોંગ્રેસને (Congress) 17 બેઠકો મળી છે. જો કે હજુ સુધી કોંગ્રેસની નેતાગીરી વિપક્ષના નેતાનું નામ જાહેર કરી શકી નથી, જેના પગલે આગામી તા.19 અને 20મી ડિસે.ના રોજ યોજાનાર બે દિવસીય સત્ર દરમ્યાન માત્ર કોંગીના સભ્યો ધારાસભ્ય તરીકેના શપથ લઈ શકશે. જયાં તેમના વિપક્ષના નેતાનું નામ જાહેર કરીને વિધાનસભા અધ્યક્ષની ઓફિસને જાણ નહીં કરાય ત્યાં સુધી કોંગીને વિપક્ષના નેતાની જગ્યા કે ઓફિસ ફાળવાશે નહીં.

સત્રના પ્રથમ દિવસે પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ નવા ચૂંટાયેલા તમામ સભ્યોને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવશે. જેમાં કોંગ્રેસના 15, આપના 5, સપાના 1 તથા ત્રણ અપક્ષ સભ્યો પણ શપથ લેશે. બીજા દિવસે સત્રના પહેલા દિવસે રાજયપાલ આચાર્ય દેવવ્રત પ્રવચન આપશે. અલબત્ત તે પહેલા ગૃહના નેતા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિપક્ષના નેતા સર્વાનુમતે નવા વરાયેલા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમની ચેર સુધી જઈને તેમને અધ્યક્ષની ચેર સુધી દોરીને લઈ જતાં હોય છે. જો 20મી સુધીમાં કોંગ્રેસ પોતાના વિપક્ષના નેતા પસંદ નહીં કરે તો આ પંરપરા તૂટશે. જો કે અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા પદ માટે અનિચ્છા દર્શાવી છે. જેના પગલે ક્ષત્રિય સભ્ય એવા તેમજ વિજાપુર બેઠક પરથી ચૂંટાયેલા સી જે ચાવડાની પંસદગી થાય તેવી સંભાવના રહેલી છે, અન્ય સભ્યો પૈકી અમીત ચાવડા તથા શૈલેષ પરમારના નામો પણ પણ રેસમાં છે.

Most Popular

To Top